શ્વાન પાળતા લોકો સાવધાન: વૃદ્ધાના પેટમાંથી નીકળી 500થી વધુ ગાંઠો, ઓપરેશન વખતે જ ગાંઠ ફાટી જતાં થયું મોત, જાણો  

અમદાવાદની LG હોસ્પિટલમાં ચોંકાવનારો કેસ: કૂતરાના મળથી થતા ફિતાકૃમિના ચેપથી 60 વર્ષીય વૃદ્ધાના પેટમાં 500થી વધુ 'ડોટર સિસ્ટ' થઈ, સર્જરી વખતે ગાંઠ ફાટતાં મોત.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 10 Oct 2026 09:16 AM (IST)Updated: Sat, 10 Oct 2026 09:16 AM (IST)
ahmedabad-lg-hospital-hydatid-disease-500-cysts-woman-death-tapeworm-infection

 Ahmedabad News: અમદાવાદની જાણીતી પ્રસિદ્ધ એલ.જી હોસ્પિટલમાં ઘરમાં પાલતુ પ્રાણીઓ રાખતા લોકો માટે એક અત્યંત ચેતવણીરુપ અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. છેલ્લા 15 વર્ષથી પેટના દુ:ખાવાને માત્ર પેઇનકિલર લઈન દબાવવાની મોટી ભૂલ એક 60 વર્ષીય વૃદ્ધા માટે જીવલેણ સાબિત થઈ છે. તબીબોની તપાસ પ્રમાણે, મહિલાના પેટમાં કૂતરાના મળ દ્વારા ફિતાકૃમિના ચેપથી બનેલી 500થી પણ વધારે દડા જેવી ગાંઠો મળી આવી હતી. સર્જરી દરમિયાન એક ગાંઠ ફાટી જતાં મહિલાને કાર્ડિયાક એરેસ્ટ આવ્યો હતો અને તેમનું કમનસીબે મોત થયું હતું.

શ્વાનના મળથી ફેલાયો ફિતાકૃમિનો ચેપ

એલ.જી હોસ્પિટલના સર્જરી વિભાગના ડો. તપન શાહના જણાવ્યા પ્રમાણે, 60 વર્ષીય મહિલા છેલ્લા 15 વર્ષથી પેટની ગંભીર પીડાથી પીડાતા હતા. પરંતુ તેમણે ડોક્ટરને બતાવવાને બદલે માત્ર પેઇનકિલર્સ દ્વારા દુખાવામાંથી રાહત મેળવવાનો પ્રયત્ન કર્યો. તેમજ દુ:ખાવાને અવગણ્યો હતો

જ્યારે મહિલાને અતિશય દુખાવો વધી જતાં તેમને તાત્કા્લિક હોસ્પિટલે લઈ જવાયા હતા. ડોક્ટરે જ્યારે તપાસ કરી તો તેઓ પણ ચોંકી ગયા હતા. તપાસમાં તેમના પેટમાંથી 500થી વધારે નાના મોટા કદની ગાંઠો મળી આવી હતી. મેડિકલની ભાષામાં આને ડોટર સિસ્ટ કહેવમાં આવે છે. તેમજ આ રોગને હાઈડેટિડ ડીસીઝ તરીકે ઓળખવામાં આવે છે. આ રોગ શ્વાન કે અન્ય પ્રાણીઓના મળમાં રહેલા ફિતાકૃમિ (ટેપવોર્મ)ના ચેપથી ફેલાય છે.

સર્જરી દરમિયાન થયું મોત

તબીબોની ટીમ દ્વારા જ્યારે મહિલાની સર્જરી હાથ ધરવામાં આવી, તો સર્જરી દરમિયાન ખબર પડી કે, તેમના પેટમાં એક ગાંઠ ફાટેલી સ્થિતિમાં હતી. ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે,હાઇડેટિડ સિસ્ટ જ્યારે ફાટી જાય છે ત્યારે અંદર રહેલું પ્રવાહી પેટના અન્ય અંગોમાં ફેલાઈ જાય છે. આ પ્રવાહીના લીધે શરીરમાં તીવ્ર એલર્જિક રિએક્શન કરે છે. જેથી એનાફિલેક્ટિક શોક સર્જાય છે. આ જીવલેણ રિએક્શનના કારણે મહિલાને ઓપરેશન ટેબલ પર જ કાર્ડિયાક એરેસ્ટ આવ્યો હતો અને તેમને બચાવી શકાયા નહોતા.

ટેવવોર્મ શું છે?

એપોલો હોસ્પિટલના જાણીતા ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ ડો. શ્રવણ બોહરાના જણાવ્યા અનુસા કૂતરા, શિયાળ અને વરુ જેવા પ્રાણીઓના આંતરડામાં ફિતાકૃમિ (ટેપવર્મ) વસવાટ કરે છે. જ્યારે આ પ્રાણીઓ મળત્યાગ કરે છે, ત્યારે મળ વાટે કૃમિના અસંખ્ય ઈંડા બહાર આવે છે. જો યોગ્ય સ્વચ્છતા ન રાખવામાં આવે કે અસ્વચ્છ હાથ મારફતે આ ઈંડા માનવ શરીરમાં પ્રવેશે, તો લિવર, ફેફસાં અને પેટના ભાગમાં પ્રવાહી ભરેલી 1 થી 10 સેમી કે તેથી મોટી કોથળી જેવી ગાંઠો બનવા લાગે છે. આ રોગના લક્ષણો વર્ષો સુધી દેખાતા નથી, જે તેને અત્યંત જોખમી બનાવે છે.