'ગુજરાતમાં હેલ્મેટ નિયમનો તાત્કાલિક કડક અમલ કરો'- ગુજરાત હાઈકોર્ટ; પાછળ બેસનારે પણ હેલ્મેટ પહેરવું પડશે

ચાલક અને પીલીયન રાઈડર બંને માટે હેલ્મેટનો કાયદો ફરજિયાત કરવા ગુજરાત હાઈકોર્ટે તાકીદ કરી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 10 Oct 2026 10:33 AM (IST)Updated: Sat, 10 Oct 2026 10:33 AM (IST)
gujarat-high-court-on-strict-helmet-rule-for-rider-and-pillion-pil-traffic-safety
ગુજરાત હાઈકોર્ટ

Legal News: ટ્રાફિક મુદ્દે જાહેરહિતની અરજી (PIL) પર સુનાવણી કરતા ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર સામે અત્યંત સખત વલણ અપનાવ્યું છે. ગુજરાત હાઈકોર્ટે ટુ-વ્હીલર ચલાવનાર તેમજ પાછળ બેસનાર (પિલિયન રાઈડર) બંને માટે હેલ્મેટનો નિયમ તાત્કાલિક અને કડક રીતે અમલી બનાવવાની તાકીદ કરી છે.

સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર અને પોલીસને સવાલ કર્યો હતો કે જો દેશના અન્ય તમામ રાજ્યોમાં ટુ-વ્હીલર ચલાવનાર અને પાછળ બેસનાર બંને માટે હેલ્મેટ ફરજિયાત હોય, તો ગુજરાત આ નિયમમાંથી બાકાત કેમ છે? અન્ય રાજ્યોમાંથી આવતા લોકો પણ ગુજરાતના રસ્તાઓ પર વિના હેલ્મેટે ફરતા વાહનચાલકોને જોઈને આશ્ચર્ય પામે છે.

ગુજરાત હાઈકોર્ટે મૌખિક ટિપ્પણી કરતા સ્પષ્ટ કર્યું કે, ગુજરાતમાં કાયદો અસ્તિત્વમાં હોવા છતાં તેનો કડક અમલ કરાવવામાં પોલીસ વામણી પુરવાર થઈ રહી છે અથવા તો આ નિયમ માત્ર ચોક્કસ ડ્રાઇવ કે ઝુંબેશ પૂરતો જ કાગળ પર રહી જાય છે. હાઈકોર્ટે ટકોર કરી હતી કે હેલ્મેટ એ માત્ર દંડથી બચવા માટે નથી, પરંતુ વાહનચાલકની જિંદગીની સુરક્ષા માટે છે. તેમ છતાં, સતત ચેકિંગ અને કાર્યવાહીના અભાવે લોકો વિના હેલ્મેટે વાહનો લઈને રસ્તા પર નીકળે છે.

આ બાબતને ગંભીરતાથી લઈને હાઈકોર્ટે કોઈપણ અપવાદ વગર ચાલક અને પિલિયન રાઈડર બંને માટે હેલ્મેટનો નિયમ તાત્કાલિક કડક રીતે અમલી બનાવવા તાકીદ કરી છે. શહેરી વિસ્તારોના મુખ્ય રસ્તાઓ પર દિવસ દરમિયાન બેફામ દોડતાં ડમ્પરો અને સિમેન્ટ મિક્સર ટ્રકો સામે પણ હાઈકોર્ટે લાલ આંખ કરી છે અને તેના પર રોક લગાવવા નિર્દેશ આપ્યો છે.

અવારનવાર થતા જીવલેણ અકસ્માતો અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતા કોર્ટે કહ્યું હતું કે આવા ભારે વાહનોની નંબર પ્લેટ જાણીબુઝીને માટીવાળી કે ઢાંકેલી રાખવામાં આવે છે, જેથી અકસ્માત સર્જીને ભાગી છૂટે ત્યારે તેમના નંબર પણ ઉકેલી શકાતા નથી. વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ કરવાની વધતી જતી ટેવ સામે હાઈકોર્ટે ભારે નારાજગી દર્શાવી હતી.

ગુજરાત હાઈકોર્ટે ટકોર કરી હતી કે રસ્તા પર દર બીજો વાહનચાલક ફોન પર વાત કરતો નજરે પડે છે. હવે તો પરિસ્થિતિ વધુ ખરાબ થઈ છે; લોકો ડ્રાઇવિંગ કરતી વખતે વીડિયો કોલ કરે છે અને કારના ડેશબોર્ડ પર ફોન મૂકીને મૂવી પણ જુએ છે. આ પ્રકારનું ગંભીર જોખમ ઊભું કરીને લોકો પોતાના સિવાય અસંખ્ય નિર્દોષ વાહનચાલકોના જીવને પણ ભયમાં મૂકે છે.

ટ્રાફિક વ્યવસ્થા વધારવા અને સુધારવા સરકારે કોર્ટ સમક્ષ હાથ ધરેલા પગલાંની વિગતો રજૂ કરી હતી. સરકારે જણાવ્યું કે, 650 નવા TRB (ટ્રાફિક બ્રિગેડ) જવાનોને મુકાયા છે અને રાજ્યભરમાં વધુ 3,261 જવાનોની ભરતી કરવામાં આવશે. અમદાવાદને પાઈલટ પ્રોજેક્ટ બનાવીને SVNIT સુરત સાથે મળીને ટ્રાફિક હોટસ્પોટ્સ અંગે સરવે કરવામાં આવી રહ્યો છે.

અકસ્માતમાં મોત અંગેના ચોંકાવનારા આંકડા

હેલ્મેટ ન પહેરવાના કારણે થતા અકસ્માતો અને મૃત્યુ અંગેના આંકડા અત્યંત ચિંતાજનક છે:

  • શહેરમાં છેલ્લા છ મહિનામાં થયેલા 92 ટુ-વ્હીલર અકસ્માતોમાં 94 લોકોએ જીવ ગુમાવ્યા છે.
  • આ અકસ્માતમાં જીવ ગુમાવનાર 94 લોકોમાંથી 88 લોકોએ હેલ્મેટ પહેર્યું નહોતું.
  • ટુ-વ્હીલર અકસ્માતોમાં 94% લોકોનાં મોત માથામાં ગંભીર ઈજા થવાને કારણે થયા હતા.
  • અકસ્માતમાં મૃત્યુ પામેલા ટુ-વ્હીલર ચાલકો પૈકી 93.6% લોકો હેલ્મેટ પહેર્યા વિનાના હતા.