Gujarat Cyclone Tracker LIVE Updates: પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન આજે સવારે 5.30 વાગ્યાની આસપાસ લો પ્રેશર એરિયામાં પરિવર્તિત થયું હતું. જે આગામી 36 કલાક એટલે કે 24 મે સુધીમાં ડિપ્રેશનમાં ફેરવાઇ તેવી પ્રબળ શક્યતા હાલની સ્થિતિએ હોવાનું હવામાન વિભાગનું કહેવું છે. જેના પગલે માછીમારોને 27 મે સુધી દરિયો ન ખડેવા જણાવવામાં આવ્યું છે. તેમજ જે માછીમારો દરિયામાં છે તેમને 23 મે સુધીમાં પરત ફરવા સૂચના આપવામાં આવી છે.
24 મેથી દરિયો તોફાની બને તેવી શક્યતા
24મેથી દરિયાની સ્થિતિ તોફાની બનવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હાલ પૂર્વ મધ્યમ અરબી સમુદ્રમાં કોંકણ-ગોવા અને ગુજરાતના દરિયાકાંઠે 35થી 45 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઇ શકે છે. જે 55 કિ.મી. પ્રતિકલાકની ઝડપે પહોંચી શકે છે. તેમજ 23 મેના રોજ પવનનની ગતિ 40થી 60 કિ.મી. પ્રતિ કલાકની રહી શકે છે. જ્યારે 24 મેના રોજ પવન 45થી 65 કિ.મી.ની ઝડપે ફૂંકાઈ શકે છે અને પવનની ગતિ 25થી 27 મે દરમિયાન 55થી 65 કિ.મી.ની ઝડપ રહી શકે છે અને 75 કિ.મી. પ્રતિ કલાકની ઝડપ સુધી ફૂંકાઈ શકે છે.
માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના (Arabian Sea, Fishermen warning)
માછીમારોને 22થી 27 મે 2025 સુધી કેરળ, કર્ણાટક, કોંકણ, ગોવા, દક્ષિણ ગુજરાત, દમણ અને દીવ, દાદરા અને નગર હવેલીના દરિયાકાંઠા અને તેની આસપાસના વિસ્તારો દરિયો ન ખેડવાની કડક સૂચના અપાઈ છે. પૂર્વમધ્ય અને તેને અડીને આવેલા ઉત્તરપૂર્વ અરબી સમુદ્રમાં માછીમારીની કામગીરી ન કરવા સૂચના આપવામાં આવી છે. તેમજ જે માછીમારો હાલ દરિયામાં છે તેમને 23 મે સુધીમાં સુરક્ષિત રીતે દરિયાકાંઠે પહોંચવા જણાવાયું છે. તેમજ 25થી 27 મે દરમિયાન નાના જહાજો અને શિપિંગ પ્રવૃત્તિ પર સતત નજર રાખવા જણાવાયું છે. સંભવિત ખતરાને જોતા બિનજરૂરી દરિયાઇ મુસાફરી ટાળવા જણાવાયું છે.
સવારે 8.30 વાગ્યાની સ્થિતિએ લો પ્રેશર એ જ વિસ્તારમાં યથાવત (Arabian Sea, Low pressure area)
પૂર્વમધ્ય અરબી સમુદ્ર પર દક્ષિણ કોંકણ-ગોવા કિનારાથી દૂર અપર એર સાઇક્લોનિક સિસ્ટમ લો પ્રેશર એરિયામાં પરિવર્તિત થઇ છે. જે આજે સવારે 8.30 વાગ્યાની સ્થિતિએ આ લો પ્રેશર એરિયા એ જ સ્થળે યથાવત છે. આ લો પ્રેશર સિસ્ટમ આગામી 36 કલાકમાં ઉત્તર દિશા તરફ આગળ વધી શકે છે અને વધુ તીવ્ર બનીને દબાણવાળો વિસ્તાર એટલે કે ડિપ્રેશનમાં પરિવર્તિત થવાની શક્યતા છે. ત્યારબાદ તે વધુ તીવ્ર બને તેવી શક્યતા પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
લો પ્રેશર વિસ્તારમાં પવનની ગતિ સિસ્ટમ માટે અનુકૂળ
હાલની સ્થિતિએ પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં નિર્માણ પામેલા લો પ્રેશર એરિયામાં 'લો ટુ મોડરેટ વર્ટિકલ વિન્ડ શીયર' એટલે કે ઓછીથી મધ્યમ પવનની ગતિ જોવા મળી રહી છે. જે આ લો પ્રેશર સિસ્ટમની તીવ્રતા માટે અનુકૂળ માનવામાં આવે છે. દક્ષિણ અરબી સમુદ્ર પર પશ્ચિમી પવનની અસામાન્યતા અને પૂર્વમધ્ય અરબી સમુદ્ર પર પૂર્વીય પવનની અસામાન્યતા પ્રવર્તી રહી છે. આ તમામ પરિબળો દરિયામાં સિસ્ટમને વધુ તીવ્ર બનાવા માટે અનુકૂળ વાતવારણ ઉભી કરી રહ્યાં છે. આ સિસ્ટમ લગભગ ઉત્તર દિશા તરફ કિનારાને સમાંતર આગળ વધશે અને 24મી મે સુધીમાં ડિપ્રેશનમાં ફેરવાઈ જશે.

આગામી 36 કલાકમાં વધુ તીવ્ર બનશે(Arabian Sea, Cyclone)
અરબી સમુદ્ર(Arabian Sea)માં સક્રિય થયેલી સાઇક્લોનિક સિસ્ટમ(upper air cyclonic circulation)ને લઇને હવામાન વિભાગે આપેલા અપડેટ અનુસાર, પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં ગઇકાલે 21 મે 2025ના રોજ અપર એર સાઇક્લોનિક સર્કયુલેશન સિસ્ટમ એક્ટિવ થઇ હતી. જે આજે 22 મે 2025ના રોજ સવારે 5.30 વાગ્યાની આસપાસ લો પ્રેશર એરિયા(Low Pressure Area)માં પરિવર્તિત થઇ છે. તેમજ આગામી 36 કલાકમાં વધુ તીવ્ર બનશે અને ડિપ્રેશનમાં પરિવર્તિત થઇ શકે છે. આ સિસ્ટમ ઉત્તર દિશા તરફ આગળ વધી રહી છે.
ગુજરાતના હવામાનમાં ફેરફાર થશે(Gujarat Weather Today)
અરબી સમુદ્રમાં એક્ટિવ થયેલી આ સાઇક્લોનિક સિસ્ટમના પગલે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાતાવરણમાં મોટો પલટો જોવા મળી શકે છે. ભારે પવનો ફૂંકાઇ શકે છે અને ભારે વરસાદની શક્યતા પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તેમજ સંભવિત ખતરાને ધ્યાને રાખીને સાવચેતીના ભાગરૂપે માછીમારોને દરિયો ન ખડેવા સૂચના આપવામાં આવી છે.
જિલ્લા વહીવટી તંત્રોને સતર્ક અને સજાગ રહેવા સૂચના
અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને પગલે ગુજરાતમાં સુરત, તાપી, વલસાડ, ડાંગ, નવસારી, અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં પવન ફૂંકાવાની અને વરસાદની આગાહી હવામાન વિભાગે કરી ને યલો એલર્ટ આપેલું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હવામાન વિભાગે કરેલી આગાહીને ધ્યાને લેતા, રાજ્યના આ જિલ્લાઓમાં જિલ્લા વહીવટી તંત્રોને સતર્ક અને સજાગ રહેવા તેમજ 24x7 કંટ્રોલરૂમ કાર્યરત કરવા સૂચનાઓ આપી છે.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલરૂમ કાર્યરત(State Emergency Operation Center, Gujarat)
તેમણે આ સંભવિત વરસાદ કે ભારે પવન સામે તકેદારી સાથેના સલામતી પગલાઓ માટેના દિશાનિર્દેશો આપ્યા હતા. મુખ્યમંત્રીએ ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં પણ કંટ્રોલરૂમ 24x7 કાર્યરત રહે અને આ જિલ્લાઓ સાથે સતત સંપર્કમાં રહે તેવી સૂચનાઓ આપી હતી.