સાવલીના ખેડૂતોની વ્હારે MLA કેતન ઈનામદાર, કેનાલના પાણી અને વીજ પુરવઠા મુદ્દે CMને કરી લેખિત રજૂઆત

વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે ખેડૂતોના પ્રશ્ને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. સિંચાઈ સમયે કેનાલ રિપેરિંગ બંધ કરવા અને ખેતીવાડી માટે 10 થી 12 કલાક નિયમિત વીજળી આપવા ઉગ્ર માંગ કરાઈ છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 18 Nov 2026 02:24 PM (IST)Updated: Wed, 18 Nov 2026 02:24 PM (IST)
ketan-inamdar-letter-cm-farmers-irrigation-water-electricity

Vadodara News: વડોદરા જિલ્લાના સાવલી મતવિસ્તારના ખેડૂતોની મુશ્કેલીઓ અને રજૂઆતોને ધ્યાને રાખીને સ્થાનિક ધારાસભ્ય કેતન ઈનામદારે સિંચાઈ અને વીજળીના પ્રશ્ને આક્રમક રૂખ અપનાવ્યો છે. ખેડૂતોને પડતી હાલાકી સંદર્ભે ધારાસભ્યએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિત પત્ર પાઠવીને તાત્કાલિક અને અસરકારક પગલાં ભરવા માટે ઉગ્ર માંગ કરી છે.

CMને પાઠવેલા પત્રમાં શું લખ્યું?

પત્રમાં જણાવ્યા અનુસાર, સિંચાઈની સૌથી વધુ જરૂરિયાત હોય તેવા નિર્ણાયક સમયે જ કેનાલની સફાઈ અને સમારકામની કામગીરી હાથ ધરવામાં આવતી હોવાથી ખેડૂતોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ધારાસભ્યએ માંગ કરી છે કે કેનાલની સફાઈ અને રિપેરિંગના કામો સિંચાઈની મોસમ શરૂ થાય તે પહેલાં અથવા પાકની મુખ્ય જરૂરિયાત પૂરી થયા પછી જ કરવામાં આવે.

જો અનિવાર્ય સંજોગોમાં કેનાલ બંધ રાખવાની ફરજ પડે, તો ખેડૂતોને અગાઉથી લેખિતમાં જાણ કરવામાં આવે અને વૈકલ્પિક પાણીની યોગ્ય વ્યવસ્થા સાથે સમયપત્રક ફાળવવામાં આવે. આ ઉપરાંત, પાણીના અભાવે જે વિસ્તારોમાં પાકને નુકસાન થયું છે ત્યાં સ્થળ તપાસ કરીને નિયમઅનુસાર ખેડૂતોને યોગ્ય સહાય કે આર્થિક રાહત આપવા પણ વિશેષ રજૂઆત કરાઈ છે.

10 થી 12 કલાક નિયમિત વીજળી આપવા માંગ

સિંચાઈની સમસ્યાની સાથોસાથ ધારાસભ્ય કેતન ઈનામદારે વીજ પુરવઠાના પ્રશ્ને પણ સરકારનું ધ્યાન દોર્યું છે. હાલમાં વરસાદે વિરામ લીધો છે, ત્યારે ખેડૂતોને પાકની માવજત કરવા, દવાઓનો છંટકાવ કરવા અને સમયસર સિંચાઈ માટે વીજળીની તાત્કાલિક જરૂરિયાત રહે છે. સરકાર દ્વારા ખેતીવાડી માટે 10 કલાક વીજળી આપવાની જાહેરાત કરવામાં આવી હોવા છતાં, હજુ સુધી સત્તાવાર પરિપત્ર બહાર ન પડવાને કારણે ખેડૂતો આ લાભથી વંચિત છે.

ધારાસભ્યએ મુખ્યમંત્રી સમક્ષ માંગ કરી

સ્થિતિ એવી છે કે, ખેડૂતોને 10 કલાક તો દૂરની વાત છે, પરંતુ હાલ 8 કલાક પણ નિયમિત વીજળી મળતી નથી. આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને ધારાસભ્યએ મુખ્યમંત્રી સમક્ષ માંગ કરી છે કે જાહેરાત મુજબના 10 કલાક વીજળી આપવાના નિર્ણયનો તાત્કાલિક અમલ કરતો પરિપત્ર બહાર પાડવામાં આવે. એટલું જ નહીં, ખેડૂતોના વ્યાપક હિતમાં શક્ય હોય તો 10 કલાકને બદલે 12 કલાક નિયમિત વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે અને આ અંગે સંબંધિત વીજ કંપનીઓ તેમજ અધિકારીઓને કડક સૂચનાઓ અપાય તેવી પ્રબળ માંગ કરાઈ છે.