Groundnut Oil Price: હાલ નવરાત્રિ અને દિવાળી જેવા તહેવાર આવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં સીંગતેલના ડબ્બાના ભાવમાં એકાએક વધારો થતાં ગૃહિણીઓ અને સામાન્ય જનતાનું બજેટ ખોરવાઈ ગયું છે. રાજ્યમાં ચાલુ ખરીફ સીઝન સહિત સતત ત્રીજા વર્ષે મગફળીનું ઉત્પાદન 50 લાખને પાર થયું છે, તેમ છતાં સ્થાનિક બજારોમાં સીંગતેલનો ડબ્બે ભાવ રુ.3 હજારને પાર નોંધાયો છે. જેની સીધી અસર લોકો પર પડી છે.
સિંગતેલના ડબ્બામાં ભાવ વધારો
દિવાળી અને નવરાત્રિ તહેવારોમાં ખેડૂતોને ખેત ઉત્પાદનનો વ્યાજબી અને પોષણક્ષણ ભાવ મળી રહે તેની સાથે લોકોને પણ પરવડે તેવા ભાવે ખાદ્યતેલ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં રાજ્ય સરકારે કોઈ નક્કર પગલાં લીધા નથી. આથી તેલ બજારોમાં છેલ્લા 4 દિવસમાં જ સિંગ તેલના ડબ્બાના ભાવમાં રુ.85નો ભાવ વધારો ઝીંકતા આજે પ્રતિ 15 કિલો ટીનના ભાવ રુ.2955-3005ની સપાટીએ પહોંચી ગયા હતા.
3 વર્ષની સપાટીએ સર્વાધિક ભાવ
રાજ્યમાં ગત વર્ષે 62 લાખ ટન મગફળીનું ઉત્પાદન હતું. પરંતુ ચાલુ વર્ષે રાજ્યના ઘણા વિસ્તારોમાં અપૂરતો વરસાદ થયો હત તેમ છતાં અંદાજે 50.33 લાખ ટન મગફલીનું ઉત્પાદન થયું. આ ઉત્પાદન ચાલુ વર્ષે 2022-23 અને 2023-24ના વર્ષ કરતા પાંચ લાખ ટન વધારે છે. પરંતુ તે વર્ષોમાં આટલા ભાવમાં વધારો થયો નહોતો. જોકે, રાજ્યમાં સીંગતેલના ભાવ વધારો 3 વર્ષની સપાટીએ પહોંચ્યું છે.
સિંગતેલના ભાવથી લોકોનું બજેટ ખોરવાયું
મગફળીનું ઉત્પાદન સમગ્ર દેશમાં છેલ્લા પાંચ વર્ષમાં 29 ટકા વધીને 130 લાખ ટને પહોંચી ગયું છે. જોકે, રાજ્યમાં ગયા વર્ષે મગફળીના ઉત્પાદનમાં 40 ટકા અને ચાલુ વર્ષે 10 ટકા વધારો થવાનો અંદાજ છે. સિંગતેલના ડબ્બે ભાવ વધી જવાથી દિવાળી અને નવરાત્રીના તહેવારોમાં સામાન્ય લોકોને આર્થિક રીતે માર પડવાનો છે. આ ભાવ વધારાનો બોજો તેમના ખિસ્સા પર પડશે.
