Junagadh building tragedy scandal: જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશને પોતાની બેદરકારી છુપાવવા માટે ગુનાની જવાબદારી આ મકાન માલિક પર ઢોળી દીધી હતી અને તેમની સામે પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી. પરંતુ મકાનમાલિકમાં એક 1976માં અને બીજા 2012માં મૃત્યું પામેલ છે. પરંતુ મનપાએ આ મકાનમાલિકોને મકાન ઉતારી લેવા જે નોટિસ આપી હતી, તેમાં મૃત્યુ પામેલ મકાનમાલિકની સહી બતાવવામાં આવી હતી.
હાઇકોર્ટે આ સમગ્ર મામલામાં અરજદારને જૂનાગઢ પોલીસ સમક્ષ ફરીથી અરજી કરવા અને ઉપરોક્ત પુરાવાઓ તે અરજીની સાથે રજૂ કરવા હુકમ કર્યો હતો. અરજદારના ઉપરોક્ત પુરાવાઓ ધ્યાને લઇ પ્રાથમિક તપાસને અંતે જૂનાગઢ PIને જો ઉપરોક્ત કેસમાં કોગ્નીઝેબલ ઓફેન્સ બનતો હોય તો કસૂરવારો વિરુદ્ધ ગુનો દાખલ કરવા ફરમાન કર્યું હતું. જો ગુનો ના બનતો હોય તો પણ તેની જાણ અરજદારને કરવાની રહેશે. એ પછી પણ અરજદાર ભારતીય ન્યાય સંહિતાની કલમ 223 હેઠળ અરજી કરી શકશે.
આ પણ વાંચો
આ કેસમાં ભોગ બનનાર પરિવારના સગા તરફથી હાઇકોર્ટ સમક્ષ કરેલી રિટ અરજીમાં એડવોકેટ પ્રશાંત ચાવડાએ કેટલીક બેદરકારી છુપાવવા અને ગુનાની જવાબદારી આ મકાનના મકાનમાલિકો પર ઢોળી તેમની વિરૂધ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી. જસ્ટિસ નિર્ઝર એસ.દેસાઇએ સમગ્ર કેસની ગંભીર નોંધ લીધી હતી.
હકીકત કોર્ટના રેકર્ડ પર રજૂ કરતાં જણાવ્યું હતું કે, ગયા વર્ષે જુલાઈ-2023માં જૂનાગઢમાં ભારે વરસાદ બાદ કડિયાવાડ વિસ્તારમાં બે માળનું મકાન ધરાશાયી થઇ ગયુ હતું. એ વખતે એક પિતા અને તેમના પુત્રો મકાનના કાટમાળ નીચે દબાઇ જતાં મોતને ભેટયા હતા. આ દુર્ઘટનામાં એ વખતે એક રિક્ષાચાલકનું પણ મોત નીપજ્યું હતું. બીજી બાજુ, પતિ અને બે પુત્રોના મોતના આઘાતમા પત્નીએ પણ એસિડ પી જીવન ટૂંકાવ્યું હતું.
જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી બિપીન ગામીત તરફથી દોષનો ટોપલો આ મકાનના મકાનમાલિકો પર નાંખી દેવાયો હતો અને કોર્પોરેશને તેઓને આ ભયજનક મકાન ઉતારી લેવા નોટિસ આપી હોવા છતાં ઉતાર્યું ન હતુ અને તેથી તેઓ આ દુર્ઘટના માટે જવાબદાર છે એમ કહી તુલસીદાસ વીરજીભાઇ પીઠડીયા, નારણભાઇ વીરજીભાઇ પીઠડીયા અને રતિલાલ વીરજીભાઇ પીઠડીયા વિરુદ્ધ FIR દાખલ કરાવી હતી.
અરજદારપક્ષ તરફથી હાઇકોર્ટનું ધ્યાન દોરાયું કે, જે મકાનમાલિકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ છે તેમાં તુલસીભાઈ પીઠડીયા 1976માં અને નારણભાઇ પીઠડીયા 2012માં મૃત્યુ પામ્યા છે. તો મૃત માણસ વિરુદ્ધ કોર્પોરેશન સત્તાવાળાઓ કેવી રીતે ફરિયાદ નોંધાવી શકે? કોર્પોરેશને સમગ્ર મામલામાં ખરાઇ કે તપાસ કરી જ નથી. માત્ર પોતાની બેદરકારી છુપાવવા દોષનો ટોપલો મકાનમાલિકો પર ઢોળી બચવાનો પ્રયાસ કર્યો છે. અરજદારે RTI હેઠળ મેળવેલી માહિતીમાં બીજો ખુલાસો સામે આવ્યો હતો કે, કોર્પોરેશને 2023માં મકાનમાલિકોને ભયજનક મકાન ઉતારી લેવા બાબતે જે નોટિસ આપી હોવાનો દાવો કર્યો છે, તેમાં નીચે તુલસીભાઇ પીઠડીયની સહી બતાવાઇ છે પરંતુ તુલસીભાઇ વર્ષો પહેલાં ગુજરી ગયા છે. તો, આ સહી કરી કોણે?
સમગ્ર પ્રકરણમાં જૂનાગઢ મનપા સત્તાવાળાઓ અને પોલીસ સત્તાધીશોની મિલીભગતના કારણે સાચી હકીકત પર છુપાવવામાં આવી છે. આ સંજોગોમાં હાઇકોર્ટે જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર, જવાબદાર અધિકારી બિપીન ગામીત સહિતના અધિકારીઓ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવા સહિતના હુકમ કરવા જોઇએ. અરજદારપક્ષની દલીલો ધ્યાને લઇ જસ્ટિસ નિર્ઝર દેસાઇએ ઉપરોક્ત મહત્ત્વનો હુકમ કર્યો હતો.
