Gujarat bomb Threat: ગુજરાતમાં ફરી એકવાર જાહેર અને ધાર્મિક સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. અમદાવાદ શહેરમાં ભાજપ સેન્ટ્રલ કાર્યાલય ગુજરાતના સોમનાથ મંદિર તેમજ કોબા કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા હડકંપ મચી જવા પામ્યો છે.
અજાણ્યા શખ્સે મોકલેલા ઈમેલમાં ભાજપ સેન્ટ્રલ ઓફિસ, સીએમ પટેલ, કોબા કાર્યાલય અને સોમનાથ મંદિરનો ઉલ્લેખ કર્યો છે.
ઈમેલ મોકલીને ધમકી આપી
અજાણ્યા શખ્સે ઈમેલ મોકલીને ગુજરાતના સોમનાથ મંદિર તેમજ વિવિધ સ્થળોએ બોમ્બ લગાવ્યા હોવાનો દાવો કર્યો છે, તેમજ ઇમેલમાં દેશવિરોધી અને વિવાદસ્પદ લખાણ લખ્યું છે, પાકિસ્તાન સમર્થિત નારાઓ લગાવીને લોકોમાં ભય ફેલાવવાનો આરોપીએ પ્રયાસ કર્યો છે.
ભાજપ કાર્યાલયમાં સઘન તપાસ
બોમ્બની ધમકીભર્યો મેઇલ મળતાની સાથે જ અમદાવાદ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ હતી, શહેરના ખાનપુર વિસ્તારમાં ભાજપ કાર્યાલય ખાતે પોલીસ, ફાયર અને ડોગ સ્કવોડનો કાફલો પહોંચી ગયો હતો. તેમજ ડોગ સ્કવોર્ડની મદદ વડે કાર્યાલયના ખૂણે ખૂણે તપાસ કરાઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને મેયર હિતેશ બારોટ સહિતના પદાધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા.
કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળી
અમદાવાદ પોલીસે સ્થળ પર સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. તેમજ ચેકિંગ દરમિયાન કોઈ શંકાસ્પત વસ્તુ મળી ન આવતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો. હાલમાં રાજ્યની તમામ સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર છે અને ઇમેઇલ મોકલનાર અજાણ્યા શખ્સનું લોકેશન ટ્રેસ કરવા માટે સાયબર ક્રાઇમ બ્રાન્ચે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
