Shaktisinh Gohil Nephew Suicide: અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં એક ચકચારી બનાવ બન્યો છે. જજીસ બંગલો રોડ પર આવેલા NRI ટાવરમાં રહેતા દંપતિનું એક બનાવમાં મોત થયું છે. ગુજરાત મેરીટાઇમ બોર્ડમાં ક્લાસ-ટુ અધિકારી તરીકે કાર્યરત પતિના હાથે અકસ્માતે પત્નીનું મોત થયું હતું. જે બાદ પતિએ ખુદ પણ માથામાં ગોળી મારી લઈ આત્મહત્યા કરી લીધી હતી. આ દરમિયાન તેમની માતા પણ બાજુના રૂમમાં હાજર હતા.
પતિના હાથે અકસ્માતે ગોળી છૂટી, પત્નીને માથામાં વાગી
આ બનાવ અંગે મળતી વિગત અનુસાર, મોડી રાત્રે જજીસ બંગલો રોડ પર આવેલા NRI ટાવરમાં રહેતા યશરાજસિંહ ગોહિલ રિવોલ્વર ફેરવતા હતા. ત્યારે અકસ્માતે ગોળી ચાલી જતા સીધી પત્ની રાજેશ્વરી ગોહિલના માથામાં વાગી હતી. ગોળી વાગતા જ રાજેશ્વરી ઢળી પડી હતી. બીજી તરફ યશરાજસિંહે 108 ઈમરજન્સીમાં ફોન કરી બનાવ અંગે જાણ કરી હતી. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ સાથે તબીબોની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
પતિ યશરાજસિંહે ખુદને ગોળી મારી આત્મહત્યા કરી
108 ઈમરજન્સી સેવાના જણાવ્યા મુજબ રાત્રે 11:45 કલાકે યશરાજસિંહ ગોહિલનો 108માં કોલ આવ્યો હતો કે ભૂલથી પત્નીને માથામાં ગોળી વાગી ગઈ છે. સ્થળ પર આવેલા પેરા મેડિકલ સ્ટાફે તપાસ કર્યા બાદ મહિલાને મૃત જાહેર કરી હતી. આ પછી 108ની ટીમે બહાર ફોન પર ડૉક્ટર સાથે વાત કરી રહી હતી. ત્યારે પતિ યશરાજસિંહે એ જ હથિયારથી પોતાના માથામાં ગોળી મારીને આત્મહત્યા (suicide) કરી લીધી હતી.
પોલીસ તપાસ અને કાર્યવાહી
આ બનાવ અંગે 108 ઈમરજન્સી સ્ટાફ દ્વારા પોલીસમાં જાણ કરતા વસ્ત્રાપુર પોલીસ (Vastrapur Police), ક્રાઈમ બ્રાન્ચ અને FSL ટીમો ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે. વધુમાં NRI ટાવરના ગેટ બંધ કરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ફ્લેટના રહીશો સિવાય કોઈપણ વ્યક્તિને અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી.
કોંગ્રેસ નેતાનો ભત્રીજો મૃતક પતિ, ક્લાસ-ટુ અધિકારી
નોંધનીય છે કે, મૃતક દંપતીના હાલમાં જ બે મહિના પહેલા લગ્ન થયા હતા. પતિ યશરાજસિંહ ગોહિલ મૂળ ભાવનગરના વતની છે, તથા ગુજરાત મેરીટાઇમ બોર્ડમાં ક્લાસ-ટુ અધિકારી તરીકે કાર્યરત હતા. તેમનું તાજેતરમાં જ ક્લાસ 1 અધિકારી તરીકે પ્રમોશન થયું છે. વધુમાં મૃતક યશરાજ ગોહિલ કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલના (Shaktisinh Gohil) ભત્રીજા હોવાનું પણ જાણવા મળ્યું છે. તેમના પત્નીનું નામ રાજેશ્વરી ગોહિલ હતું.
108 ટીમને નીચે લેવા ગયા હતા યશરાજ: કોંગ્રેસ પ્રવક્તા
આ બનાવ બાદ ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, ગોળી વાગવાની ઘટના બનતા તરત જ યશરાજે 108ને કોલ કર્યો હતો. 108ની ટીમ આવી ત્યારે ફ્લેટ મળતો ન હોવાથી નીચે લેવા માટે પણ ગયા હતા. ઘટના બની ત્યારે તેમના માતા પણ ફ્લેટમાં હાજર હતા. 108ની ટીમ આવી તો તેમને ચેક કરીને પત્નીના મોતના સમાચાર આપ્યા હતા. જેથી આઘાતમાં આવીને પોતે પણ ગોળી મારીને આત્મહત્યા કરી છે.
