Flower Show 2026 Ahmedabad: અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજે 1 જાન્યુઆરી 2026થી 14મા આંતરરાષ્ટ્રીય ફ્લાવર શોનો ભવ્ય પ્રારંભ થઈ રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન થનારો આ મહોત્સવ 'ભારત એક ગાથા' થીમ પર આધારિત છે, જે દેશની પ્રાચીન સંસ્કૃતિથી લઈને આધુનિક પ્રગતિ સુધીની સફરને ફૂલોના માધ્યમથી રજૂ કરશે. આ શો 22 જાન્યુઆરી સુધી મુલાકાતીઓ માટે ખુલ્લો રહેશે.
આ ફ્લાવર શોનું મુખ્ય આકર્ષણ ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ માટે તૈયાર કરાયેલું 30 મીટર વ્યાસનું ભવ્ય ફૂલ મંડળ અને રાષ્ટ્રીય એકતાના પ્રતીક સમા સરદાર વલ્લભભાઈ પટેલનું વિશ્વનું સૌથી મોટું ફ્લાવર પોટ્રેટ રહેશે. 'સ્ત્રી સશક્તિકરણ'ની થીમ પર તૈયાર કરાયેલી વિશેષ ફૂલ-પ્રતિમાનું અનાવરણ પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યુ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત આ કાર્યક્રમ સાબરમતી રિવરફ્રન્ટના ફ્લાવર ગાર્ડન અને ઇવેન્ટ સેન્ટર, પાલડી ખાતે યોજાશે.
LIVE: સાબરમતી રીવરફ્રન્ટ ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ 2026નું ઉદ્ઘાટન. https://t.co/pviZdcLVgN
— CMO Gujarat (@CMOGuj) January 1, 2026
મુલાકાતીઓ આ શોમાં 'એકતામાં વિવિધતા'ની ભાવનાને નજીકથી અનુભવી શકશે. પ્રવેશદ્વાર પર ભારતની હિંમત અને ગૌરવ દર્શાવતા બે વિશાળ ફૂલ-સિંહ મુલાકાતીઓને આવકારશે. આ ઉપરાંત, રાષ્ટ્રીય ગૌરવને ઉજાગર કરતું કમળનું ફાઉન્ટેન પણ ધ્યાન ખેંચશે.
વિવિધ થીમ આધારિત ઝોન
- ઉત્સવોનો ઉલ્લાસ: દિવાળી, હોળી, ઓણમ અને બિહુ જેવા ભારતના વિવિધ તહેવારોને ફૂલોની કલાત્મકતાથી જીવંત કરવામાં આવ્યા છે.
- શાશ્વત ભારત: સમુદ્ર મંથન, ગીતા સાર, ગોવર્ધન લીલા, ગંગા અવતરણ અને રામ સેતુ જેવા પૌરાણિક પ્રસંગોને ફૂલ-શિલ્પો દ્વારા દર્શાવવામાં આવ્યા છે.
- નૃત્ય પરંપરા: કુચિપુડી, ભાંગડા, ગરબા અને કથકલી જેવા શાસ્ત્રીય અને લોકનૃત્યોની સુંદરતા ભગવાન નટરાજના ભવ્ય પ્રતિનિધિત્વ સાથે પ્રસ્તુત કરાઈ છે.
- ભારતની સિદ્ધિઓ: હાઈ-સ્પીડ રેલ, નવીનીકરણીય ઊર્જા, રમતગમત, અંતરિક્ષ ટેકનોલોજી અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં ભારતે મેળવેલી પ્રગતિને ફૂલો દ્વારા દર્શાવવામાં આવી છે.
- બાળકોનું ભારત: બાળકો માટે કાર્ટૂન પાત્રો અને મનોરંજનથી ભરપૂર એક રંગીન ઝોન તૈયાર કરાયો છે, જે તેમની કલ્પનાશક્તિને પ્રોત્સાહન આપશે.

આ શોમાં 10,524 ચોરસ મીટર વિસ્તારમાં સિઝનલ પ્લાન્ટ્સની જાળવણી માટે સ્પ્રિન્ક્લિંગ ઇરિગેશન નેટવર્ક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બેંક ઑફ બરોડા, અરવિંદ સ્માર્ટ સ્પેસ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને અદાણી એન્ટરપ્રાઈઝ જેવા ઔદ્યોગિક ગૃહો દ્વારા વિવિધ ઝોનને સ્પોન્સર કરવામાં આવ્યા છે.
ફ્લાવર શોમાં કેટલો ટિકિટનો દર
- પ્રવેશ ફી: સોમવારથી શુક્રવાર સુધી 12 વર્ષથી ઉપરના મુલાકાતીઓ માટે રૂ. 80, જ્યારે શનિવાર, રવિવાર અને જાહેર રજાના દિવસે રૂ. 100 રહેશે.
- નિઃશુલ્ક પ્રવેશ: દિવ્યાંગો, સૈનિકો, 12 વર્ષથી નાના બાળકો અને અ.મ્યુ.કો. હસ્તકની શાળાના બાળકો માટે તમામ દિવસોએ પ્રવેશ નિઃશુલ્ક છે.
- શાળાના બાળકો: AMC સિવાયની શાળાના બાળકો માટે સોમવારથી શુક્રવાર સવારે 9 થી 1 વાગ્યા સુધી રૂ. 10 રહેશે.
- પ્રાઈમ ટાઈમ સ્લોટ: સવારે 8 થી 9 અને રાત્રે 10 થી 11 વાગ્યા દરમિયાનની ટિકિટ રૂ. 500 રહેશે.

કેવી રીતે મેળવશો ફ્લાવર શોની ટિકિટ
મુલાકાતીઓ ઑનલાઇન અને ઑફલાઇન બંને માધ્યમથી ટિકિટ મેળવી શકશે. ઑનલાઇન ટિકિટ માટે AMC દ્વારા QR કોડ જાહેર કરાયો છે, જેને સ્કેન કરીને વિગતો ભરી અને પેમેન્ટ કર્યા બાદ ટિકિટ મેળવી શકાશે. ઑફલાઇન ટિકિટ માટે સાબરમતી રિવરફ્રન્ટ પરની સામેના ભાગે ખુલ્લા પ્લોટમાં ટિકિટ બારીઓ ઉપલબ્ધ છે. નોંધનીય છે કે ટિકિટ નોન-રિફંડેબલ રહેશે.

ફ્લાવર શોમાં પાર્કિંગનો કેટલો છે ચાર્જ
મુલાકાતીઓની સુવિધા માટે ચાર પ્રવેશદ્વાર રાખવામાં આવ્યા છે: એલિસ બ્રિજ પાસે ફ્લાવર પાર્ક ગેટ નંબર 1, મલ્ટી લેવલ કાર પાર્કિંગ ફૂટ ઓવર બ્રિજ, સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર અને અટલ બ્રિજના પૂર્વ છેડા તરફથી. વાહન પાર્કિંગ માટે રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર સામેના બે પાર્કિંગ પ્લોટ, મલ્ટી લેવલ પાર્કિંગ, નેહરુ બ્રિજ અને એલિસ બ્રિજ વચ્ચેનો ખુલ્લો પ્લોટ અને સાબરમતી રિવરફ્રન્ટ હાઉસ પાસેના ખુલ્લા પ્લોટની સુવિધા ઉપલબ્ધ છે.
પાર્કિંગ માટે નીચે મુજબના દર ચૂકવવા પડશે
- પ્રથમ 2 કલાક: ટુ-વ્હીલર રૂ. 10, ફોર-વ્હીલર રૂ. 20.
- 2 થી 4 કલાક: ટુ-વ્હીલર રૂ. 20, ફોર-વ્હીલર રૂ. 40.
- 4 કલાકથી વધુ: ટુ-વ્હીલર રૂ. 30, ફોર-વ્હીલર રૂ. 50.
