Gujarat High Court: પતિ અને પત્નીના લગ્નજીવનના વિવાદો અને ઘરેલુ હિંસા કે દહેજ ઉત્પીડનના કાયદાનો દુરુપયોગ અંગે સુપ્રિમ કોર્ટ અને હાઈકોર્ટે ગંભીર ટિપ્પણીઓ કરી છે, આવા જ એક કિસ્સામાં ગુજરાત હાઈકોર્ટે ફેમિલી કોર્ટના આદેશને બહાલ રાખતા પત્નીની ભરણપોષણની રકમ વધારવાની અરજી ફગાવી દીધી છે. તેમજ ફેમિલી કોર્ટે પત્નીને દર મહિને અપાતી માસિક રુ.5 હજાર ભરણપોષણ ચૂકવવાનો આદેશ આપ્યો.
જેની સામે પત્નીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. 30 હજાર માસિક ભરણ પોષણની માગણી કરી હતી. જોકે, જસ્ટિસ એસ.વી પિન્ટોની બેન્ચે પત્ની તરફથી કરાયેલી રિટ અરજીને ફગાવી દેતા સ્પષ્ટતા કરી કે, ફેમિલી કોર્ટનો નિર્ણય યોગ્ય,તર્કસંગત અને કાયદા પ્રમાણે છે.
આ પણ વાંચો
અરજીમાં હાઈકોર્ટે શું નોંધ્યું?
હાઈકોર્ટે કેસમાં સ્પષ્ટતા કરતાં નોંધ્યું કે, અરજદાર પત્ની ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતી કમાણી કરવામાં સક્ષણ છે, તેમજ તે પોતાનું ભરણ પોષણ કરવાની ક્ષમતા ધરાવે છે. તેમજ પતિ પર તેના વૃદ્ધ માતા અને પિતા, દિવ્યાંગ ભાઈ અને બહેનની સાર સંભાળની જવાબદારી છે. તેની સિવાય ઘરના લોનના હપ્તા, પારીવારિક ખર્ચનો મોટો બોજો પણ તેના શિરે છે. હાઈકોર્ટે એ પણ નોંધ્યું કે, માત્ર પતિ સોફ્ટવેર એન્જિનિયર છે અને મહિને 50 હજારની આવક ધાવે છે., તે દલીલના આધારે જ ફેમિલી કોર્ટના હુકમમાં હસ્તક્ષેપ કરી શકાય નહીં.
ફેમિલી કોર્ટે ભરણ પોષણ મંજૂર કર્યું
જૂનાગઢ ફેમિલી કોર્ટે 1 જૂન 2022ના રોજ તમામ પાસાઓ જેવા કે, બંને પક્ષોની આર્થિક અને સામાજિક સ્થિતિ, પત્નીની કમાણી કરવાની ક્ષમતા, તેમજ પતિ પર રહેલી જવાબદારીઓને ધ્યાનમાં રાખીને મહિને પાંચ હજારનું ભરણપોષણ મંજૂર કર્યું સી.આર.પી.સીની કલમ 125 હેઠળ ભરણપોષણનો હેતુ સામાજિક ન્યાય આપવાનો છે. આ જોગવાઈ પત્ની, બાળકો કે નિરાધાર માતા-પિતાને ગરીબી અને લાચારીથી બચાવવા માટેની ઝડપી રાહત છે, પરંતુ તેનો દુરુપયોગ કરી શકાય નહીં.
હાઈકોર્ટે આપ્યો પોતાનો ચુકાદો
હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓનો સંદર્ભ આપતા સ્પષ્ટ કર્યું કે રિવિઝનલ અધિકારક્ષેત્ર અત્યંત મર્યાદિત હોય છે. જ્યારે નીચેની અદાલતનો આદેશ ગેરકાયદેસર કે પુરાવા વિરૂદ્ધનો હોય ત્યારે જ હાઈકોર્ટ તેમાં દખલ કરી શકે. આ કેસમાં ફેમિલી કોર્ટના પુરાવા આધારિત અને યોગ્ય હોવાથી પત્નીની રુ.30 હજારની ભરણપોષણની માંગણી રદ કરવામાં આવી હતી.
