Gujarat Local Body Election Result 2026: ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026 ના પરિણામોએ રાજ્યના રાજકીય સમીકરણોમાં મોટો ઉલટફેર દર્શાવ્યો છે. એકતરફ ભાજપે રાજ્યની તમામ 15 મહાનગરપાલિકાઓમાં ઐતિહાસિક વિજય મેળવીને શહેરી વિસ્તારોમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો છે, તો બીજી તરફ ગ્રામીણ વિસ્તારોમાં પક્ષને મોટું નુકસાન વેઠવું પડ્યું છે. ભાજપે 1 જિલ્લા પંચાયત અને 12 જેટલી તાલુકા પંચાયતો ગુમાવવાનો વારો આવ્યો છે, જે આગામી 2027 ની વિધાનસભા ચૂંટણી પહેલા પક્ષ માટે ચિંતાનો વિષય બન્યો છે.
તમામ 15 મનપા પર ભાજપનો કબજો
નવનિર્મિત મહાનગરપાલિકાઓ સહિત ભાજપે તમામ 15 મનપામાં ભગવો લહેરાવ્યો છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મોટા શહેરોમાં એન્ટી-ઈન્કમ્બન્સી હોવા છતાં જનતાએ ભાજપ પર ભરોસો મૂક્યો છે.
ભાજપે જીતેલી 15 મહાનગરપાલિકાઓ
અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ, ગાંધીનગર.
નવી જાહેર થયેલી મનપા: નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા, સુરેન્દ્રનગર-વઢવાણ.
ગ્રામીણ વિસ્તારોમાં હારના 5 મુખ્ય કારણો
1. ખેડૂતોની નારાજગી અને પાયાના પ્રશ્નો
ગ્રામીણ મતદારોમાં પાયાની સુવિધાઓને લઈને ભારે અસંતોષ જોવા મળ્યો હતો. ખેતપેદાશોના પોષણક્ષમ ભાવ ન મળવા, પાક નુકસાનીનું યોગ્ય વળતર, સિંચાઈના પાણીની અછત અને મોંઘવારી જેવા મુદ્દાઓ ભાજપને નડ્યા છે. આ ઉપરાંત 'મનરેગા' અને 'નલ સે જલ' જેવી યોજનાઓમાં થયેલા કથિત ભ્રષ્ટાચારને કારણે પણ મતદારો નારાજ થયા હતા.
2. આદિવાસી ફેક્ટર અને ચૈતર વસાવાનો પ્રભાવ
ખાસ કરીને આદિવાસી પટ્ટામાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. જમીન અને પાણીના પ્રશ્નોને લઈને આદિવાસી સમુદાયમાં રહેલી નારાજગીનો સીધો ફાયદો આમ આદમી પાર્ટી (AAP) ને મળ્યો છે. ચૈતર વસાવાના પ્રભાવ હેઠળ અનેક આદિવાસી મતદારોએ ભાજપ વિરુદ્ધ મતદાન કર્યું છે.
AAP દ્વારા જીતવામાં આવેલી 12 મુખ્ય તાલુકા પંચાયતો: ડેડીયાપાડા, ચીકદા, ગુડેશ્વર, વાલીયા, બગસરા, લાલપુર, જુનાગઢ, પોશીના, વિસાવદર, સાગબારા, છોટાઉદેપુર, કવાંટ.
3. 'નો-રિપીટ' થીયરી અને આંતરિક જૂથબંધી
ભાજપે આ ચૂંટણીમાં 60 વર્ષથી વધુ ઉંમરના અને 3 ટર્મ પૂરી કરનારા નેતાઓને ટિકિટ ન આપવાની 'નો-રિપીટ' થીયરી અપનાવી હતી. આના કારણે અંદાજે 70% જૂના કોર્પોરેટરો અને સદસ્યોની ટિકિટ કપાઈ હતી. આ કડક નિયમોને કારણે પક્ષમાં આંતરિક વિખવાદ વધ્યો હતો. અનેક વિસ્તારોમાં જૂના કાર્યકરો નિષ્ક્રિય રહ્યા હતા અથવા છૂપી રીતે વિરોધ પક્ષોને મદદ કરી હતી, જેની અસર ભાજપના વોટ શેર પર પડી છે.
4. OBC અનામતના નવા નિયમો અને સીમાંકન
આ ચૂંટણી પ્રથમ વખત OBC અનામતના નવા ધોરણો સાથે યોજાઈ હતી. વોર્ડના નવા સીમાંકન અને અનામત બેઠકોમાં ફેરફાર થવાને કારણે વર્ષોથી પકડ જાળવી રાખનાર નેતાઓએ પોતાની બેઠક ગુમાવવી પડી હતી. નવા અને બિનઅનુભવી ઉમેદવારોને જનતાએ સ્વીકાર્યા ન હોવાથી અનેક બેઠકો પર હારનો સામનો કરવો પડ્યો છે.
5. 'આયાતી' ઉમેદવારો પ્રત્યે જનતાનો રોષ
ભાજપે અન્ય પક્ષોમાંથી આવેલા નેતાઓ અથવા નિવૃત્ત અધિકારીઓને ટિકિટ આપી હતી, જેનો સ્થાનિક સ્તરે ભારે વિરોધ થયો હતો. અરવલ્લીમાં નિવૃત્ત IPS મનોજ નિનામાની હાર એ આનું સ્પષ્ટ ઉદાહરણ છે. જનતાએ 'આયાતી' ઉમેદવારોને નકારીને સ્થાનિક અને ગ્રાઉન્ડ લેવલના નેતાઓને પસંદ કર્યા છે.
