LIVE BLOG

Gujarat News Live: સંભવિત પૂર અને ભારે વરસાદની સ્થિતિને પગલે ભરૂચ જિલ્લામાં કાલે તમામ શાળા કોલેજોમાં રજા જાહેર

ગુજરાતમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકાર દ્વારા લેવામાં આવતા મહત્વના નિર્ણયો અને મહત્વના સમાચારોથી અવગત રહેવા માટે રિફ્રેશ કરતા રહો...

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Fri 05 Sep 2025 06:08 AM (IST)Updated: Fri 05 Sep 2025 03:05 PM (IST)
gujarat-latest-and-breaking-news-live-today-05-september-weather-updates-top-headlines-and-taaja-samachar-in-gujarati-597593

Gujarat News Today Live: ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંભવિત પૂર અને ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આવતીકાલે, જિલ્લાની તમામ શાળા અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. આ નિર્ણય વિદ્યાર્થીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે લેવાયો છે.

5-Sep-2025, 03:05:39 PMભરૂચ જિલ્લામાં કાલે તમામ શાળા કોલેજોમાં રજા જાહેર

ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંભવિત પૂર અને ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આવતીકાલે, જિલ્લાની તમામ શાળા અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. આ નિર્ણય વિદ્યાર્થીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે લેવાયો છે.

5-Sep-2025, 11:45:17 AMઅમરાઇવાડીમાં મકાનની બાલકનીનો ભાગ ધરાશાયી

અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા સંત વિનોબા ભાવે નગરમાં એક મકાનની બાલકનીનો ભાગ ધરાશાયી થયો હતો, જેમાં એક વૃદ્ધ મહિલા સહિત બે યુવકો ફસાયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. આ દુર્ઘટનામાં વૃદ્ધ મહિલાને કમરના ભાગે ઈજા પહોંચતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.

5-Sep-2025, 10:42:51 AMમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 37 જેટલા શિક્ષકો સાથે કરશે મુલાકાત

ગુજરાતના જુદા-જુદા અંતરિયાળ તાલુકાઓની સરકારી શાળાઓમાં શિક્ષણનો ઉજાસ પાથરી રહેલા 37 જેટલા શિક્ષકો આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી સાથે મુલાકાત કરશે. આ અંગે મુખ્યમંત્રીએ ટ્વિટ કરીને જણાવ્યું છેકે, આજનો ‘શિક્ષક દિવસ’ મારા માટે (અને ગુજરાત માટે પણ) ખાસ બની રહેવાનો છે. મારા ગાંધીનગરના નિવાસસ્થાને આમંત્રિત કરીને તેમના અનુભવો જાણવાનો મને અવસર મળશે. જેમાં મેઘરજ અને નસવાડી જેવા આદિવાસી વિસ્તારોના શિક્ષકોથી લઈને છેક કચ્છના અબડાસા, રાપર જેવા તાલુકાઓના શિક્ષકો પણ છે. કોઈએ શાળામાં વિજ્ઞાન પ્રત્યે વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસા ઉભી કરી છે, તો કોઈએ શાળામાં 100 ટકા હાજરી સુનિશ્ચિત કરીને વ્યસનમુક્ત શાળા ઉભી કરી છે.

5-Sep-2025, 07:23:20 AMઆગામી ત્રણ કલાક માટે વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલમાં રેડ એલર્ટ

આજે વહેલી સવારથી મધ્ય ગુજરાતમાં મેઘો ધોધમાર વરસી રહ્યો છે. સવારે છોટાઉદેપુર અને વડોદરા જિલ્લામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આજે સવારે સાત વાગ્યે જારી કરવામાં આવેલા મોનસુન વેધર નોટિફિકેશન અનુસાર આગામી ત્રણ કલાકમાં વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી છે. આ ઉપરાંત મહીસાગર, ખેડા, આણંદ, ભરૂચ, દાહોદ, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મોરબી, રાજકોટ, અમરેલી જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદની આગાહી છે.

5-Sep-2025, 07:10:55 AMસવારે 4થી 6 વાગ્યા સુધીમાં 54 તાલુકામાં વરસાદ

આજે વહેલી સવારથી રાજ્યના વિભાગોમાં મધ્યમથી ભારે વરસાદ વરસ્યો છે. ખાસ કરીને છોટાઉદેપુર, નર્મદા અને વડોદરા જિલ્લામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. સવારે 4થી 6 વાગ્યા સુધીમાં રાજ્યના 54 તાલુકામાં વરસાદ નોંધાયો છે. બોડેલીમાં 2.4 ઇંચ, સંખેડામાં 2.2 ઇંચ, તિલકવાડામાં 1.8 ઇંચ, બોરસદમાં 1.2 ઇંચ, ડભોઇમાં 1.2 ઇંચ વરસાદ નોંધાયો છે.

5-Sep-2025, 06:09:23 AMઆજે ગાંધીનગરના શેરથામાં કોંગ્રેસની વોટર અધિકાર જનસભા

ગાંધીનગર જિલ્લા અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જન અધિકાર અભિયાન અંતર્ગત વોટર અધિકાર જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં અને પૂર્વ કેન્દ્રીયમંત્રી ભરતસિંહ સોલંકી તેમજ જિલ્લા પ્રમુખ અરવિંદસિંહ સોલંકીની આગેવાનીમાં આ સભા આજે 5 સપ્ટેમ્બર, 2025ના રોજ સવારે શેરથા ગામના રામદેવપીર મંદિરે યોજાશે.