Ahmedabad Airport Gold Smuggling: અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વધુ એકવાર સોનાની દાણચોરીનો પર્દાફાશ થયો છે. જેમાં શાહજહાંથી આવેલા મુસાફરની બેગમાં પેસ્ટ સ્વરૂપે સંતાડેલું સોનું મળી આવ્યું છે, જેની અંદાજિત કિંમત 72 લાખથી વધુ થવા જાય છે.
હકીકતમાં સોનાની દાણચોરી અટકાવવા માટે અમદાવાદ એરપોર્ટના કસ્ટમ વિભાગના એર ઈન્ટેલિજન્સ યુનિટ દ્વારા ખાડી દેશોમાંથી આવતી ફ્લાઈટ તેમજ શંકાસ્પદ પેસેન્જરો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. આ દરમિયાન શાહજહાથી આવેલી ફ્લાઈટમાંથી ઉતરેલા એક પેસેન્જરની હિલચાલ શંકાસ્પદ જણાતા તેના લગેજનું ચેકિંગ કરવામાં આવ્યું હતુ.
આ પણ વાંચો
જો કે એક્સ રે મશીનમાંથી લગેજને પસાર કરતા ટ્રોલી બેગના તળિયાના ભાગે શંકાસ્પદ વસ્તુ જોવા મળી હતી. જેથી તેના વિશે પૂછપરછ કરી, પરંતુ મુસાફર સંતોષજનક જવાબ નહતો આપી શક્યો. આખરે કસ્ટમ વિભાગે ચપ્પુ વડે ટ્રોલી બેગના તળિયાના ભાગે ચીરતા અંદર શિફ્તપૂર્વક 495.04 ગ્રામ સોનાની પેસ્ટ સંતાડેલી મળી આવી હતી, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 72.38 લાખ થવા જાય છે.
પ્રાથમિક તપાસમાં ઝડપાયેલા મુસાફરની ઓળખ મોઈન વોરા તરીકે થઈ છે, જે આણંદમાં કાપડનો વેપાર કરે છે. મોઈન પહેલીવાર જ શાહજહા ગયો હતો, જ્યાં તેના સાળાએ આ સોનું આપીને આણંદ પહોંચાડવાની સૂચના આપી હોવાનું માલૂમ પડ્યું છે. હાલ તો કસ્ટમ વિભાગે મુસાફરનો મોબાઈલ જપ્ત કરીને ડિજિટલ પુરાવા મેળવીને આ દાણચોરીમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલું છે, તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.
