Gujarat Cyclone highlights: દેવભૂમિ દ્વારકામાં 16 જેટલી 108 એમ્બ્યુલન્સ વાવાઝોડા દરમિયાન તૈનાત રહેશે, 80 કર્મચારીઓનો સ્ટાફ ફરજ પર

Gujarat Cyclone Biporjoy Live Updates: બિપોરજોય વાવાઝોડું 14 અને 15 જૂનના રોજ સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠે કહેર વર્તાવી શકે છે. 15 જૂનના રોજ વાવાઝોડું જખૌ પોર્ટ નજીક લેન્ડ ફોલ કરશે અને તેની અસર 6 કલાક સુધી રહી શકે છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Tue 13 Jun 2023 08:06 PM (IST)Updated: Wed 14 Jun 2023 09:44 AM (IST)
gujarat-cyclone-biporjoy-live-updates-imd-orange-alert-for-coastal-areas-of-gujarat-kutch-saurashtra-mumbai-maharashtra-rajasthan-latest-news-145936

Gujarat Cyclone highlights: ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડું 14 અને 15 જૂનના રોજ સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠે કહેર વર્તાવી શકે છે. 15 જૂનના રોજ વાવાઝોડું જખૌ પોર્ટ નજીક લેન્ડ ફોલ કરશે અને તેની અસર 6 કલાક સુધી રહી શકે છે. આ બિપોરજોય વાવાઝોડું તાઉતે જેટલું જ ખતરનાક હોવાનું માનવામાં આવી રહ્યું છે. જેને લઇને કેન્દ્ર સરકારની નજર પણ સંભવિત પરિસ્થિતિ અને તૈયારી પર છે. આ પૂર્વે કેન્દ્રીય મંત્રી રૂપાલાએ જગત મંદિર ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા અને વાવાઝોડાનું સંકટ ટળે તે માટે ભગવાનને વિશેષ પ્રાર્થના કરી હતી.

  • Gujarat Cyclone Live, Jun 13, 2023 08:05 PM IST: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાવાઝોડાની સ્થિતિનો ક્યાસ મેળવ્યો
    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના કન્ટ્રોલ રૂમમાંથી હોટ લાઈન દ્વારા કચ્છ અને દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર કચેરીના કન્ટ્રોલ રૂમમાં વાત ચીત કરી સ્થાનિક પરિસ્થિતિ ની વિગતો મેળવી હતી. તેમણે આ બે જિલ્લાઓ માં તત્કાલ બચાવ રાહત અને લોકો ના સ્થળાંતર સહિત ની માહિતી ફરજ પરના અધિકારીઓ પાસેથી જાણી હતી. મુખ્યમંત્રી મંગળવારે મોડી સાંજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા અને સંભવિત વાવાઝોડાની સ્થિતિનો ક્યાસ મેળવ્યો હતો.
  • Gujarat Cyclone Live, Jun 13, 2023 07:56 PM IST: દેવભૂમિ દ્વારકામાં 16 જેટલી 108 એમ્બ્યુલન્સ વાવાઝોડા દરમિયાન તૈનાત રહેશે
    દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે પવન અને ભારે વરસાદની સ્થિતિમાં જાનહાની ન થાય એ માટે આરોગ્ય વિભાગ તૈયાર છે. એમ્બ્યુલન્સની સાથે 22 લોકોનો સ્ટાફ પણ ફરજ પર તૈનાત છે. જે 24 કલાક ખડેપગે લોકોની સેવામાં રહેશે. આ એમ્બ્યુલન્સ જિલ્લાના દરિયા કિનારાના વિસ્તારો દ્વારકા, મીઠાપુર, ઓખા ખાતે મૂકવામાં આવશે. જેથી આવનારા ૩-4 દિવસમાં ઉભી થનારી કોઈ પણ મેડિકલ ઈમરજન્સીની સ્થિતિને પહોંચી શકાય. આ એમ્બ્યુલન્સમાં એક્સીડ્રેશન કીટ પણ આવેલી છે. જેમાં ફસાયેલ વ્યક્તિને બહાર કાઢવા માટે જરૂરી સામગ્રી જેવી કે કરવત, બોલ્ટ કટર, રસ્સો એમ રેસ્ક્યું કરવા માટેની તમામ સામગ્રી પણ રાખવામાં આવી છે. જેથી વાહન કે કાટમાળમાં ફસાયેલ વ્યક્તિને સરળતાથી બહાર કાઢી શકાય. અત્યારે જિલ્લામાં કુલ 16 જેટલી 108 એમ્બ્યુલન્સ સાથે 108ના 80 કર્મચારીઓનો સ્ટાફ પણ તૈનાત કરાયો છે.
  • Gujarat Cyclone Live, Jun 13, 2023 07:07 PM IST: ગીર સોમનાથ PGVCL દ્વારા 873 સ્થળે વીજ ફોલ્ટ દૂર કરાયા
    ગીર સોમનાથ જિલ્લામાં બિપરજોય વાવાઝોડા અને તે દરમિયાન વરસાદની આગાહી સંદર્ભ પવન અને વરસાદ પડવાના કારણે જિલ્લામાં અલગ અલગ જગ્યાઓએ તા.12 જુન થી 13 જુનના સવારે 12 વાગ્યા સુધીમાં વિવિધ કારણોસર વીજ વિક્ષેપ થયો હતો. વીજ વિક્ષેપના નિરાકારણ માટે વેરાવળ વિભાગીય દ્વારા વિવિધ વિસ્તારમાં 600થી વધુ જગ્યાઓએ વીજ પુરવઠો કાર્યરત કરાયો હતો. અને ઊના વિભાગીય વિસ્તારમાં 240 થી વધુ વિવિધ જગ્યાઓએ વીજ વિક્ષેપના નિરાકારણ કરીને વીજ પુરવઠો કાર્યરત કરાયો હતો. તેમજ વિજ વિક્ષેપનની ફરિયાદો ઉપર પીજીવીસીએલ તંત્ર સતત કાર્ય કરી રહ્યું છે. જિલ્લાની જાહેર જનતાને વાવાઝોડા અને વરસાદની દરમિયાન વિવિધ વીજ સમસ્યાઓ માટે કોલ સેન્ટરનો સંપર્ક કરવા પણ અનુરોધ કરાયો છે.
  • Gujarat Cyclone Live, Jun 13, 2023 06:50 PM IST: ધારાસભ્યએ સોમનાથમાં વાવાઝોડા સંદર્ભે આગોતરા આયોજન અંગે માહિતી મેળવી
    બિપોરજોય વાવાઝોડાની આગાહીને અનુલક્ષી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના સૂચન અંતર્ગત ગીર સોમનાથ જિલ્લા કલેકટર એચ.કે વઢવાણિયા, ધારાસભ્ય ભગવાન બારડ, પ્રદ્યુમનવાજા, જિલ્લા પંચાયત પ્રમુખ રામીબહેન વાજાએ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરની પ્રત્યક્ષ મુલાકાત લઈ જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા પાસેથી મંદિરની વ્યવસ્થા, યાત્રિકોની સુરક્ષા, સગવડતા તેમજ વાવાઝોડા સંદર્ભે આગોતરા આયોજન અંગે માહિતી મેળવી હતી.
  • Gujarat Cyclone Live, Jun 13, 2023 05:25 PM IST: વિસાવદરમાં 20,000 ફૂટ પેકેટ તૈયાર કરાયા
    આજરોજ બીપોરજોય વાવાઝોડાની સંભવિત અસરને ધ્યાને લઇ સ્થળાંતર કરવા પાત્ર લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે વહીવટી તંત્ર વિસાવદર તરફથી માળીયા તથા માંગરોળ તાલુકા માટે 20,000 ફૂટ પેકેટ તૈયાર કરી મોકલવામાં આવ્યા છે.
  • Gujarat Cyclone Live, Jun 13, 2023 05:25 PM IST: દેવભૂમિ દ્વારકાઃ પોતાનું ઘર છોડવા તૈયાર ન થતા પરિવારને પરષોત્તમ રુપાલાએ સમજાવ્યા
    કેન્દ્રીયમંત્રી પરષોત્તમ રૂપાલા આજે વરવાળા પહોંચ્યા હતા. એ દરમિયાન માર્ગમાં કેટલાક ઝુંપડા આવતા, તેઓ ત્યાં તપાસ કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન એક મહિલા અને બે બાળકો ઝૂપડામાંથી મળી આવ્યા હતા, જેઓ પોતાનું ઘર છોડવા માટે રાજી નહોતા. મંત્રીએ તેમને વાવાઝોડાના સંભવિત ખતરાની સમજ આપી હતી અને નજીકમાં જ આવેલા પાક્કા બાંધકામવાળા આશ્રયસ્થાનમાં જતા રહેવા સમજાવ્યા હતા.
  • Gujarat Cyclone Live, Jun 13, 2023 05:20 PM IST: કચ્છમાં રાત્રી સુધીમાં 14088 લોકોનું સ્થળાંતર કરાશે
    કચ્છમાં બિપોરજોય વાવાઝોડા ત્રાટકવાનું હોવાથી માનવ તથા પશુ વસતીની સુરક્ષા અને સલામતી માટે વહીવટીતંત્ર ખડેપગે રહીને કામગીરી કરી રહ્યું છે. સમગ્ર કામગીરી સુચારૂ થાય તે માટે મોનીટરીંગ કરવા કચ્છમાં કેન્દ્રીય તથા રાજયમંત્રીઓ ખાસ હાજર રહીને તમામ કામગીરી પર ચાંપતી નજર રાખીને તંત્રને માર્ગદર્શન આપી રહ્યા છે. ત્યારે જોખમી કાંઠાળ વિસ્તારના ગામમાંથી શરૂ કરાયેલી સ્થળાંતરની કામગીરી આજરોજ સાંજ સુધી પૂર્ણ કરી લેવામાં આવશે. જેમાં 0 થી 5 કિ.મી વિસ્તારમાં 100 ટકા સ્થળાંતરની કામગીરી કરવામાં આવશે જેમાં 14088 નાગરીકોને સલામત સ્થળે ખસેડી લેવામાં આવશે. જયારે જરૂરીયાત જણાઇ તો 5 થી 10 કિ.મી વિસ્તારના 7278 લોકોને પણ ખસેડાશે.
  • Gujarat Cyclone Live, Jun 13, 2023 05:00 PM IST: જૂનાગઢ જિલ્લામાં સંભવિત વાવાઝોડામાં લોકોને મદદ પહોંચાડવા માટે 21 હજાર ફૂડ પેકેટ તૈયાર
    જૂનાગઢ જિલ્લામાં સંભવિત વાવાઝોડામાં લોકોને મદદ પહોંચાડવા માટે 21 હજાર જેટલા ફૂડ પેકેટ તૈયાર કરી દેવામાં આવ્યા છે. તેમજ વધુ ૨૫ થી ૩૦ હજાર જેટલા ફૂડ પેકેટ તૈયાર કરવાની કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે. તૈયાર થયેલા ફુડ પેકેટને તાલુકા કક્ષાએ પહોંચાડી દેવામાં આવ્યા છે. આમ ત્યાંથી જરૂરિયાતમંદો ફૂડ પેકેટ પહોંચાડવામાં આવી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર જુનાગઢ ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં બિપરજોય વાવાઝોડુંનું સંકટ મંડરાઈ રહ્યું છે.

    તારે ખાસ કરીને લોકોની મદદ માટે જુનાગઢ જિલ્લાની જુદી જુદી સેવાભાવી સંસ્થાઓ આગળ આવી છે. આ સંભવિત સંકટમાં લોકોને ભોજન મળી રહે તે માટે ઉત્સાહ સાથે સેવાભાવી સંસ્થાઓ ફૂડ પેકેટ તૈયાર કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, જુનાગઢ જિલ્લાના ખાસ કરીને દરિયાકાંઠાના માંગરોળ અને માળિયા હાટીના તાલુકામાં જિલ્લાના અન્ય તાલુકાની સરખામણીમાં સંભવિત વાવાઝોડાની વધુ અસર પહોંચી શકે તેમ છે.
  • Gujarat Cyclone Live, Jun 13, 2023 04:50 PM IST: જિલ્લા પ્રભારી મંત્રી પરસોત્તમ સોલંકીએ નવા બંદર ખાતે મુલાકાત લીધી
    મત્સ્યદ્યોગ અને પશુપાલન રાજ્ય મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી પરસોત્તમ સોલંકી તથા રાજુલા જાફરાબાદ તાલુકાના પદાધિકારીઓ અને અધિકારીઓએ નવા બંદર વિસ્તારની મુલાકાત લીધી હતી. મંત્રીએ તંત્ર દ્વારા લેવામાં આવેલા જરુરી પગલાંઓ વિશે માહિતી મેળવી હતી. દરિયા ખેડુ અને અગરિયાઓના દરિયાઈ વિસ્તારમાં ન પ્રવેશ મેળવે તે માટે તેમણે ઘનિષ્ઠ કામગીરી કરવા સૂચના આપી હતી.
  • Gujarat Cyclone Live, Jun 13, 2023 04:40 PM IST: ભાવનગરના કોળિયાક અને કુડા બીચ તેમજ ઘોઘા પોર્ટ પર પોલીસ કાફલો મૂકાયો
    બિપોરજોય વાવાઝોડાના કારણે ગુજરાતના ઘણાં જિલ્લાઓ હાલ એલર્ટ પર છે. જેથી ભાવનગર જિલ્લાના દરિયાકિનારાના વિસ્તારોમાં પ્રવેશ અને અવર-જવર પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું નિવાસી અધિક કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. જેનાં પગલે દરિયાકાંઠાના વિસ્તારો પર હાલ પોલીસ જવાનોનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. કોળિયાક અને કુડા બીચ પર હાલ ચોકી પહેરો લાદવામાં આવ્યો છે. તેમજ ઘોઘા પોર્ટ પર પણ પોલીસજવાનો તૈનાત કરવામાં આવ્યા છે.
  • Gujarat Cyclone Live, Jun 13, 2023 04:35 PM IST: રાજયના મંત્રીઓ બિપોરજોય વાવાઝોડાં સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે
    રાજયના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ હાલે તેઓ મુન્દ્રા બંદરની મુલાકાત માટે જઇ રહ્યા છે. ત્યારબાદ માંડવીની મુલાકાતે જશે. કચ્છ જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલભાઇ પાનશેરીયા તેઓ કોટેશ્વરની મુલાકાત માટે જઇ રહ્યા છે. તેમની સાથે પ્રવાસમાં અબડાસા ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજા પણ જોડાયા છે.
  • Gujarat Cyclone Live, Jun 13, 2023 04:25 PM IST: અમરેલી જિલ્લાની પ્રાથમિક-માધ્યમિક શાળાઓમાં 14-15 જૂને રજા જાહેર
    અમરેલી જિલ્લાની પ્રાથમિક-માધ્યમિક શાળાઓમાં બે દિવસ રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરએ ઉમેર્યુ કે, જિલ્લામાં સલામતીના ભાગરુપે જિલ્લાની તમામ પ્રાથમિક-માધ્યમિક શાળાઓમાં આગામી તા.14 અને તા.15 જૂનની રજા જાહેર કરવામાં આવી છે. વધુમાં આગામી સ્થિતિને ધ્યાને લઈને નિર્ણય કરવાનું આયોજન છે.
  • Gujarat Cyclone Live, Jun 13, 2023 04:20 PM IST: અમરેલીના 29 ગામોના લોકોનું સ્થળાંતર
    રાજુલા-જાફરબાદ તાલુકાઓના 29 ગામોમાં જરુરિયાત મુજબ સલામત સ્થળે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. પંચાયત, મહેસુલ અને પોલીસ વિભાગ દ્વારા સર્વે કરી અને કાચા અને ભયજનક મકાનોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડી અને તેમના માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ બંને તાલુકાની સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા અને સુચારું આયોજન માટે અધિક કલેક્ટર પટણીને જવાબદારી સોંપવામાં આવી છે.
  • Gujarat Cyclone Live, Jun 13, 2023 04:15 PM IST: વીજ પ્રવાહ જાળવી રાખવા PGVCL જામનગરની 145 ટીમો તૈનાત
    આગામી સમયમાં બિપોરજોય વાવાઝોડું જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠે ટકરાય તેવી શક્યતાઓ છે. જેને પરિણામે જિલ્લામાં વીજ પુરવઠાને પણ વ્યાપક અસર થઈ શકે છે. જેથી જામનગર જિલ્લામાં વીજ પુરવઠો અવિરતપણે જળવાઈ રહે તેમજ વાવાઝોડા બાદ સમારકામ અને જરૂરી મેન્ટેનન્સની કામગીરી ઝડપથી પૂર્ણ કરી શકાય તે હેતુથી આગોતરા આયોજનના ભાગરૂપે પી.જી.વી.સી.એલ. જામનગર દ્વારા 145 જેટલી ટીમો તૈયાર કરી અનેકવિધ મોરચે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
  • Gujarat Cyclone Live, Jun 13, 2023 04:04 PM IST: બિપોરજોય વાવાઝોડા સંદર્ભે રાજ્યના તમામ જિલ્લાઓમાં કંટ્રોલરૂમ કાર્યરત
    અમદાવાદ - (079-27560511), અમરેલી - (02792-230735), આણંદ - (02692-243222), અરવલ્લી - (02774-250221), બનાસકાંઠા - (02742-250627), ભરૂચ - (02642-242300), ભાવનગર - (0278-2521554/55), બોટાદ - (02849-271340/41), છોટાઉદેપુર - (02669-233012/21), દાહોદ - (02673-239123), ડાંગ - (02631-220347), દેવભૂમિ દ્વારકા - (02833-232183, 232125, 232084), ગાંધીનગર - (079-23256639), ગીર સોમનાથ - 02876-240063), જામનગર - (0288-2553404), જૂનાગઢ - (0285-2633446/2633448), ખેડા - (0268-2553356), કચ્છ - (02832-250923), મહીસાગર - (02674-252300) , મહેસાણા - (02762-222220/222299), મોરબી - (02822-243300), નર્મદા - (02640-224001) , નવસારી - (02637-259401), પંચમહાલ - (02672-242536), પાટણ - (02766-224830), પોરબંદર - (0286-2220800/801), રાજકોટ - (0281-2471573), સાબરકાંઠા - (02772-249039) , સુરેન્દ્રનગર - (02752-283400), સુરત - (0261-2663200), તાપી - (02626-224460), વડોદરા - (0265-2427592),વલસાડ - (02632-243238).
  • Gujarat Cyclone Live, Jun 13, 2023 04:00 PM IST: ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1077 લગાવીને પણ જે તે જિલ્લામાંથી સહાય મેળવી શકાશે
    ગુજરાત ઉપર તોળાઈ રહેલા સંભવિત બિપોરજોય વાવાઝોડા સંદર્ભે તમામ જિલ્લાઓમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સહાય માટે કંટ્રોલરૂમ કાર્યરત કરી દેવાયા છે.નાગરિકોએ વાવાઝોડા સંદર્ભે સહાય માટે કંટ્રોલરૂમના નંબર પર સંપર્ક કરવા રાહત નિયામક કચેરી દ્વારા અનુરોધ કરાયો છે. વધુમાં જણાવ્યા અનુસાર રાજ્ય સરકાર દ્વારા કાર્યરત ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1077 લગાવીને પણ જે તે જિલ્લામાંથી સહાય મેળવી શકાશે.
  • Gujarat Cyclone Live, Jun 13, 2023 03:56 PM IST: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે અમિત શાહ કરશે બેઠક
    કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યના આઠ સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓના સાંસદો સાથે ચક્રવાત 'બિપોરજોય' માટે તૈયારીઓ અંગે સમીક્ષા બેઠકની કરવાના છે.તેઓ આ બેઠકમાં વર્ચ્યુઅલ રીતે ભાગ લેશે.
  • Gujarat Cyclone Live, Jun 13, 2023 02:39 PM IST: દરિયાકાંઠાના વિસ્તારોમાંથી 20 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરાયું
    અત્યારસુધીમાં જૂનાગઢ જિલ્લામાં 500, કચ્છમાં 6786, જામનગરમાં 1500, પોરબંદરમાં 543, દ્વારકામાં 4820, ગીર સોમનાથમાં 408, મોરબીમાં 2000 અને રાજકોટમાં 4031 મળી કુલ 20588 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. દરિયાકિનારાના પ્રભાવિત જિલ્લાઓમાં સરકારી શાળાઓ-કચેરીઓમાં સલામત સ્થળોએ શેલ્ટર હોમ તૈયાર કરવામાં આવ્યા છે. જ્યાં રહેવા, ખાવા-પીવા તેમજ દવા સહિતની તમામ જરૂરી વ્યવસથા કરવામાં આવી છે. આ ઉપરાંત નજીકના સ્થળોએ હેલ્થ સેન્ટર તેમજ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં તબીબી સ્ટાફ તેમજ દવા સહિતનો જરૂરી જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.
  • Gujarat Cyclone Live, Jun 13, 2023 02:20 PM IST: NDRFની 17 અને SDRFની 12 ટીમ તહેનાત
    વાવાઝોડા પ્રભાવિત જિલ્લાઓમાં NDRFની 17 અને SDRFની 12 ટીમ તહેનાત કરાઇ છે. NDRFની કચ્છમાં 4, દેવભૂમિ દ્વારકામાં 3, રાજકોટમાં 3, જામનગરમાં 2 અને જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, મોરબી અને વલસાડ ખાતે એક-એક ટીમ તહેનાત કરાઈ છે. આ ઉપરાંત વડોદરા ખાતે 3 અને ગાંધીનગર ખાતે 1 ટીમ રિઝર્વ રખાઈ છે. SDRFની કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા ખાતે બે-બે ટીમ, જ્યારે જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, મોરબી, પાટણ અને બનાસકાંઠામાં એક-એક ટીમ તહેનાત છે. આ ઉપરાંત સુરત ખાતે એક ટીમ રિઝર્વ રખાઈ છે.
  • Gujarat Cyclone Live, Jun 13, 2023 02:00 PM IST: સાળંગપુર મંદિર દ્વારા 14થી 16 જૂન સુધી ભક્તોને દાદાને દર્શે નહીં આવવા અપીલ
    સાળંગપુર મંદિર દ્વારા એક ઓફિશિયલ પોસ્ટ શેર કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, હવામાન વિભાગની તાજેતરની આગાહીને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં વાવાઝોડાં અને વરસાદની સંભાવના છે. ભારે પવન તથા વરસાદની શક્યતા હોવાથી કોઈ જાનહાનિ કે નુકસાન ના થાય તેની સાવચેતીના પગલે સાળંગપુર ખાતે દર્શારઅથે આવતાં ભક્તોને શ્રીકષ્ટભંજન દેવ મંદિર તરફથી અપીલ કરવામાં આવે છે કે, દાદાના દર્શને 14થી 16 જૂન સુધી મંદિરનો પ્રવાસ ના કરવો તથા દાદાના સોશિયલ મીડિયા દ્વારા લાઇવ દર્શનનો આગ્રહ રાખવો.''
  • Gujarat Cyclone Live, Jun 13, 2023 01:37 PM IST: આર્મી, મિલિટરી એલર્ટ મોડ પર
    બિપોરજોય વાવાઝોડાને પગલે મિલિટરી, પેરા મિલિટરી ફોર્સ, આર્મી, એરફોર્સ, નેવી અને કોસ્ટગાર્ડ યુનિટોને એલર્ટ પર મુકવામાં આવ્યા છે. કચ્છની આર્મીની 3 કોલમ એલર્ટ મોડ પર, આર્મીની ટીમોને અસરગ્રસ્ત વિસ્તારોમાં મોકલાશે. કચ્છના એરબેઝ એલર્ટ પર રહેવા સૂચના આપવામાં આવી છે.
  • Gujarat Cyclone Live, Jun 13, 2023 01:37 PM IST: ભાવનગરમાં દરિયામાંથી ડોલ્ફીન બહાર આવી
    ભાવનગરના મહુવાના ઉંચા કોટડાના દરિયામાં બિપોરજોય વાવાઝોડાની અસર જોવા મળી છે. ઉંચા મોજા ઉછળી રહ્યાં છે. જેમાં ડોલ્ફીન માછલીઓ પણ બહાર આવી ગઇ હતી. ગ્રામજનોએ માછલીને ડબમાં ભરીને જીવ બચાવ્યો હતો.
  • Gujarat Cyclone Live, Jun 13, 2023 01:18 PM IST: અમિત શાહનું નિવેદન
    છેલ્લા થોડા વર્ષોથી કુદરતી સંકટ વધ્યા છે. આપણા દેશમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ નવી વાત નથી. પ્રાચિન ભારતમાં પણ આપદા પ્રબંધનનો ઉલ્લેખ થયેલો છે. સંકટ સામે લડવા માટે આપણે તૈયાર છીએ.
  • Gujarat Cyclone Live, Jun 13, 2023 01:18 PM IST: જૂનાગઢમાં અંબાજી મંદિર,દાતાર,મધુરામાં પ્રવેશ બંધ
    બિપોરજોય સાઈકલોનની સંભવિત પરિસ્થિતિને ધ્યાને રાખી બોરદેવી વિસ્તાર,અંબાજી મંદિર,દાતાર,મધુરા,ઇન્દ્રેશ્વર જેવા યાત્રાધામ સ્થળો હાલ પૂરતા નાગરિકોને પ્રવેશ બંધ રાખેલ છે.
  • Gujarat Cyclone Live, Jun 13, 2023 12:41 PM IST: જામનગરઃ સાંજ સુધી કુલ 8500 લોકોને સ્થળાંતર સ્થળે ખસેડવામાં આવશે
    જામનગર જિલ્લાના દરિયાકાંઠાના ગામોમાં રહેતા લોકો, નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો, કાચા મકાનો અને ઝુંપડાઓમાં રહેતા લોકોને સ્થળાંતર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં જામનગર શહેર અને જિલ્લાના કુલ 1300 લોકોનું ગઇકાલે સ્થળાંતર કરવામાં આવ્યું છે. અત્યાર સુધી કુલ 3200 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. હજુ 5300 જેટલા લોકોને સુરક્ષિત જગ્યાએ લઈ જવાની કામગીરી ચાલુ છે. જે સાંજ સુધીમાં પૂર્ણ થઈ જશે. આમ સ્થળાંતર કરવા પાત્ર કુલ 8500 લોકોને સુરક્ષિત આશ્રિત સ્થળો પર ખસેડવામાં આવશે.
  • Gujarat Cyclone Live, Jun 13, 2023 12:30 PM IST: રાજકોટમાં રાહત રસોડું ધમધમ્યું : એક લાખ ફૂડ પેકેટ તૈયાર કરાયા
    રાજકોટ વિધાનસભા 68 વિસ્તારમાં રાહત રસોડા ધમધમવા લાગ્યા છે. ગાંઠિયા અને સુખડીનાં સૂકા નાસ્તાના 20 હજારથી વધુ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે. જરૂર પડે ત્યાં ત્યાં સુકો નાસ્તો પહોંચતો કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. સામા કાંઠે આવેલા પટેલ વાડી અને રણછોડદાસ કમ્યુનિટી સેન્ટર ખાતે સુકો નાસ્તો તૈયાર કરવામાં આવી થયો છે. એક લાખ પેકેટ સુધી નાસ્તો તૈયાર કરાવી લોકો સુધી પહોંચતો કરવા કવાયત હાથ ધરાઈ છે.
  • Gujarat Cyclone Live, Jun 13, 2023 12:20 PM IST: ભાવનગરની સ્કૂલો 14થી 15 જૂને બંધ રહેશે
    બિપોરજોય વાવાઝોડાને લઈને ભાવનગરમાં સ્કૂલો 14થી 15 જૂને બંધ રહેશે.જિલ્લાના 4 તાલુકાઓની તમામ શાળાઓમાં શિક્ષણ કાર્ય બંધ રહેશે.દરિયાકાંઠાના મહુવા, તળાજા, ભાવનગર ગ્રામ્ય, ઘોઘામાં સ્કૂલો બંધ રહેશે . વાવાઝોડાને લઈને 13થી 16 જૂન દરમિયાન તકેદારીના પગલાં લેવા આદેશ કરવામાં આવ્યા છે.
  • Gujarat Cyclone Live, Jun 13, 2023 12:13 PM IST: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 4700થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયા
    સંભવિત વાવાઝોડાના પગલે દ્વારકા જિલ્લામાં આજરોજ 13 જૂને સવારે 10 વાગ્યા સુધીમાં 4700થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયા છે. તમામ તાલુકા ટીમ દ્વારા દરિયાકાંઠાના ગામોમાં લોકોને સલામત સ્થળે ખસી જવા અંગે સમજુત કરવામાં આવી રહ્યા છે. અને કુદરતી આપદાના સમયમાં લોકોને નહિ ગભરાવવા તેમજ સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે.
  • Gujarat Cyclone Biparjoy Live, Jun 13, 2023 12:00 PM IST: રૂપાલાએ દ્વારકાધીશના દર્શન કરી વાવઝોડાનું સંકટ ટળે તેવી પ્રાર્થના કરી
    આ પૂર્વે કેન્દ્રીય મંત્રી રૂપાલાએ જગત મંદિર ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા અને વાવાઝોડાનું સંકટ ટળે તે માટે ભગવાનને વિશેષ પ્રાર્થના કરી હતી. આ દરમિયાન દ્વારકાના પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયા તેમજ અન્ય અધિકારીઓ સાથે રહ્યા હતા.
  • Gujarat Cyclone News Live, Jun 13, 2023 11:55 AM IST: રૂપાલા દ્વારકામાં એન.ડી.આર.એફ.ની ટીમને મળ્યા
    અરબી સમુદ્રમાં સર્જાયેલું વાવાઝોડું બિપરજોય દ્વારકા નજીકથી પસાર થવાનું છે, ત્યારે કેન્દ્રીય મત્સ્ય, પશુપાલન મંત્રી પરષોત્તમ રૂપાલા આજે વહેલી સવારે દ્વારકા આવી પહોંચ્યા છે. તેઓએ આજે સવારે દ્વારકા ખાતે તહેનાત એન.ડી.આર.એફ.ની ટીમની મુલાકાત લીધી લઈ અને કરેલી કામગીરી તેમજ તેમની સાધન સજ્જતાની સમીક્ષા કરી હતી.એન.ડી.આર.એફ.ટીમના ઇન્સ્પેક્ટર દેવ પ્રકાશજીએ કેન્દ્રીય મંત્રીને તેમની ટીમે કરેલી કામગીરી તેમજ સાધન સજ્જતા સહિતની બાબતોથી માહિતગાર કર્યા હતા.
  • Gujarat Cyclone Update Live, Jun 13, 2023 11:50 AM IST: અમિત શાહ કરશે બેઠક
    ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડું ટકરાવવાની શક્યતા પ્રબળ છે. જેને લઇને કેન્દ્ર સરકાર દ્વારા 5 કેન્દ્રિય મંત્રીને સંભવિત અસગ્રસ્ત રાજ્યોમાં મોકલ્યા છે. તેમજ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આજે બપોરે વાવાઝોડાની સ્થિતિ અને તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક કરવાના છે.
  • Gujarat Cyclone Live, Jun 13, 2023 11:41 AM IST: આજરોજ સર્વા લેબર કેમ્પમાં ચેકીંગ દરમ્યાન સ્થળાંતર નહિં થયેલ દીવ્યાંગ વૃધ્ધાં ઉ.વ.102 તથા એમનાં દીકરાં ઉ.વ. 65 નાંઓને શેલ્ટર હોમ ખાતે સુરક્ષિત ખસેડાયાં.
  • Gujarat Cyclone Live, Jun 13, 2023 11:15 AM IST: બિપોરજોય વાવાઝોડાની સંભવિત પરિસ્થિતિને અનુલક્ષીને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયાની અધ્યક્ષતામાં કચ્છ ખાતે સમીક્ષા બેઠક મળી
  • Gujarat Cyclone Live, Jun 13, 2023 11:10 AM IST: પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા દરીયાકાંઠાના વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડા અનુસંધાને બોટ એસોસિયેશનના પ્રમુખ, આગેવાનો તથા ખલાસીઓ સાથે મીટીંગ કરી લોકોને જરૂરી તકેદારી રાખવા અને મદદની જરૂર પડે તો પોલીસનો સંપર્ક કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
  • Gujarat Cyclone Live, Jun 13, 2023 11:05 AM IST: જામનગરઃ દરિયાકાંઠાના 22 ગામોમાં સ્થળાંતર, 91 હોમગાર્ડ જવાનો તેનાત
    જામનગર જિલ્લાની વર્તમાન બિપરજોય વાવાઝોડાની પરિસ્થિતિ ધ્યાને લઇ જિલ્લાના સંભવિત સૌથી વધુ અસરગ્રસ્ત તેમજ દરિયાકાંઠાના 22 ગામોમાં જિલ્લા કલેક્ટરશ્રી તથા પોલીસ અધિક્ષકશ્રી ની સૂચના અનુસાર જામનગર જિલ્લા હોમગાર્ડઝના "આપદા મિત્ર" ની તાલીમથી સજ્જ 166 જવાનો મદદરુપ થવા પહોંચ્યા છે.

    દરેક ગામમાં રાઉન્ડ ધ ક્લોક ચાર હોમગાર્ડઝ જવાનો સતત ફરજ બજાવશે. આમ કુલ 88 હોમગાર્ડઝ જવાનો તથા લાયઝનમાં 3 અધિકારી કમલેશ ગઢિયા,ચંદ્રેશ ગોસ્વામી, હિમાંશુ પુરોહિત મળી કુલ 91 આપદા મિત્ર જવાનો જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ સુરેશ ભીંડીની સીધી દેખરેખ અને માર્ગદર્શન હેઠળ હાલ દરિયાકાંઠાના ગામો કોઠારીયા, માણામોરા, ભીમકાટા, જામસર, ખીરી, બાલાચડી, જોડિયા, બાદનપર, ખીજડિયા, સચાણા, મૂંગણી, ગાગવા, બેડ, વસઈ, સરમત, દિગ્વિજય ગ્રામ, ગોરધનપર, ઢીંચડા, ખારા બેરાજા, નવા નાગના, સિંગચ, જાખર સહિતના ગામોમાં ફરજ બજાવી રહ્યા છે.અને ગામમાં સ્થળાંતર, બચાવ અને રાહતની કામગીરી જેવી ફરજો બજાવી હોમગાર્ડઝના "નિષ્કામ સેવા" ના ઉદ્દેશ્યને ચરિતાર્થ કરી રહ્યા છે.
  • Gujarat Cyclone Live, Jun 13, 2023 11:00 AM IST: જામનગરઃ 73 પ્રસુતાઓને સ્થળાંતરિત કરી નજીકના આરોગ્ય કેન્દ્રો ખાતે રીફર કરાયાં
    રેપીડ રિસ્પોન્સ મેડિકલ ટીમ તેમજ મોબાઈલ મેડિકલ ટીમ દરિયાકાંઠાના ગામોમાં ફરી નાદુરસ્ત લોકોના આરોગ્ય તથા આશ્રયને લગતી તમામ કાળજીઓ લઈ રહી છે.જિલ્લા આરોગ્યની ટીમે આજ રીતે તમામ સંભવિત અસરગ્રસ્ત ગામોમાં પહોંચી આગામી અઠવાડીયા દરમિયાન જે સગર્ભાઓની પ્રસૂતિ થવાની હોય તેવી 73 બહેનોને દરીયાકાંઠા નજીકનાં જોખમી અને ભયજનક વિસ્તારમાથી સ્થળાંતરિત કરી પ્રસૂતિ થઇ શકે તેવા નજીકનાં આરોગ્ય કેન્દ્ર ખાતે સરકારી એમ્બ્યુલન્સ મારફતે રીફર કરેલ છે.

    જ્યાં 24×7 ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ તેઓની પૂર્વ પ્રસૂતિ અંગેની સતત કાળજી રાખી રહ્યા છે. અને તમામ જીવન જરૂરી આનુષંગિક વ્યવસ્થા કરવામાં આવી છે. આ દરમિયાન 73 પૈકીના 9 સગર્ભા બહેનોની આરોગ્ય કેન્દ્રો ખાતે સફળ પ્રસૂતિ પણ કરાવવામાં આવેલ છે.અને તેઓને સુરક્ષિત આશ્રયસ્થાન પુરૂ પાડવામાં આવેલ છે.