Ahmedabad News: ભાજપ દ્વારા આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી 2026ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આજે 22 નવેમ્બરના રોજ સાંજે 4 વાગ્યે 182 વિધાનસભા બેઠકો પર એક સાથે નૂત્તન વર્ષ સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્નેહમિલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાશે અને કાર્યકર્તાઓને સંબોધન કરશે. સ્નેહ મિલનની શરૂઆતમાં પીએમ મોદીને 25 વર્ષના જાહેર જીવનને દર્શાવતી એક ટૂંકી ફિલ્મ દર્શાવવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું ગુજરાતના મંત્રીઓ અલગ-અલગ વિધાનસભામાં 72 કલાક રોકાશે.
આ પણ વાંચો
કાર્યકર્તાઓનો આટલો સહકાર ન મળ્યો હોત તો ગુજરાતની આટલી સેવા ન કરી શક્યા હોત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આજે મને પણ સ્નેહમિલનમાં સૌની સાથે જોડાવાનો અવસર મળ્યો છે. આ વર્ષની દિવાળી બીજા અર્થમાં પણ મહત્વની રહી છે. મને જનસેવા કરવાના 25 વર્ષ ઓક્ટોબર મહિનામાં પૂર્ણ થયા છે. જો કાર્યકર્તાઓનો આટલો સહકાર ન મળ્યો હોત તો ગુજરાતની આટલી સેવા ન કરી શક્યા હોત. હું કાર્યકર્તાઓનો ઋણ સ્વિકાર કરું છું કારણ કે તેમના પરિશ્રમના કારણે ગુજરાતની, દેશની અને અનેક રાજ્યોની સેવા કરી શક્યા છીએ.
તહેવારોની સાચી ખુશી બીજાના જીવનમાં આશાનો દીપ જલાવવાનો
તેમણે વધુમાં કહ્યું કે, 2001માં ભૂકંપની વિનાશકારી ઘટના પછી મને ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકેની જવાબદારી મળી. ત્યારપછીની પહેલી દિવાળી હતી, મન માનતું ન હતું, અમે બધા મંત્રીઓએ નક્કી કર્યું હતું કે આ વખતે દિવાળી નહીં મનાવીએ અને દિવાળીએ ભૂકંપ પીડિત ગામોમાં જઇશું અને અસરગ્રસ્ત લોકોને મળ્યા. બધાના દુઃખમાં સહભાગી થવાનો પ્રયાસ કર્યો. એ સમયે મારો વિશ્વાસ ખૂબ મજબૂત થયો કે તહેવારોની સાચી ખુશી અને આનંદ બીજાના જીવનમાં આશાનો દિવડો પ્રજ્જવલિત કરીએ તેમાં હોય છે. આ ગુજરાતની મોટી તાકાત છે. આ જ તાકાતે આખા ગુજરાતને જાગૃત કર્યું અને ભીષણ ભૂકંપની ભયાવહતાને પાછળ રાખી.
મુખ્યમંત્રી સામાન્ય લોકોની સાથે રહીને સામાન્ય જીવન જીવે એ ભાજપમાં શક્ય
ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, ગુજરાતની 182 વિધાનસભા વિસ્તારમાં નુત્તન વર્ષ સ્નેહમિલન ઉજવાઇ રહ્યું છે. આ વર્ષ આપણા માટે એક વિશિષ્ઠ વર્ષ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જનસેવાના 25 વર્ષ પૂર્ણ થયા છે. વિપક્ષ કેટલાય સમયથી દેશમાં અરાજકતા ફેલાવવાનું કામ કરી રહ્યાં છે, પરંતુ દેશની જનતાને પીએમ મોદી પર વિશ્વાસ છે અને પ્રદેશ અધ્યક્ષ તરીકે મને દરેક બુથના કાર્યકર્તાઓ પર મને ભરોસો છે. કાર્યકર્તા સતત લોકોની વચ્ચે રહે છે. વિપક્ષના લોકો ચૂંટણી સમયે દેખાય છે પરંતુ ભાજપનો કાર્યકર્તા સતત લોકોની વચ્ચે રહે છે. એક મુખ્યમંત્રી અને રાજ્યપાલ સામાન્ય લોકોની વચ્ચે જાય અને સામાન્ય જીવન જીવે તેવું માત્ર ભાજપમાં જ શક્ય છે.
કાર્યકર્તાઓના દિલમાં હોદ્દો ન મળે ત્યાં ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કોઇ માન નથી
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અભિનંદન અને આભાર માનુ છું. એક એવા મુખ્યમંત્રી જેમણે 72 કલાક સુધી આદિવાસી વિસ્તારમાં રહીને ત્યાંના સામાન્ય નાગરિકો સાથે સીધો સંપર્ક અને તેમના મનની વાતો જાણવા અને સરકારી તંત્રના કામનો હિસાબ લેવા ત્રણ દિવસ સુધી તાલુકા સેન્ટરના ગામડાઓમાં રાત્રી રોકાણ કર્યું હતું. ભજનથી લઇને ભોજન સુધીનો તેમનો આ દિવસ અમને સૌને પ્રેરણા આપે છે. મુખ્યમંત્રીની સૂચનાથી આવાનાર દિવસોમાં 72 કલાક માટે અમે સૌ મંત્રીઓ અલગ-અલગ વિધાનસભામાં જવાના છીએ. આ જ આદિવાસી પરિવાર સાથે 72 કલાક વિતાવવાનો અમને અવસર પ્રાપ્ત થશે. મારા જેવા અનેક ધારાસભ્યો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સભ્યો, કોર્પોરેટર અહીં હાજર હશે. ચૂંટણીના હોદ્દા તો મળતા રહે, પરંતુ કાર્યકર્તાઓના દિલમાં હોદ્દો ન મળે ત્યાં ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કોઇ માન નથી. સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓને અનુરોધ છેકે કાર્યકર્તાઓ કોઇ કામ લઇને આવે તો કામ થાય તો પ્રયત્ન કરવો જોઇએ. જો કામ ન થાય તો તે કાર્યકર્તાના ખભે હાથ મુકીને તેની જોડે રહેશો તો તેમના દિલમાંથી કોઇ સ્થાન લઇ શકતું નથી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વર્ચ્યુઅલી સંબોધન કરશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રભારી તરુણ ચૂઘ, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર પણ વર્ચ્યુઅલ માધ્યમથી સંવાદ કરશે. આ નેતાઓ રાજ્યભરના ભાજપના પદાધિકારીઓ, કાર્યકરો અને શુભેચ્છકોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવશે. આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને સ્થાનિક સંગઠનના અગ્રણીઓ પોતપોતાના મતવિસ્તારમાં આયોજિત કાર્યક્રમોમાં ભાગ લેશે. ભાજપ દ્વારા આ માટે તમામ વિધાનસભા બેઠકો પર પૂર્વતૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
વડાપ્રધાનના 25 વર્ષના સેવાકાળની ઉજવણી
આ વર્ષનું સ્નેહમિલન ખાસ ગૌરવ સાથે ઉજવવામાં આવશે, કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જાહેર જીવનના સેવા, સમર્પણ અને સુશાસનના ૨૫ વર્ષ પૂર્ણ થયા છે. પક્ષ દ્વારા આ સિદ્ધિને ઉજવવાની સાથે વડાપ્રધાનના નેતૃત્વમાં દેશ અને રાજ્યમાં આવેલા પરિવર્તનને યાદ કરવામાં આવશે. આ પ્રસંગે સેવા અને રાષ્ટ્રનિર્માણના સંકલ્પને વધુ દૃઢ કરવા પર ભાર મૂકાશે. કાર્યક્રમમાં જનકલ્યાણકારી કાર્યો અને વિકાસના મુદાઓ દ્વારા રાષ્ટ્રનિર્માણના લક્ષ્યોની પણ સમીક્ષા કરવામાં આવશે.
