Rahul Gandhi Foreign Toolkit: કોંગ્રેસ દ્વારા દેશની સંવિધાનિક સંસ્થાઓ તથા ચૂંટણી પંચ સામે ભ્રામક પ્રચાર કરી જનતામાં અવિશ્વાસ ફેલાવવાના પ્રયાસો કરી રહી છે, ત્યારે ભાજપ દ્વારા જનતાને ભ્રામક પ્રચારથી સાવચેત કરવા જનજાગૃતિના હેતુથી તેમજ કોંગ્રેસના આ હલકી કક્ષાના કૃત્યનો વિરોધ કરવા ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો અભિયાન-2026’ હાથ ધરવામાં આવ્યું છે.
‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો અભિયાન-2026’ અંતર્ગત આજે 27 ઓક્ટોબર, મંગળવારે રાજકોટ ખાતે ભાજપા પ્રદેશ પ્રભારી તરુણ ચુઘ તથા ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિમાં વિશાળ પદયાત્રા યોજાઈ હતી. પદયાત્રાનું પ્રસ્થાન રાજકોટ બહુમાળી ભવન સ્થિત સરદાર પટેલની પ્રતિમા પાસેથી થયું હતું. જેમાં ‘ લોકતંત્રનો હુંકાર, અરાજકતાની હાર, કોંગ્રેસનો હાથ ઘુષણખોરોના સાથ‘, ‘લોકતંત્રનું અપમાન, નહિ સહે હિન્દુસ્તાન‘ સહિતના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો
રાહુલ ગાંધી અને ઇન્ડિ ગઠબંધન દેશના લોકતંત્રને નબળું પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે
ગુજરાત ભાજપાના પ્રદેશ પ્રભારી તરુણ ચુઘે પદયાત્રાના પ્રસ્થાન પૂર્વે તેમના સંબોધનમાં જણાવ્યું કે, દેશમાં જ્યારે પણ લોકતંત્ર ખતરામાં આવ્યું છે ત્યારે ભાજપાનો કાર્યકર્તા લોકતંત્રના પ્રહરી તરીકે રસ્તા પર ઉતર્યો છે. રાહુલ ગાંધીનાં દાદી ઇન્દિરા ગાંધીએ દેશમાં તાનાશાહી લાદીને ઇમરજન્સી લાગુ કરી, ત્યારે કાર્યકર્તાઓ દેશના લોકતંત્રને બચાવવા રસ્તા પર ઉતર્યા હતા અને જેલ ભરી દીધી હતી, પરંતુ દેશના લોકતંત્રને નબળું પડવા દીધું નહોતું. ઇન્દિરા ગાંધીનો તાનાશાહીનો વિચાર પણ કાર્યકર્તાઓના દિલમાંથી લોકતંત્રના પ્રહરી તરીકેની ભૂમિકા દૂર કરી શક્યો નહોતો.
આજે રાહુલ ગાંધી અને ઇન્ડિ ગઠબંધનના નેતાઓ દેશના લોકતંત્રને નબળું પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. લોકતંત્રને પડકારવામાં આવે છે, દેશના ન્યાયતંત્ર પર દબાણ લાવવાના પ્રયાસો કરવામાં આવે છે. દેશની સંવૈધાનિક વ્યવસ્થા પર દબાણ લાવવાના આવા પ્રયાસો સાંખી લેવામાં આવશે નહીં.
દેશના લોકતંત્રનો એક મહત્ત્વપૂર્ણ અંગ ચૂંટણી પંચ છે, જે ચૂંટણી પ્રક્રિયા અને મતદારોના અધિકારોની સુરક્ષામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. મતદાર યાદીની ખાસ સઘન સુધારણા પ્રક્રિયા (SIR) દરમિયાન ગેરલાયક નામો દૂર કરવાની પ્રક્રિયાને લઈને પણ કોંગ્રેસ દ્વારા રાજકીય વિવાદ ઊભો કરવામાં આવી રહ્યો છે. રાહુલ ગાંધી આ પ્રક્રિયા અંગે બેબુનિયાદ સવાલો ઉઠાવી રહ્યા છે.
દેશની જનતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અતૂટ વિશ્વાસ ધરાવે છે. કોંગ્રેસ થોડા લોકોની ભીડ દિલ્હીમાં લઈ જઈને દેશને ડરાવવા અને લોકતંત્રને દબાવવાનો પ્રયાસ કરો છે, પરંતુ ભારતનું લોકતંત્ર મજબૂત છે. તે ડરશે નહીં અને નમશે નહીં.
દેશમાં જ્યારે પણ લોકતંત્ર ખતરામાં આવ્યું છે, ત્યારે ભાજપ કાર્યકર્તા લોકતંત્રના પ્રહરી તરીકે રસ્તા પર ઉતર્યો છે
કોંગ્રેસ પર રાજકીય કટાક્ષ કરતાં તરુણ ચુઘે જણાવ્યું કે, કોંગ્રેસ ક્યારેક કહે છે કે SIRના કારણે ચૂંટણીમાં હાર થઈ, તો ક્યારેક EVMના કારણે હાર થઈ. પરંતુ જ્યારે કેરળ અને તમિલનાડુમાં કોંગ્રેસ કે તેના સાથી પક્ષોને જીત મળે છે, ત્યારે શું SIR અને ચૂંટણી પંચ બરાબર હોય છે? અને જ્યારે દેશની જનતા તેમને હરાવે છે, ત્યારે એ જ વ્યવસ્થા ખોટી કેવી રીતે થઈ જાય છે? કોંગ્રેસે પોતાની હાર માટે વારંવાર બહાનાં શોધવાને બદલે જનતાના નિર્ણયને સ્વીકારવો જોઈએ.
તેમણે કોંગ્રેસ પર વધુ પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, જે મુસ્લિમ લીગ દેશના વિભાજન સાથે સંકળાયેલી હતી, તેના પ્રભાવ હેઠળ રાહુલ ગાંધી કામ કરી રહ્યા છે. રાહુલ ગાંધી વિદેશી ટૂલકિટના ઇશારે ભારતને બદનામ કરવાનું કામ કરી રહ્યા છે. દેશની સંસ્થાઓ સામે પાયાવિહોણા આક્ષેપો કરી અવિશ્વાસ ઊભો કરવાના અને ભારતની લોકશાહી વ્યવસ્થાને નબળી પાડવાના આવા પ્રયાસોનો ભાજપા કાર્યકર્તાઓ સખત વિરોધ કરશે.
અંતમાં તરુણ ચુઘે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત કાર્યકર્તાઓને લોકતંત્રના પ્રહરી ગણાવતાં જણાવ્યું હતું કે, અહીં ઉપસ્થિત જનમેદની એ હૂંકાર ભરી રહી છે કે અરાજકતા ફેલાવીને ભારતને ડરાવવાનો પ્રયાસ ન કરો. આ ભારત નવું ભારત છે, આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વનું ભારત છે. ભારતનું લોકતંત્ર મજબૂત છે અને દેશની જનતા લોકશાહી મૂલ્યો, રાષ્ટ્રીય હિત તથા સંવિધાનિક સંસ્થાઓની ગરિમાની રક્ષા માટે અડીખમ ઊભી રહેશે.
