Legal News: ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાના એક મામલે ગુજરાત હાઈકોર્ટે આણંદ જિલ્લાની સમરખા ગ્રામ પંચાયતને દંડ ફટકાર્યો છે. યોગ્ય કાનૂની પ્રક્રિયાનું પાલન કર્યા વિના જાહેર રસ્તા પરના ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા બદલ સમરખા ગ્રામ પંચાયત પાસેથી 1.20 લાખ રૂપિયાનો દંડ વસૂલી આ રકમ અસરગ્રસ્ત 6 ગ્રામજનોને ચૂકવવા ગુજરાત હાઈકોર્ટે આદેશ આપ્યો છે.
કેસની વિગત અનુસાર, સમરખા ગ્રામ પંચાયતે મે મહિનામાં પટેલ સમાજના 6 વ્યક્તિઓને નોટિસ પાઠવી જાહેર રસ્તા પર ઊભા કરવામાં આવેલા તેમના ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા માટે જણાવ્યું હતું. ત્યારબાદ 8 જૂનના રોજ પંચાયતે બીજી નોટિસ આપીને મિલકત માલિકોને જાણ કરી હતી કે 256 મીટર જમીનમાં ફેલાયેલા બાંધકામોને તોડી પાડવામાં આવી રહ્યા છે.
ગ્રામ પંચાયત દ્વારા બાંધકામો તોડી પાડવામાં આવ્યા બાદ 6 મિલકત માલિકોએ એડવોકેટ પ્રશાંત ચાવડા મારફતે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. અરજદારોએ અદાલતમાં દલીલ કરી કે, ગ્રામ પંચાયતે પંચાયત અધિનિયમની કલમ 105 અને કલમ 55(2) હેઠળ નિર્ધારિત કાયદાકીય પ્રક્રિયાનું પાલન નથી કર્યું, અને તેમને ડિમોલિશનનો આદેશ ક્યારેય બજાવવામાં આવ્યો નહોતો.
વધુમાં, તેમણે રજૂ કરેલા વાંધાઓને ધ્યાનમાં લીધા વિના જ આ આદેશ પસાર કરી દેવામાં આવ્યો હતો. સુનાવણી દરમિયાન પંચાયતે દાવો કર્યો કે તેમણે 1 જૂનના રોજ ઠરાવ પસાર કર્યો હતો અને 22 જૂને અરજદારોને બજાવ્યો, પરંતુ અરજદારોને આ આદેશ સામે અપીલ કરવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો નહોતો.
પંચાયતે ડિસ્ટ્રિક્ટ ઈન્સ્પેકટર ઓફ લેન્ડ રેકોર્ડ્સના અહેવાલ પર આધાર રાખીને દર્શાવ્યું હતું કે આ મિલકતો જાહેર રસ્તા પર જ આવેલી હતી. ગુજરાત હાઈકોર્ટે મિલકતો પંચાયતની જમીન પર હોવાથી બાંધકામ દૂર કરવાની અરજદારોની ફરિયાદ ફગાવી દીધી, પરંતુ કાયદાની યોગ્ય પ્રક્રિયાનું પાલન ન કરવા બદલ ગ્રામ પંચાયત પર 1.20 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો, જે દરેક અરજદારને ચૂકવવાનો રહેશે.
આ ઉપરાંત, ગુજરાત હાઈકોર્ટે આણંદના જિલ્લા વિકાસ અધિકારી (DDO) ને ગ્રામ પંચાયત તરફથી થયેલ પ્રક્રિયાગત ક્ષતિઓ અંગે તપાસ કરવા અને પરિણામોના આધારે જવાબદારો સામે કાયદાકીય કાર્યવાહી કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. જેમાં ડિમોલિશન પહેલાં પંચાયતે 1 જૂન 2026 ના રોજ ખરેખર ઠરાવ પસાર કર્યો હતો કે પછી તે પાછળથી વિચારેલી તારીખનો હતો, અને તેના આધારે જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો.
