GSRTC Bus Route: ઉનાળુ વેકેશનના ગાળામાં મુસાફરો અને ખાસ કરીને ધાર્મિક પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. એસટી નિગમના હિંમતનગર ડિવિઝન દ્વારા મુસાફરોની સુવિધા માટે ત્રણ નવા લાંબા અંતરના બસ રૂટની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સૌથી મુખ્ય આકર્ષણ રાજસ્થાન સ્થિત પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ સાંવરિયા શેઠ (Sanwaliya Seth) માટે શરૂ કરાયેલી નવી બસ સેવા છે.
વેકેશન સ્પેશિયલ તરીકે શરૂ થઈ સેવા
હિંમતનગર એસટી ડેપો દ્વારા હિંમતનગરથી અમદાવાદ થઈને રાજસ્થાનના સાંવરિયા શેઠ સુધીની બે સ્પેશિયલ બસો દોડાવવાનું શરૂ કરાયું છે. હિંમતનગર ડેપો મેનેજર એચ. આર. પટેલના જણાવ્યા અનુસાર, ઉનાળાની રજાઓમાં યાત્રાળુઓને સરળતાથી પરિવહન વ્યવસ્થા મળી રહે તે હેતુથી આ વેકેશન સ્પેશિયલ સેવા આગામી 30 જૂન, 2026 સુધી કાર્યરત રહેશે. જો આ રૂટ પર મુસાફરોનો સારો પ્રતિસાદ અને પૂરતો ટ્રાફિક મળશે, તો આગામી સમયમાં આ સેવાને કાયમી ધોરણે લંબાવવા અંગે પણ નિગમ દ્વારા વિચારણા કરવામાં આવશે.
જાણો બસનો રૂટ અને ટાઈમટેબલ
જતી વખતે: આ બસ સવારે 08:37 વાગ્યે હિંમતનગરથી ઉપડશે અને સવારે 10:30 વાગ્યે અમદાવાદ પહોંચશે. ત્યારબાદ અમદાવાદથી સવારે 11:00 વાગ્યે ઉપડીને સાંજે 07:00 વાગ્યે સાંવરિયા શેઠ પહોંચાડશે.
વળતી મુસાફરી: વળતા પ્રવાસમાં આ બસ સવારે 06:00 વાગ્યે સાંવરિયા શેઠથી ઉપડશે અને બપોરે 02:00 વાગ્યે અમદાવાદ આવી પહોંચશે, જ્યાંથી આગળ હિંમતનગર તરફ રવાના થશે.
અન્ય બે નવા રૂટની પણ શરૂઆત
હિંમતનગર ઉપરાંત ઈડર ડેપો દ્વારા પણ પ્રવાસીઓની સુવિધા અર્થે બે નવા રૂટ શરૂ કરવામાં આવ્યા છે, જેમાં અંબાજી-જૂનાગઢ અને ઈડર-બોડેલી રૂટનો સમાવેશ થાય છે.
નવા રૂટના પ્રારંભ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય રમણલાલ વોરા, પાલિકા પ્રમુખ અનસૂયાબેન પટેલ, ઉપપ્રમુખ વિનોદભાઈ પરમાર, જીનલભાઈ સાગર સહિતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ કાંતિ પટેલ, અશ્વિન પટેલ, રણવિજય સિંહ ચંપાવત, કુણાલ કન્સારા, પીકેશ શાહ, પિયુષ દવે તેમજ ભાજપના અન્ય આગેવાનો અને કાર્યકરોએ ઉપસ્થિત રહી લીલી ઝંડી આપી બસોને પ્રસ્થાન કરાવી હતી.
