નિમણૂક પત્રો આપતા CM ભૂપેન્દ્ર પટેલે નવનિયુક્ત કર્મીઓને પૂછ્યું- કોઈ લાગવગ-બાગવગથી અંદર ઘૂસ્યું નથી ને?; મહેનત કરી હોય એને ફળ મળવું જોઈએ

ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, અત્યારે રીલનો જમાનો છે! તમે ગમે તેટલું સારું કર્યા પછી એક જણને કંઈક તકલીફ પડી ગઈ તમારાથી, તો એ તમારી રીલ મૂકી જ દેશે! પણ હંમેશા પોઝિટિવ રહેવું જોઈએ.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 24 Sep 2026 04:44 PM (IST)Updated: Thu, 24 Sep 2026 04:44 PM (IST)
gujarat-cm-bhupendra-patels-message-to-new-employees-hard-work-should-be-rewarded

Gujarat Recruitment Appointment Letters: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઑડિટોરિયમ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં નવનિર્મિત આવાસોના ડ્રો અને 450થી વધુ નવનિયુક્ત સહાયક ટેકનિકલ સુપરવાઇઝર તથા 50 જેટલાં જુનિયર ક્લાર્કને નિમણૂક પત્રો પણ એનાયત કરવામાં આવ્યાં હતાં.તેમણે તમામ નવનિયુક્ત કર્મચારીઓને પ્રામાણિકતાની શીખ આપી હતી. પ્રજાજનોની સેવાના સંકલ્પ સાથે સંપૂર્ણ નિષ્ઠા અને ગુણવત્તાયુક્ત કામગીરીનું આહવાન કરતા જણાવ્યું હતું કે, કોઈ લાગવગ-બાગવગથી અંદર ઘૂસ્યું નથી ને? જેને મહેનત કરી હોય એને ફળ મળવું જોઈએ. પ્રજા લોકોના મગજમાં ભરેલું હોય કે સરકારી નોકરી છે અને મજા પડી જવાની છે ને! એટલે તમારે તમારું નક્કી કરવાનું છે અને બધાએ પોતપોતાનું ભોગવવાનું છે. કોઈ ભાગીદાર ના હોય, એ તો આપણે જ ભોગવવું પડે.

કોઈ લાગવગ-બાગવગથી અંદર ઘૂસ્યું નથી ને?

સહાયક ટેકનિકલ સુપરવાઇઝર અને જુનિયર ક્લાર્કોની નિમણૂક પત્રક એનાયત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આજે જેને જેને નિમણૂક પત્ર મળવાના છે એ કેટલા જણ છે? વાહ, આનંદ છે ને બધાને! કોઈ લાગવગ-બાગવગથી અંદર ઘૂસ્યું નથી ને? જેને મહેનત કરી હોય એને ફળ મળવું જોઈએ, આટલી જ વાત છે મેઈન તો. અને જે ખરાબ કરી રહ્યા છે એ આપણામાંથી જ કોક હોય પાછું, એનું દુઃખ છે વધારે આપણને કે ભાઈ સારી સિસ્ટમ ચાલે છે, ઊભી કરી છે અને ઊભી કરતા કેટલી વાર થાય એ તો તમને બધાને ખબર છે ને! અને વડાપ્રધાનએ મક્કમતાથી આ પારદર્શી સિસ્ટમ ઊભી કરી છે અને એનો આનંદ આપણને ડબલ છે.

તેમણે વધુમાં કહ્યું કે, અહીંયા તો આજે બધા સરકારી નોકરીમાં જોડાવાના છે, કોર્પોરેશનની નોકરીમાં જોડાવાના છે. શનિ-રવિની રજા આપણે શેના માટે રાખતા હોઈએ છીએ કે ભાઈ થોડુંક રિલેક્સ થવું પડે, થોડો આનંદ લેવો પડે તો પાછું ફરી અઠવાડિયું કામ થાય. તો એ આનંદ ક્યાં આગળ જઈને લેશો? કંઈ દર શનિ-રવિ તો અહીંયાથી બહારગામ ફરવા નહીં જવાય ને! એટલે કે ભાઈ દરેકે દરેક વસ્તુ જન સુખાકારી માટે, જન-જન માટે સરકારી યોજના હોય તો સરકારી યોજનાના લાભમાં પણ દરેકે દરેક યોજનાના કેન્દ્રમાં જો કોઈ રહ્યું હોય તો એ સામાન્ય માણસ. અને એટલે જ આજે રોજબરોજ માનનીય વડાપ્રધાન ઉપર પ્રજાજનોનો વિશ્વાસ વધતો ગયો કે એમણે જે બોલ્યા એ કરીને બતાવ્યું છે, જમીન ઉપર ઉતારીને બતાવ્યું છે.

તમને જે કામ મળે કોર્પોરેશનમાં એ કામ તમે નિષ્ઠાથી નિભાવો

તેમણે ઉમેર્યું હતું કે, એના માટે જે પણ સરકારી ઓફિસ છે, જે પણ વિભાગો છે એ બધાની અંદર જરૂરિયાત પ્રમાણેના દરેકે દરેક અધિકારીની નિમણૂક થવી જોઈએ, ટાઈમસર થવી જોઈએ, એના માટે અમે ભાર મૂક્યો છે. કોઈપણ જગ્યા ખાલી ના રહે, દરેકે દરેક જગ્યા ભરાઈ જાય એના માટેનો પ્રયત્ન પણ અમે કરી રહ્યા છીએ. અને એના પરિણામના ભાગરૂપે અહીં કોર્પોરેશનના ઇતિહાસમાં આટલી મોટી નિમણૂક પત્રક કોઈ દાડો અપાયા નથી, 450 થી વધુ નિમણૂક પત્રક એક જ દિવસે અપાય એટલે બહુ મોટી વાત છે. તમારા મા-બાપને પણ આનંદ થવાનો છે. હવે જે જવાબદારી છે એ તમારી છે કે તમને જે ખુશી મળી એ બીજાને તમે કેવી રીતે ટ્રાન્સફર કરો છો એ તમારા હાથમાં છે. તમને જે કામ મળે કોર્પોરેશનમાં એ કામ તમે નિષ્ઠાથી નિભાવો, એ કામ સારી રીતે કરે છે કે નહીં કોન્ટ્રાક્ટર એની ઉપર પૂરતું ધ્યાન આપો, ક્વોલિટી વાળું કામ લો તો લોકોને આનંદ વધતો જવાનો.

આપણાથી ક્યાંક ભૂલ થઈ છે, તો ચેક તો કરવું જ જોઈએ

વધુમાં મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, સ્વચ્છતા માટે તો આપણે બધાએ પોતાના સંસ્કાર, પોતાના સ્વભાવમાં હવે લાવી દેવું પડે કે ભાઈ આપણે સ્વચ્છતા જાતે રાખીશું. પછી કોઈક બગાડશે તો એની ઉપર આપણે કામ કરીએ એ વ્યાજબી છે, પણ આપણે જ ક્યાંક બે જણે નાખેલું હોય એની ઉપર શરૂ કરી દઈએ તો પછી ત્યાં આગળ શરૂ જ થઈ જાય. એટલે આપણે આમાં કોઈને જોયા વગર જો કામ કરીએ તો જ આગળ વધી શકાય. બાકી તો અત્યારે રીલનો જમાનો છે! તમે ગમે તેટલું સારું કર્યા પછી એક જણને કંઈક તકલીફ પડી ગઈ તમારાથી, તો એ તમારી રીલ મૂકી જ દેશે! પણ હંમેશા પોઝિટિવ રહેવું જોઈએ. આપણને ક્યાંયથી પણ સમાચાર મળ્યા કે આપણાથી ક્યાંક ભૂલ થઈ છે, તો ચેક તો કરવું જ જોઈએ.

કોઈ ભાગીદાર ના હોય, એ તો આપણે જ ભોગવવું પડે

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તમે જેટલા પોઝિટિવ રહીને પ્રજાજનોના કામ કરતા રહેશો એટલો તમને પણ ડબલ આનંદ થશે. તમારા શનિ-રવિ બહાર જવાની જરૂર નહીં પડે, જો અઠવાડિયું તમે પ્રજાજનોના કામ કરતા રહ્યા તો શનિ-રવિ તમારા માટે એમનેમ આનંદ ઉભરાતો રહેશે, એ વાત 100 ટકા છે. પછી સરકારી નોકરીમાં આવ્યા પહેલા લોકોના મગજમાં ભરેલું હોય કે સરકારી નોકરી છે અને મજા પડી જવાની છે ને! એટલે તમારે તમારું નક્કી કરવાનું છે અને બધાએ પોતપોતાનું ભોગવવાનું છે એ પણ નક્કી જ છે, એટલું સમજીને ચાલજો. આપણે બધાએ ધ્યાન રાખવાનું કે ભાઈ ઘર-બાર છે પણ કોઈ ભાગીદાર ના હોય, એ તો આપણે જ ભોગવવું પડે. ખૂબ સારી રીતે અત્યારે ટેકનોલોજીનો ઉપયોગ પણ તમે કરી રહ્યા છો, એનો લાભ પણ પ્રજાજનોને તમારા થકી મળશે. ખૂબ સારી રીતે આજે જેમને જેમને નોકરીમાં નિમણૂક પત્રો મળવાના છે એ બધાને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન.