Gujarat Local Body Elections 2025 Live Updates: આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને મહાનગર પાલિકાની બેઠકો પર સામાન્ય ચૂંટણી અને પેટા ચૂંટણી યોજાઈ માટે મતદાન કરવામાં આવી રહ્યું છે. મતદાન માટે હવે માત્ર 40 મિનિટ બાકી છે.

- સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરવામાં આવશે
આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને મહાનગર પાલિકાની બેઠકો પર સામાન્ય ચૂંટણી અને પેટા ચૂંટણી યોજાઈ માટે મતદાન કરવામાં આવી રહ્યું છે. મતદાન માટે હવે માત્ર 40 મિનિટ બાકી છે.
આજે વહેલી સવારથી સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણી માટે મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે બોટાદ નગરપાલિકા વિસ્તારમાં પણ પેટા ચૂંટણી યોજાઈ રહી છે. આ ચૂંટણીમાં બોટાદવાસીઓ પણ ઉત્સાહપૂર્વક મતદાન કરી રહ્યા છે. ત્યારે સાધુ સંતોએ પણ જુસ્સાભેર મતદાન કર્યું હતું. સ્વામી આત્માનંદ સરસ્વતીજીએ અપીલ કરી હતી કે, ગમે તેવા અગત્યના કામ કાજમાંથી સમય કાઢી બોટાદ નગરપાલિકાની ચૂંટણી અન્વયે ફરજિયાત મતદાન કરવામાં આવે.
ભાવનગર શહેરનાં વડવા બ વોર્ડમાં મિલની ચાલી વિસ્તારમાં રહેતા પરિતાબેન વિનોદભાઈ બાબરીયાના આજે લગ્ન લેવાયા હતાં, માંડવે જાન પણ આવી પહોંચી હતી, પરંતુ દુલ્હન પરિતાબેને મતદાનને પોતાની નૈતિક ફરજ સમજીને લગ્ન બાદ માંડવે થી સીધા જ મતદાન મથકે મતદાન કરવા પહોંચ્યા હતાં. જ્યારે દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના મોટી બાંડીબાર તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં લગ્નના ફેરા ફરે તે પહેલા દુલ્હન સહિત તેના પરિવારજનોએ મતદાન કરીને અન્ય નાગરિકોને ચોક્કસ મતદાન કરવા માટેનો સંદેશો આપ્યો હતો.
જામનગર જિલ્લાની ધ્રોલ, કાલાવડ તથા જામજોધપુર ન.પા.ની સામાન્ય ચૂંટણી માટે તમામ મતદાન મથકો ખાતે સજ્જડ પોલીસ બંદોબસ્ત સાથે વહેલી સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ થયો છે. દરેક સ્થળે યુવાઓ, મહિલાઓ તથા વડીલોમાં મતદાન માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
પ્રાંતિજ નગરપાલિકા વિસ્તારમાં મતદારોમાં મતદાન માટેનો ઉત્સાહ. મતદાન માટે લાંબી કતારો લાગી. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના મહિલા ઉમેદવાર મંજુલા પરસાણાએ કેટલીક મહિલાઓ ઉગ્ર બોલાચાલી કરી. ભાજપ દ્વારા રાજકોટથી નાણા આપી ઉમેદવારો પાસે મતદાન કરાવ્યું હોવાનું સામે આવ્યું.
ભાવનગરના તળાજા મતદાન મથક પર હોબાળો, વોર્ડ નંબર 4માં હોબાળો સર્જાયો, એક રાજકીય પક્ષ તરફથી મતદાન કરાયુ હોવાના પ્રિસાઇડિંગ ઓફિસર પર આક્ષેપો કરાયા.
બસપાના મહિલા સમર્થક અને ભાજપના નેતા વચ્ચે બોલાચાલી થઈ હોવાનો વિડિઓ સામે આવ્યો. ઉલ્લેખનીય છેકે, બસપાના મહિલા સમર્થક ડિમ્પલબેન અને ભાજપના નેતા ભૂપેન્દ્રભાઈ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ અંગે બસપાના મહિલા સમર્થકે અભદ્ર ભાષામાં બોલાચાલી કરી હોવાની ભાજપના નેતાએ ટકોર કરી છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ખેડા જિલ્લામાંની મહેમદાવાદ નગરપાલિકામાં વિવાદ સર્જાયો છે, મહેમદાવાદ મતદાન મથક પર પ્રિસાઈડિંગ ઓફિસર દારુ પીધેલી હાલતમાં ઝડપાતા વિવાદ સર્જાયો છે. ઉલ્લેખનીય છે કે, વીરેન્દ્રસિંહ સુખાભાઈ બારીયા નામનો પ્રિસાઇડીંગ ઓફિસર પીધેલી હાલતમા ઝડપાયા બાદ જિલ્લા કલેક્ટરે કહ્યું કે, ઓફિસર પીઘેલો હશે તો ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે.
નવસારીના બીલીમોરા ખાતે વોર્ડ નંબર 2ના બુથ નંબર 5નું EVM ખોટકાતા ઉમેદવારોએ હોબાળો મચાવ્યો હતો. સમગ્ર ઘટની જાણ થતા ચૂંટણી અધિકારી અને પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. મળતી માહિતી મુજબ અંદાજે 1 કલાકથી વધુ સમય બાદ નવુ EVM મશીન મુકવામાં આવ્યું હતું અને મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.
મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે જિલ્લા કલેકટર નેહા કુમારીએ મતદાન કર્યું હતું અને લોકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી. કલેકટર નેહા કુમારીએ સૌને મતદાન માટે અપીલ કરતા જણાવ્યું હતું કે, મે આજે મતદાન કરી લોકશાહીમાં ભાગીદારી નોંધાવી છે. મહીસાગર જિલ્લાના સૌ નાગરિકો પણ આવો અને વોટીંગ કરી લોકશાહીમાં ભાગીદાર બની આપના અધિકારનો ઉપયોગ કરો. તેમણે આ પર્વમાં ભાગ લઈ વધુમાં વધુ મતદાન કરવા માટે જાહેર અપીલ કરી હતી
જિલ્લાના સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર પદ્મશ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડે થાનગઢ નગરપાલિકાની ચૂંટણીમાં મ્યુનિસિપલ હાઈસ્કૂલ ખાતેના મતદાન બૂથ ખાતે વહેલી સવારે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. દરેક મતદાર પોતાનો પવિત્ર અને કિંમતી મત આપી દેશ પ્રત્યેની નૈતિક ફરજ અદા કરે તે માટે મતદારોને મતદાન માટે અપીલ કરતા કહ્યું હતું કે, લોકતંત્રને ધબકતું રાખવા ભારતના શ્રેષ્ઠ નાગરિક તરીકે દરેકે મતદાનની પવિત્ર ફરજ બજાવી સહભાગી થવું જોઈએ. થોડી મીનીટો દેશ માટે કાઢી અવશ્ય મતદાન કરવું જોઈએ તેમ તેમણે જણાવ્યું હતું.
અમદાવાદના ડેપ્યુટી મેયર જતીન પટેલે મતદાન કર્યું છે અને નાગરિકોને મતદાન કરવા અપીલ કરી છે. અમદાવાદ મનપાના ઘાટલોડિયા વોર્ડમાં સવારે 9 વાગ્યા સુધીમાં 2426 મત પડ્યા છે. હાલ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઇ રહ્યું છે.
ઉત્તર ગુજરાતની 9 નગરપાલિકામાં મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ છે. જેમાં પ્રાંતિજ, તલોદ, ખેડબ્રહ્મા, હારીજ, ચાણસ્મા, રાધનપુર, ખેરાલુ, વડનગર, માણસામાં મતદાન ચાલી રહ્યું છે. આ નવ નગરપાલિકામાં સરેરાશ 8.4 ટકા મતદાન થયું છે. જેમાં સૌથી વધુ 11.52 ટકા મતદાન માણસામાં અને સૌથી ઓછું 5.96 ટકા મતદાન રાધનપુરમાં થયું છે.
આજે સવારે 9 વાગ્યા સુધીમાં સાબરકાંઠાની ત્રણ નગરપાલિકામાં 8.44 ટકા મતદાન થયું છે. જ્યારે રાજ્યની તમામ નગરપાલિકાઓમાં થયેલા આજના અત્યારસુધીના સરેરાશ મતદાનની વાત કરીએ તો સવારે 9 વાગ્યા સુધીમાં 4.78 ટકા મતદાન થયું છે. ધીમે-ધીમે મતદાતાઓની કતારો જોવા મળી રહી છે.
આજે વહેલી સવારથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાતાઓમાં જોશ જોવા મળી રહ્યો છે.બીલીમોરામાં નગરપાલિકાની ચૂંટણી દરમિયાન એક કન્યા પીઠી ચોળીને મતદાન કરવા માટે પહોંચી હતી. જ્યારે પાટણના રાધનપુરમાં વરરાજા મતદાન કરવા માટે પહોંચ્યા હતા.
આજે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે વલસાડ નગરપાલિકાના વોર્ડ નંબર બેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં એક મતદાતા ભાજપના નિશાન પર બટન દબાવતો જોવા મળ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની પાલિકા અને પંચાયતની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયુ છે. મતદાતાઓ શાંતિપુર્ણ માહોલમાં મતદાન કરી રહ્યા છે.
રાજ્યની 66 નગરપાલિકાઓના 461 વોર્ડની 1844 બેઠકો માટે સામાન્ય ચૂંટણી, 2 નગરપાલિકા બોટાદ અને વાંકાનેરના 18 વોર્ડની ૭૨ બેઠકો માટેની મધ્ય સત્ર ચૂંટણી યોજાશે. આ સિવાય કઠલાલ, કપડવંજ અને ગાંધીનગરની તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતદાન થશે. મહાનગરપાલિકાની 3 બેઠકો નગરપાલિકાની 21 બેઠકો, જિલ્લા પંચાયતની 9 બેઠક અને તાલુકા પંચાયતની 91બેઠકની પેટાચૂંટણી માટે મતદાન થશે.
જૂનાગઢ મહાનગરપાલિકાના 15 વોર્ડની 60 બેઠકો માટેની સામાન્ય ચૂંટણી માટે મતદાન થશે. જૂનાગઢ મહાનગરપાલિકાના 15 વોર્ડની 60 બેઠકોમાંથી 8 બેઠકો બિનહરીફ વિજેતા જાહેર થઈ ચુકી છે.
રાજ્યમાં નગરપાલિકાઓની ચૂંટણી માટે તા.16મી ફેબ્રુઆરીએ મતદાન થનાર છે, ત્યારે રાજકોટ જિલ્લામાં ભાયાવદર, જસદણ, જેતપુર-નવાગઢ, ધોરાજી તથા ઉપલેટા એમ પાંચ નગરપાલિકા તથા ચાર તાલુકા પંચાયતની છ બેઠકોની પેટા ચૂંટણી માટે મતદાન થશે. આ ચૂંટણીમાં સવારે સાતથી લઈને સાંજે છ વાગ્યા સુધી મતદાન થઈ શકશે.
પંચમહાલ જિલ્લામાં રાજ્ય ચુંટણી આયોગ ધ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/મધ્યસત્ર/પેટા ચુંટણીઓ અન્વયે જાહેર કરવામાં આવેલ કાર્યક્રમ મુજબ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચુંટણીનું મતદાન તા.16 ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે અને તા.18 ફેબ્રુઆરીના રોજ મતગણતરી થનાર છે.
મતદાનના દિવસે જે મતદારો ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલ મતદાર ફોટો ઓળખ કાર્ડ - EPIC રજૂ ન કરી શકે તો પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે મતદાર ફોટો ઓળખકાર્ડ (EPIC) ની અવેજીમાં અન્ય 14 દસ્તાવેજો ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્ય કરવામાં આવ્યા છે, મતદાન માટે ચૂંટણી પંચ દ્વારા માન્ય કરવામાં આવેલ આ 14 પૈકી કોઈ એક દસ્તાવેજ રજૂ કરી મતદાર મતદાન કરી શકશે.