Ahmedabad News: અમદાવાદ શહેરમાં સતત વધી રહેલી બહુમાળી ઈમારતોમાં આગ લાગવાની ઘટનાઓને પહોંચી વળવા માટે અમદાવાદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસિસ હવે હાઈટેક બની રહી છે. ફાયર વિભાગ દ્વારા આધુનિક ટેક્નોલોજીથી સજ્જ ઓપરેશન ગરુડ ડ્રોન લાવવામાં આવ્યા છે. આ ખાસ ડ્રોનની મદદથી હવે 25મા માળ સુધીની ઊંચાઈએ લાગેલી આગને કાબૂમાં લેવી અને ધુમાડા વચ્ચે ફસાયેલા લોકોને શોધવા વધુ સરળ બનશે. આગામી એક મહિનામાં આવા બે અત્યાધુનિક ડ્રોન ફાયર વિભાગના કાફલામાં સામેલ થઈ જશે.
ફાયર ઓફિસરો અને જવાનોની ખાસ ટ્રેનિંગ
આ નવી ટેક્નોલોજીના સચોટ ઉપયોગ માટે હાલ ફાયર વિભાગના અધિકારીઓ અને ફાયરમેનોને ખાસ તાલીમ આપવાનું શરુ કરી દેવાયું છે. ડિવિઝન ફાયર ઓફિસર સ્વસ્તિક જાડેજાના જણાવ્યા પ્રમાણે, શહેરની બહુમાળી ઈમારતોમાં બહારની તરફ લાગેલી આગને બુઝાવવા માટે આ ગરુડ ડ્રોન ટેક્નોલોજી ખૂબ જ અસરકારક અને ફાયદાકારક સાબિત થશે.
ધુમાડાની આરપાસ જોઈ શકશે થર્મલ કેમેરો
ગરુડ ડ્રોનમાં અત્યંત શક્તિશાળી થર્મલ કેમેરા લગાડવામાં આવ્યા છે. જે ગાઢ ધુમાડાની આરપાર જોવાની ક્ષમતા ધરાવે છે. આગ લાગે ત્યારે આ ડ્રોન બિલ્ડીંગની આસપાસ ઉડાન ભરીને આગના મુખ્ય હોટસ્પોટ, ધુમાડાની દિશા તેમજ બાલ્કની કે ટેરેસ પર ફસાયેલા લોકોનું ચોક્કસ લોકેશન ટ્રેસ કરશે.
ગરુડ ડ્રોનની ખાસિયતો
આ હાઇટેક ડ્રોનની કેટલીક વિશેષતાઓને લીધે કટોકટીની પરિસ્થિતિમાં સરળતાથી રેસ્ક્યૂ ઓપરેશન પાર પાડી દેવાશે. આ ડ્રોનમાં શરીરના ટેમ્પરેચરથી લોકેશન ટ્રેસિંગ, જોખમોનું નજીકથી નિરીક્ષણ, એઆઈ આધારિત વિશ્લેષણ, સ્પષ્ટ નાઈટ વિઝન, ઝેરી ગેસની ઓળખ, અને કંટ્રોલ રુમમાં લાઈવ ફીડ મોકલશે, ઉપરાંત આગની દિશાનું લોકેશન મેપિંગ જેવી વિશેષતાઓ આ ડ્રોનમાં સમાવિષ્ટ છે.
