Gujarat High Court: પતિ-પત્નીના વિવાદ અને કાનૂની લડાઈ વચ્ચે નિર્દોષ બાળકની માનસિક સ્થિતિને લઈને ગુજરાત હાઈકોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ અને સંવેદનશીલ ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, દંપતીના ઝઘડામાં બાળકનો ઉપયોગ મહોરા કે પ્યાદા તરીકે કરી શકાય નહી. પત્નીના અનૈતિક સંબંધોને સાબિત કરવા એક પતિએ પોતાના 16 વર્ષીય સગીર પુત્રને સાક્ષી તરીકે તપાસની અરજી કરી હતી જેને જસ્ટિસ મૌના કે ભટ્ટે ભગાવી હતી.
શું હતો સમગ્ર મામલો
કેસની વિગતે વાત કરીએ તો, હાઈકોર્ટમાં આવેલા કેસમાં અરજદાર પતિએ પોતાની પત્નીના અનૈતિક સંબંધોનો ગંભીર આક્ષેપ કર્યો હતો. પોતાનો આક્ષેપ સાબિત કરવા માટે અરજદાર પતિએ પોતાના 16 વર્ષીય સગીર પુત્રને કોર્ટમાં પ્રત્યદર્શી સાક્ષી તરીકે બોલાવીને જુબાની આપવાની માગ કરતી અરજી દાખલ કરી હતી. પિતાએ કોર્ટમાં દાવો કર્યો હતો કે, તેની પત્નીના અનૈતિક સંબંધોનો પુત્ર પ્રત્યદર્શી છે.
હાઈકોર્ટે પતિની અરજી ફગાવી
ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ મૌના કે. ભટ્ટે પિતાની માગણી નકારી કાઢીને સ્પષ્ટતા કરી કે, 16 વર્ષના સગીર પુત્રને માતા-પિતાની કાનૂની લડાઈમાં સાક્ષી બનાવવામાં આવે તો તેના કોમળ મન અને માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર વિપરિત અસર પડે છે વૈવાહિક સંબંધોમાં બાળકના હિતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી જરૂરી છે તેમજ પત્ની પરના આક્ષેપો સાબિતસ કરવા માટે અન્ય પુરાવાઓ રજૂ કરવાનો માર્ગ છે. તેના માટે બાળકને વચ્ચે ન લવાય. બાળકના મનમાં તેની માતાની પ્રતિષ્ઠા અને મર્યાદા જળવાઈ રહે તે અત્યંત જરૂરી છે.
