GSRTC Volvo Bus Ahmedabad to Somnath: પવિત્ર શ્રાવણ મહિનામાં સોમનાથ જ્યોતિર્લિંગના દર્શન માટે જતા ભક્તો માટે ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા રોજિંદી વોલ્વો બસ સેવા રાણીપ, અમદાવાદથી શરૂ કરવામાં આવશે. શ્રાવણમાં પહેલીવાર સોમનાથ ખાતે વંદે સોમનાથ નામે આધ્યાત્મિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ પેકેજમાં બે દિવસ અને એક રાત્રિનો પ્રવાસ સામેલ છે.
ST વોલ્વો બસ સવારે 6 વાગે રાણીપથી રવાના થશે અને સાંજે લગભગ 4 વાગ્યે સોમનાથ પહોંચશે. બીજા દિવસે સવારે 9:30 વાગે બસ સોમનાથથી પાછી રવાના થઈને રાત્રે 10:30 વાગે રાણીપ, અમદાવાદ પરત પહોંચશે. આની માહિતી ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા જાહેર કરાઈ છે. ગુજરાતમાં ધાર્મિક પ્રવાસનને વધુ પ્રોત્સાહન અને વેગ કેવી રીતે મળે તે કેટલીક વખતથી પ્રવાસન વિભાગ દ્વારા વિચારવિમર્શ અને ચર્ચા ચાલતી હતી. વિવિધ સ્ત્રોતોથી સૂચનો અને ભલામણો પ્રાપ્ત કર્યા બાદ આ યોજના તૈયાર કરવામાં આવી છે.
પેકેજનું ભાડું અને સુવિધા
આ પ્રવાસ પેકેજમાં યાત્રીએ દરેક દીઠ આવાગમન માટે રૂપિયા 4,000 ચૂકવવાના રહેશે, જ્યારે બે વ્યક્તિ માટે કુલ ભાડું રૂપિયા 7,050 નક્કી કરાયું છે. આ ભાડામાં નાસ્તો, બે વખતનું ભોજન, હોટેલમાં એક રાત્રિનું રોકાણ અને માર્ગદર્શન માટે ગાઇડની સુવિધાનો સમાવેશ થાય છે. પેકેજ અંતર્ગત સોમનાથ ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શો, ત્રિવેણી સંગમમાં આરતી, ભાલકા તીર્થ, રામ મંદિર અને ગીતા મંદિરની મુલાકાત પણ આપવામાં આવશે.