Gujarat High Court: જાપાનમાં જન્મેલી વિદ્યાર્થીનીનું ડોમિસાઈલ અટકતા હાઈકોર્ટ લાલઘૂમ, MBBS પ્રવેશ ન અટકાવવા આદેશ

વિદેશમાં જન્મેલી વલસાડની 17 વિદ્યાર્થિનીનું ડોમિસાઈલ સર્ટિફેકેટ છેલ્લા 13 મહિનાથી સરકારી પોર્ટલમાં ટેક્નિકલ ખામીના લીધે અટવાયું હોવાથી આ મામલે ગુજરાત હાઈકોર્ટે તંત્રને ફટકાર લગાવી છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 26 Aug 2026 10:11 AM (IST)Updated: Wed, 26 Aug 2026 10:11 AM (IST)
gujarat-high-court-japan-born-student-domicile-certificate-mbbs-admission

Gujarat High Court Domicile Case: વિદેશમાં જન્મેલી વલસાડની 17 વિદ્યાર્થિનીનું ડોમિસાઈલ સર્ટિફેકેટ છેલ્લા 13 મહિનાથી સરકારી પોર્ટલમાં ટેક્નિકલ ખામીના લીધે અટવાયું હોવાથી ગુજરાત હાઈકોર્ટે તંત્રની બેદરકારી સામે ભારે નારાજગી દર્શાવી છે. તેમજ ગુજરાત હાઈકોર્ટ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, સિસ્ટમમાં સર્જાયેલી ખામીની સજા વિદ્યાર્થિને આપી શકાય નહી. તેમજ તાત્કાલિક નિર્ણય લવાનો આદેશ કર્યો છે.

વિદ્યાર્થીનીએ હાઇકોર્ટમાં અરજી કરી

પ્રાપ્ત માહિતી મુજબ, વલસાડ જિલ્લાના વાપીની રહેવાસી 17 વર્ષીય યામિની મહાદેવનનો જન્મ વર્ષ 2008માં જાપાનના કાકાગાવામાં થયો હતો. ત્યારબાદ યામિની વર્ષ 2011થી પોતાના પરિવાર સાથે વાપીમાં સ્થાયી થઈ ગઈ હતી. આ સમયગાળા દરમિયાન યામિનીએ પોતાનું ધો.1થી 12 સુધીનું શિક્ષણ ગુજરાતમાં મેળવ્યું. ડોક્ટર બનવા માંગતી વિદ્યાર્થિનીએ નીટ યુજીમાં 720 માર્ક્સ અને 97.55 પર્સન્ટાઇલ મેળવી હતી. ડોમિસાઈલ સર્ટિફિકેટ મેળવવા માટે વિદ્યાર્થિનીએ વર્ષ 2025માં અરજી કરી હતી. પરંતુ ગુજરાત પોર્ટલ પર ભારત બહારના જન્મસ્થળની વિગતો ઉમેરવાનો વિકલ્પ નહોતો.આથી તેણે ઓફલાઈન અરજી કરી હતી.

13 મહિના સુધી ડોમિસાઈલ ન મળ્યું

ડોમિસાઈલ સર્ટિફિકેટ માટે અરજી કર્યાના 13 મહિના વિતવા છતા વલસાડ કલેક્ટર અને વાપી મામલતદાર કચેરી દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નહોતો. તે દરમિયાન મેડિકલ પ્રવેશ પ્રક્રિયા શરુ થઈ હતી. તે દરમિયાન વિદ્યાર્થિનીને ડોમિસાઈલ સર્ટિફિકેટની જરુરિયાત ઉભી થઈ હતી કેમ કે, તેના વગર સ્ટેટ ક્વોટામાં એમબીબીએસ પ્રવેશ પ્રક્રિયા અટકી જવાની શક્યતા હતી. પોતાનો પ્રવેશ અટકે નહીં માટે વિદ્યાર્થિનીએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી.

ગુજરાત હાઈકોર્ટે આપ્યો આદેશ

વિદ્યાર્થીનીની અરજી પર હાઈકોર્ટે વાપી મામલતદાર અને વલસાડ કલેક્ટરને ડોમિસાઈલ અરજી પર તરત નિર્ણય લેવાની તાકીદ કરી છે. તેમજ ખાલી ડોમિસાઈલ સર્ટિફિકેટના અભાવે વિદ્યાર્થીનીનું ફોર્મ કે ઉમેદવારી રદ ન કરવાનો આદશ આપ્યો છે. તેમજ વિદ્યાર્થીનીને પ્રોવિઝનલ મેરિટમાં સ્થાન આપી પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લેવા દેવાનો નિર્દેશ આપ્યો છે.