Gujarat High Court: પોલીસ દ્વારા તપાસના નામે નાગરિકોને ફોન કરીને, વોટ્સએપ મારફતે કે મૌખિક રીતે પોલીસ સ્ટેશન પર હાજર થવાની ફરજ પાડવા અંગેના કિસ્સાઓમાં ગુજરાત હાઇકોર્ટે લાલ આંખ કરી છે. અમદાવાદના શાહઆલમ વિસ્તારની એક દુકાનના વિવાદ મામલે ઈસનપુર પોલીસની કાર્યવાહી અંગે હાઈકોર્ટ દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. હાઈકોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું કે, કોઈ પણ નાગરિકને પોલીસ મૌખિક કે ફોનના માધ્યમથી સમન્સ પાઠવી શકે નહી. જો તપાસના કામે બોલાવવા હોય તો લેખિત નોટિસ આપવી અનિવાર્ય છે.
હાઈકોર્ટ દ્વારા પોલીસને આદેશ
આ કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ મૂળચંદ ત્યાગીએ અરજદારની અરજી મંજૂર રાખી હતી. કોર્ટે ઇસનપુર પોલીસને સ્પષ્ટ હુકમ કર્યો કે, જો અરજદારને તપાસ માટે બોલાવવાની જરૂર પડે તો માત્ર લેખિત નોટિસ મારફતે જ સમન્સ મોકલવું અને ભવિષ્યમાં તેમને મૌખિક કે ફોન મારફતે સમન્સ પાઠવવું નહીં.
શું હતો સમગ્ર વિવાદ?
અરજદાર પક્ષ તરફથી હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે, અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં શાલીમાર ટોકીઝની પાછળ આવેલા જય ભારત કબાડી માર્કેટ ખાતે અરજદારની ઓટોમોબાઈલ્સની દુકાન આવેલી છે. આ દુકાનને લઈને પ્રતિવાદીઓ સાથે લાંબા સમયથી વિવાદ અને તકરાર ચાલી રહી છે. અરજદારે કોર્ટનું ધ્યાન દોર્યું કે, પ્રતિવાદીઓ તેમની વિરુદ્ધ વારંવાર પોલીસ ફરિયાદ કરી રહ્યા છે અને તેની આડમાં પોલીસ દ્વારા હેરાનગતિ કરવામાં આવી હતી.
ગેરકાયદે સમન્સ બજવણી
તપાસ અધિકારીના અહેવાલ મુજબ બંને પક્ષોએ એકબીજા સામે સંખ્યાબંધ ફરિયાદો નોંધાવી છે. આ અદાવતમાં ઈસનપુર પોલીસ દ્વારા અરજદારને મૌખિક રીતે તેમજ ફોન કરીને સમન્સ બજાવવામાં આવતા હતા અને પોલીસ સ્ટેશન હાજર થવા દબાણ કરાતું હતું. હાઈકોર્ટે પોલીસની આ કાર્યપદ્ધતિને બિલકુલ ગેરકાયદે અને કાયદાકીય જોગવાઈ વિરુદ્ધનું કૃત્ય ગણાવ્યું હતું. કોર્ટના આ ચુકાદાથી હવે પોલીસ દ્વારા ફોન કે વોટ્સએપ પર અપાતા મનસ્વી સમન્સ પર રોક લાગશે અને સામાન્ય નાગરિકોને કાયદાકીય રક્ષણ મળશે.
