Gujarat High Court: માતાને બચાવવા પિતાની હત્યા કરનાર 17 વર્ષના કિશોરને ગુજરાત હાઈકોર્ટે આપ્યા જામીન

હાઈકોર્ટે કિશોરને 10,000 ના વ્યક્તિગત બોન્ડ પર જામીન આપ્યા છે. જોકે, તેના ભવિષ્યને ધ્યાને રાખીને કોર્ટે કેટલીક કડક સૂચનાઓ પણ આપી છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Tue, 28 Apr 2026 08:23 AM (IST)Updated: Tue, 28 Apr 2026 08:23 AM (IST)
gujarat-high-court-grants-bail-to-17-year-old-boy-who-killed-father-to-save-mother

Gujarat High Court News: ગુજરાત હાઈકોર્ટે એક અત્યંત સંવેદનશીલ કેસમાં મહત્વનો ચુકાદો આપતા 17 વર્ષના એક કિશોર (CCL - Child in Conflict with Law) ને નિયમિત જામીન મંજૂર કર્યા છે. આ કિશોર પર પોતાની માતાને ઘરેલુ હિંસાથી બચાવવા માટે પિતાની હત્યા કરવાનો ગંભીર આરોપ હતો. હાઈકોર્ટે પ્રોબેશન ઓફિસરના રિપોર્ટ અને કિશોરની પૃષ્ઠભૂમિને ધ્યાને રાખીને તેને જેલમુક્ત કરવાનો આદેશ આપ્યો છે.

ઘરેલુ હિંસાનો કરૂણ અંજામ આવ્યો

ફરિયાદ પક્ષના જણાવ્યા અનુસાર, આ ઘટનાની જડમાં પિતાનો ઘરેલુ હિંસાનો લાંબો ઇતિહાસ હતો. મૃતક પિતા જુલાઈ 2025 માં એક જૂની ફરિયાદના સંદર્ભમાં નિવેદન નોંધાવવા માટે સુરત આવ્યા હતા. આરોપ છે કે તે સમયે કિશોર અને તેના બે સંબંધીઓએ મળીને પિતાની હત્યાનું કાવતરું રચ્યું હતું. પિતાને એકાંત સ્થળે લઈ જઈ લાકડાના લોગ અને છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલે સુરતના ઓલપાડ પોલીસ મથકે FIR નોંધવામાં આવી હતી.

હાઈકોર્ટમાં દલીલો થઇ હતી

સુરતની સેશન્સ કોર્ટે અગાઉ આ કિશોરને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ કિશોરે તેની માતા મારફતે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. કિશોરના વકીલ રફીક લોખંડવાલાએ કોર્ટમાં દલીલ કરી હતી કે, આ ઘટના પાછળ કોઈ ગુનાહિત ઈરાદો નહીં, પરંતુ માતાનો બચાવ કરવાની મજબૂરી હતી ઘટનાનો કોઈ પ્રત્યક્ષદર્શી સાક્ષી નથી. જામીન અરજી પર CrPC ને બદલે 'કિશોર ન્યાય અધિનિયમ' (Juvenile Justice Act) ની જોગવાઈઓ હેઠળ વિચારણા થવી જોઈએ.

ન્યાયાધીશ ગીતા ગોપીનો માનવીય અભિગમ

ન્યાયાધીશ ગીતા ગોપીએ પ્રોબેશન ઓફિસરના રિપોર્ટને ટાંકીને અવલોકન કર્યું કે, મૃતક પિતા દારૂના વ્યસની હતા અને માનસિક બીમારીથી પણ પીડાતા હતા, જેના કારણે ઘરમાં સતત હિંસાનું વાતાવરણ રહેતું હતું. કોર્ટે નોંધ્યું કે, કિશોરનો અગાઉનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી. ઓબ્ઝર્વેશન હોમમાં પણ તેનું વર્તન અન્ય બાળકો સાથે શાંતિપૂર્ણ રહ્યું છે. રેકોર્ડ પર એ સ્પષ્ટ નથી કે ઝઘડાની શરૂઆત કેવી રીતે થઈ હતી.

ચુકાદો અને શરતો વિશે જાણો

હાઈકોર્ટે કિશોરને 10,000 ના વ્યક્તિગત બોન્ડ પર જામીન આપ્યા છે. જોકે, તેના ભવિષ્યને ધ્યાને રાખીને કોર્ટે કેટલીક કડક સૂચનાઓ પણ આપી છે. પ્રોબેશન ઓફિસરને કિશોરના વર્તન પર સતત નજર રાખવા આદેશ. તેમજ ટ્રાયલ પૂર્ણ થાય ત્યાં સુધી દર ત્રણ મહિને ચિલ્ડ્રન્સ કોર્ટમાં રિપોર્ટ સબમિટ કરવો પડશે. અને જો જરૂરી જણાય તો કિશોરને માનસિક સહાય અને કાઉન્સેલિંગની સુવિધા પૂરી પાડવામાં આવશે.