ગુજરાત સરકારની મોટી ભેટ, ગાંધી જયંતીથી ખાદી અને પોલિવસ્ત્રની ખરીદી પર મળશે 30 ટકા છૂટ

ગાંધી જયંતી નિમિત્તે ગુજરાત સરકારનો પ્રજાભિમુખ નિર્ણય. તા. 2 ઓક્ટોબરથી 31 ડિસેમ્બર સુધી ખાદી અને પોલિવસ્ત્ર પર મળશે 30 ટકા બજાર પ્રોત્સાહન સહાય.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Thu, 01 Oct 2026 06:04 PM (IST)Updated: Thu, 01 Oct 2026 06:04 PM (IST)
gujarat-khadi-subsidy-30-discount-on-swadeshi-products

Gujarat Khadi Subsidy 2026: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના સ્વદેશી અને ખાદીના વિચારોને જીવંત રાખવા તથા રાજ્યના હજારો ગ્રામીણ કારીગરોને સતત રોજગારી પૂરી પાડવા માટે ગુજરાત સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ અને પ્રજાભિમુખ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ લેવાયેલા આ નિર્ણયથી નાગરિકોને હવે સસ્તી અને આકર્ષક કિંમતે સ્વદેશી વસ્ત્રો મળી રહેશે.

30 ટકા ખાસ બજાર પ્રોત્સાહન સહાયની જાહેરાત

ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ દ્વારા તારીખ 2 ઓક્ટોબરથી 31 ડિસેમ્બર, 2026 સુધી ખાદી અને પોલિવસ્ત્રની માન્ય સંસ્થાઓ તથા મંડળીઓ દ્વારા ઉત્પાદિત વસ્તુઓની કિંમત પર 30 ટકા ખાસ બજાર પ્રોત્સાહન સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. આનો સીધો અને મોટો લાભ ગ્રાહકોને ખાદી વેચાણ કેન્દ્રો પરથી ખરીદી કરવા પર વળતર સ્વરૂપે મળશે.

વડાપ્રધાન મોદીના “વોકલ ફોર લોકલ” અભિયાનને વેગ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિશેષ પહેલ “ખાદી ફોર નેશન અને ખાદી ફોર ફેશન”, “વોકલ ફોર લોકલ” તેમજ “હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી”ની થીમને વધુ મજબૂત કરવા આ પગલું ભરવામાં આવ્યું છે. આગામી ધાર્મિક તહેવારો અને સામાજિક પ્રસંગોમાં આ યોજનાના કારણે નાગરિકો સ્વદેશી ખાદી તરફ વધુ આકર્ષાશે, જેનાથી બજારમાં ખાદીના વેચાણમાં મોટો ઉછાળો આવશે.

16 હજારથી વધુ કારીગરોને મળશે સતત રોજગારી

રાજ્યમાં ખાદીનું વેચાણ વધવાથી KVICનું પ્રમાણપત્ર ધરાવતી અને ખાદી બોર્ડના ઈ-કુટીર પોર્ટલ પર નોંધાયેલ અંદાજિત 220થી વધુ માન્ય ખાદી સંસ્થાઓ/મંડળીઓ સક્રિય થશે. આનાથી ઉત્પાદન સાથે સંકળાયેલ અંદાજે 16 હજારથી વધુ કાંતનાર અને વણનાર કારીગરોને સતત રોજગારી મળતી રહેશે.

આ સહાય યોજના અંતર્ગત આસન, શેતરંજી, રેશમ પટોળા, ઊની સ્વેટર, જર્સી, શાલ અને વિવિધ રેડિમેઇડ ગારમેન્ટ્સનું વેચાણ વધવાથી સ્થાનિક ગ્રામીણ અર્થતંત્રને ભારે મજબૂતી મળશે.

ક્યાં અને ક્યારે યોજાશે ખાદી પ્રદર્શન-સહ-વેચાણ મેળાઓ?

ખાદીના વેચાણને વ્યાપક પ્રોત્સાહન આપવા માટે રાજ્યના વિવિધ શહેરોમાં ખાસ પ્રદર્શન-સહ-વેચાણ મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે.

અમદાવાદ: તારીખ 2 થી 7 ઓક્ટોબર દરમિયાન ગૂજરાત વિદ્યાપીઠ ખાતે.

ભરૂચ: તારીખ 1 થી 10 ઓક્ટોબર દરમિયાન.

વડોદરા: તારીખ 11 થી 17 ઓક્ટોબર દરમિયાન.

ગુજરાત સરકાર દ્વારા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ આ મેળાઓની અચૂક મુલાકાત લે અને સ્વદેશી ખાદી વસ્ત્રોની ખરીદી કરીને સ્થાનિક કારીગરોને ઉત્સાહિત કરે.