Gujarat High Court: ગુજરાતની આશ્રમશાળાના શિક્ષકો અને કર્મચારીઓની બદલી અને સેવા સંબંધિત વિવાદો પર સુનાવણી વખતે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર સામે કડક વલણ અપનાવ્યું છે. હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં ટકોર કરતાં જણાવ્યું કે, આજે દરેક વ્યક્તિને અમદાવાદ જેવા શહેરોમાં જ રહેવું છે અને કોઈને પણ ગામડામાં જઈને ફરજ બજાવવી નથી.
ગુજરાત હાઈકોર્ટે કરી ટકોર
ગુજરાત હાઈકોર્ટે સરકારને સરકારી ઠરાવો આધારિત વહીવટ બંધ કરી આશ્રમશાળાના શિક્ષકો અને બિન શિક્ષક સ્ટાફ માટે ચોક્કસ સ્ટેચ્યુટરી રુલ્સ બનાવવાની સૂચના આપી છે. વર્ષોથી ચાલતી અરજીઓ અને કાનૂની ગૂંચવણોનો કાયમી ઉકેલ લાવવા માટે કોર્ટે આગામી મુદ્દત સુધીમાં સ્પષ્ટ નિયમો ઘડીને સોગંધનામું રજૂ કરવાનો આદેશ કર્યો છે.
વિવાદનું મુખ્ય કારણ છે?
આશ્રમશાળાના કર્મચારીઓના સેવા વિવાદો અને કાનૂની મુકદ્દમા પાછળના ઘણા કારણો છે. આશ્રમશાળાના કર્મચારીઓના સેવા વિવાદનું મૂળ 23 ઓગસ્ટ 1973નો જીઆર છે. તે પછી વ વિભાકીય સૂચના અને વિવિધ ઠરાવોના આધારે લિયન, પેન્શન અને ઉચ્ચ પગારધોરણ અંગે વિવાદ થયા હતા.
સરકારી ઠરાવો નહીં, ચોક્કસ કાયદો જરૂરી
હાઈકોર્ટે ટકોર કરી હતી કે માત્ર કામચલાઉ સરકારી ઠરાવોથી વહીવટ ચલાવવાથી કોર્ટમાં કેસોનું ભારણ વધે છે. જો યોગ્ય અને ચોક્કસ સ્ટેચ્યુટરી નિયમો બનાવવામાં આવે તો કર્મચારીઓના પ્રશ્નોનો કાયમી ઉકેલ આવી શકે અને અદાલત સુધી આવતા વિવાદો અટકી શકે.
