Gujarat Elections News: ગુજરાત રાજ્યમાં સ્થાનિક ચૂંટણીને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી અટકેલી પાલિકા અને પંચાયતની ચૂંટણીને લઈને મહત્વની માહિતી સામે આવી છે. રિપોર્ટ પ્રમાણે, આગામી બુધવારે અથવા તો ગુરૂવારના દિવસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઇ શકે છે. જ્યારે 13 અથવા 14 ફેબ્રુઆરીના રોજ મતદાન અને 16 ફેબ્રુઆરીના દિવસે પરિણામોની શક્યતા સેવાઇ રહી છે.
બજેટ પહેલા ચૂંટણી થઇ શકે છે
બુધવારે મળેલી કેબિનેટની બેઠક પછી રાજ્ય ચૂંટણી પંચ જાહેર કરી શકે છે. આ માટે મતદાન 13 કે 14 ફેબ્રુઆરીએ અને 16 ફેબ્રુઆરીએ મતગણતરી થઈ શકે છે. ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 19 ફેબ્રુઆરીએ શરૂ થવા જઇ રહ્યું છે, તે પહેલાં આ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરી લેવાય તેવી શક્યતા છે. આ માટેનું જાહેરનામું જાન્યુઆરી મહિનાના અંતિમ દિવસોમાં બહાર પડવાનું હોવાથી ફોર્મ ભરવાથી માંડીને મતદાન સુધીમાં ઉમેદવારોને પ્રચાર માટે દસેક દિવસ જેટલો સમય મળશે.
ગુજરાતમાં ચૂંટણી યોજાશે
મળતી માહિતી પ્રમાણે, આ ચૂંટણીમાં 27 ટકા ઓબીસી અનામતની જોગવાઇ લાગુ કરવાની હોવાથી ચૂંટણી લંબાઈ હતી. તે પછી નવેસરથી સીમાંકન અને રોસ્ટર અમલી કરવાનું હોવાથી મુદત વિત્યા બાદ પણ અઢી વર્ષથી આ ચૂંટણી ટાળતા વહીવટદાર શાસન લદાયું હતું. જો કે હવે ખેડા અને બનાસકાંઠા એમ બે જિલ્લા પંચાયત, 17 તાલુકા પંચાયત, 78 નગરપાલિકા બેઠક અને જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી ઉપરાંત કેટલીક પાલિકા અને પંચાયતની પેટા ચૂંટણી યોજાશે. આ અગાઉ બીજી જાન્યુઆરીએ પંચે ચૂંટણી હેઠળ જનારી બેઠકોની યાદી બહાર પાડી હતી. પંચાયતની ચૂંટણી માટે ચૂંટણી અધિકારી અને મદદનીશ અધિકારીની નિયુક્તિ કરાઈ છે.