GSEB Supplementary Examination Update: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષામાં નાપાસ થયેલા તેમજ પરિણામ સુધારવા માટેની પૂરક પરીક્ષાના ફોર્મ ભરવાની મુદત આજે પૂર્ણ થઈ છે. શિક્ષણ બોર્ડના અધિકારીઓ પાસેથી મળતી વિગતો મુજબ ધોરણ 10 અને 12ના મળી પૂરક પરીક્ષા માટે 1.95 લાખ કરતાં વધુ વિદ્યાર્થી નોંધાયા છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પૂરક પરીક્ષામાં વિદ્યાર્થીઓની સંખ્યામાં અંદાજે 29 હજાર જેટલો ઘટાડો નોંધાયો છે. ગત વર્ષે 2.26 લાખ કરતા વધુ વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા માટે નોંધાયા હતા.
ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા માટે ગત તારીખ 12મી મેથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરાઈ હતી જે 19મીએ પૂર્ણ થઈ હતી. પરંતુ મુદત વધારી 21 મે કરવામાં આવી હતી. આ દરમિયાન ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહમાં મળી 70 હજાર જેટલા ફોર્મ ભરાયાં છે. એવી જ રીતે ધોરણ 10ની પરીક્ષા માટે 13મીથી ફોર્મ ભરવાની શરૂ થયા હતા. જેની મુદત 20મીથી વધારી 22 મે કરવામાં આવી હતી. આ દરમિયાન સવા લાખ જેટલા ફોર્મ ભરાયાં હોવાની વિગતો જાણવા મળી છે.