Amreli Rain: ગુજરાતમાં લાંબા વિરામના અંતે ચોમાસાએ જમાવટ કરી છે, ત્યારે આજે બપોર બાદ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ખાસ કરીને અમરેલી જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાંક ધોધમાર, તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદના કારણે નદી-નાળામાં નવા નીર આવ્યા છે, ત્યારે સાવરકુંડલા પંથકમાં પ્રથમ વરસાદમાં પૂરની સ્થિતિ સર્જાઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.
કેવડાપરામાં રસ્તા પર નદીઓ વહી, પાણીમાં બાઈક સાથે તણાતા ચાલકનું દિલધડક રેસ્ક્યુ
ભારે વરસાદના પગલે સાવરકુંડલાના કેવડાપરા વિસ્તારમાં અચાનક પૂરના પાણી ફરી વળ્યા હતા. રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. જેમાં પાણીના ધસમસતા પ્રવાહમાં એક બાઈક પણ ચાલક સાથે તણાઈ ગયું હતુ, પરંતુ સદ્દનસીબે આ ભયાનક સ્થિતિમાં બાઈક ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો
પાણીના તેજ પ્રવાહ વચ્ચે બાઈક સાથે ચાલકને તણાતો જોઈને લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ બાઈકને દોરડા વડે બાંધી લેતા બાઈક પણ પાણીમાં વહી જતાં બચી ગયું હતુ. વહીવટી તંત્ર દ્વારા લોકોને ભારે વરસાદ દરમિયાન પાણીના ધસમસતા પ્રવાહમાંથી પસાર ના થવા માટે અપીલ કરી છે.
સાવરકુંડલામાં 4 કલાકમાં સવા 3 ઈંચ જેટલો ધોધમાર વરસાદ
આજે વહેલી સવારથી સાંજે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 20 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. જે પૈકી નવસારી શહેરમાં સૌથી વધુ 94 મિ.મી (3.7 ઈંચ) વરસાદ ખાબક્યો છે. જ્યારે અમરેલીના સાવરકુંડલામાં બપોરે 12 થી 4 વાગ્યા સુધીમાં 79 મિ.મી (3.1 ઈંચ) વરસાદ નોંધાયો છે. આ સિવાય વલસાડના ધરમપુરમાં 70 મિ.મી (2.7 ઈંચ), સુરતમાં 61 મિ.મી (2.4 ઈંચ), કામરેજમાં 60 મિ.મી. (2.3 ઈંચ) અને નવસારીના જલાલપોરમાં 53 મિ.મી (2 ઈંચ) વરસાદ પડ્યો છે.
