Gir Somnath: વાંસોજ ગામમાં શાક-રોટલો ખાધા પછી ફૂડ પોઈઝનિંગની આશંકા, 2 વર્ષની બાળકીનું મોત; માતા-પિતા ICUમાં સારવાર હેઠળ

ગીર સોમનાથના વાંસોજ ગામમાં શાક-રોટલો ખાધા બાદ ફૂડ પોઈઝનિંગની આશંકાથી એક 2 વર્ષની બાળકીનું મોત થયું છે. તેના માતા-પિતા હાલ ICUમાં સારવાર હેઠળ છે, અને ઘટનાનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ જાણી શકાશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 27 Oct 2026 10:01 PM (IST)Updated: Tue, 27 Oct 2026 10:01 PM (IST)
2-icu

Gir Somnath: ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વાંસોજ ગામમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં શાક અને રોટલો ખાધા પછી કામળીયા પરિવારના ત્રણ સભ્યોની તબિયત લથડી હતી. જે પૈકી 2 વર્ષની બાળકીનું મોત નીપજ્યું છે, જ્યારે તેના માતા-પિતા હોસ્પિટલના ICUમાં સારવાર હેઠળ છે.

બટાકાનું શાક-રોટલો ખાધા પછી ઊલટીઓ થવા લાગી

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, રાજેશભાઈ કામળીયા તેમના પત્ની સોનલ અને બે વર્ષની પુત્રી જીનલ સહિતના પરિવાર સાથે ઉના તાલુકાના વાંસોજ ગામમાં રહે છે. આજે રાતે પરિવારે ગુવાર-બટાકાના શાક અને રોટલો ખાધા હતી. જે બાદ ત્રણેયને પેટમાં દુખાવો, ઉબકા અને ઊલટીઓ થવા લાગી હતી. જેથી સૌ પ્રથમ તેમણે વાંસોજ ગામમાં પ્રાથમિક સારવાર લીધી હતી.

જો કે તેમની હાલત ગંભીર જણાતા 108 મારફતે ઉનાની ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ જીનલ કામળીયાને મૃત જાહેર કરી હતી. જ્યારે તેના માતા-પિતાને ICUમાં ખસેડવામાં આવ્યા છે.

હજુ સુધી કામળીયા પરિવારના સભ્યોની તબિયત લથડવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. જો કે પ્રાથમિક તપાસમાં તબીબો દ્વારા ફૂડ પોઈઝનિંગની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ તો બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવ્યો છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ સાચું કારણ સામે આવી શકશે.