Ahmedabad News: અમદાવાદ જિલ્લાના વિરમગામના માંડલમાં મોતિયાનું ઓપરેશન કરવામાં આવ્યા બાદ 17 દર્દીઓને અંધાપાની અસર જોવા મળી હતી. માંડલમાં મોતિયાના ઓરપરેશન મામલે ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો પિટીશન દાખલ કરવામાં આવી હતી. હાઈકોર્ટ દ્વારા સમગ્ર મામલે હેલ્થ સેક્રેટરી અને અમદાવાદ ગ્રામ્ય એસપીને નોટિસ પાઠવી છે. પ્રાથમિક તપાસ રિપોર્ટ સોંપવા માટે સરકારને આદેશ કરવામાં આવ્યો છે. આગામી 7 ફેબ્રુઆરીના રોજ આ સુઓમોટો ચીફ જજની કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
ગુજરાત હાઇકોર્ટ મોતિયાના ઓપરેશન સંદર્ભે સુઓમોટો દાખલ કરવામાં આવ્યા બાદ સમાચાર પત્રમાં પ્રકાશિત આર્ટિકલના આધારે જજ એ.એસ. સુપેહિયા અને જજ વિમલ વ્યાસની બેન્ચે સુઓમોટો સંજ્ઞાન લીધું છે કે, ઇન્સ્ટ્રુમેન્ટમાં ખામી હતી? સેવામાં ખામી હતી? દવા હલકી ગુણવત્તાની હતી? કે પછી ખરેખર શું પરિસ્થિતિ થઇ હતી? આ માટે હેલ્થ ડિપાર્ટમેન્ટના એક્ઝિક્યુટિવ અને સંબંધિત વિસ્તારના એસપીને એક નોટિસ પાઠવવામાં આવી છે. શા માટે આ પરિસ્થિતિ સર્જાય સહિતની વિગતો સાથેનો પ્રાથમિક તપાસ રિપોર્ટ માગવામાં આવ્યો છે.
વિરમગામ તાલુકાના માંડલમા આવેલી રામાનંદ ટ્રસ્ટની હોસ્પિટલમાં ગત 10 જાન્યુઆરીના રોજ 29 જેટલા મોતિયાના દર્દીઓની આંખનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન કરવામાં આવ્યા બાદ 17 જેટલા દર્દીઓને આંખમાં અંધાપોની અસર થઇ હોવાની ફરિયાદ ઉઠી હતી. જેમાંથી 5 દર્દીઓને અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં જ્યારે 12 દર્દીઓને રામાનંદ ટ્રસ્ટ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી રહી છે. જે 29 દર્દીઓએ મોતિયાનું ઓપરેશન કરાવ્યું હતું તેમાં 12 દર્દી સુરેન્દ્રનગરના હતા, જ્યારે 9 દર્દી અમદાવાદ અને 8 દર્દી પાટણ જિલ્લાના હતા.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
