Gujarat Local Body Polls 2026: અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં આજે વહેલી સવારથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. વહેલી સવારે મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જો કે જેમ-જેમ દિવસ વીતતો ગયો અને ગરમી જોર પકડતી ગઈ તેમ-તેમ અનેક મતદાન મથકો ખાલી જોવા મળ્યા હતા. આજે બપોરે 3 વાગ્યા સુધી અમદાવાદ મહાનગર પાલિકામાં માત્ર 38.16 ટકા જ મતદાન નોંધાયું છે.
ખાસ વાત એ છે કે, આ વખતની ચૂંટણીમાં રાજકીય પાર્ટીઓ દ્વારા લોકસાહિત્ય, ગીત-સંગીત અને મનોરંજન જગત સાથે સંકળાયેલ હસ્તીઓને મેદાનમાં ઉતારવામાં આવી છે. જેના પગલે આ ક્ષેત્રો સાથે સંકળાયેલી હસ્તીઓ પણ રંગેચંગે મતદાન કરવા પહોંચી રહી છે.
રાજલ બારોટે મતદાન કરીને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો
જાણીતી લોકગાયિકા રાજલ બારોટને ભાજપ દ્વારા ઉના નગરપાલિકાના વોર્ડ નંબર 7માંથી ટિકિટ આપવામાં આવી છે, ત્યારે આજે રાજલ બારોટે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન બાદ રાજલ બારોટે પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કરતાં જણાવ્યું કે, આ એક વૉટ નથી, પરંતુ લોકશાહીને મજબૂત કરવાનું માધ્યમ છે.
માયાભાઈ આહીરના દીકરીએ ચાવંડ ખાતે મતદાન કર્યું
ગુજરાતના લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના દીકરી સોનલ ડેરને પણ ભાજપ દ્વારા ચાવંડ તાલુકા પંચાયત બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આજે સોનલ ડેરે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરી હતી.
આ સાથે જે તેમણે જણાવ્યું કે, છેલ્લા 25 વર્ષથી અમારી પેઢી રાજકારણમાં છે. અત્યાર સુધી જે રીતે અમે જીતતા આવ્યા છીએ. લોકોના દિલમાં અમારી જે જગ્યા છે, એ જોઈને મને 100 ટકા વિશ્વાસ છે કે, અમારી જીત થશે.
સોશિયલ મીડિયા સ્ટાર અંકિતા પરમારની યુવા મતદારોને ખાસ અપીલ
વડોદરા જિલ્લા પંચાયતની પોર બેઠક પર ભાજપ દ્વારા સોશિયલ મીડિયા સ્ટાર અંકિતા પરમારને ટિકિટ આપવામાં આવી છે. આજે અંકિતા પરમાર પોતાના પતિ સાથે મતદાન કરવા પોલિંગ બૂથ પર પહોંચી હતી. લોકશાહીના આ પર્વમાં ભાગ લીધા બાદ તેણે આંગળી પરનું શ્યાહીનું નિશાન સોશિયલ મીડિયા પર શેર કરતા જ ગણતરીની મિનિટોમાં હજારો લાઈક્સ અને કોમેન્ટ્સનો વરસાદ થયો હતો.
મતદાન કર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં અંકિતા પરમારે જણાવ્યું હતું કે, રાજકારણ હોય કે સોશિયલ મીડિયા, પરિવર્તન હંમેશા યુવાનોના હાથમાં હોય છે. મેં મારું કર્તવ્ય નિભાવ્યું છે, હવે તમારો વારો છે." તેણે ખાસ કરીને મહિલાઓ અને પ્રથમ વખત મતદાન કરતા યુવાનોને મોટી સંખ્યામાં બહાર આવીને 'વિકાસ' માટે વોટ કરવાની નમ્ર અપીલ કરી હતી.
મતદાન બાદ લોકગાયિકા નેહા સુથારે જીતની આશા વ્યક્ત કરી
મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકા પંચાયતની ફૂદેડા બેઠક પર ભાજપ દ્વારા ગુજરાતી સિંગર, મોડેલ અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર નેહા સુથારને ટિકિટ આપવામાં આવી છે. આજે નેહા સુથારે સરદારપુરા ગામના મતદાન મથક પર પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
મતદાન બાદ નેહા સુથારે જણાવ્યું કે, મતદાન કરવી મારી ફરજ છે, ત્યારે મારી સૌ કોઈને અપીલ છે કે, લોકશાહીના આ પર્વમાં સૌ કોઈ સહભાગી થઈને મતદાન અચૂક કરે.
રિવાબા જાડેજાને જામનગર મનપામાં ભાજપનું બોર્ડ બનવાનો વિશ્વાસ
આજે કેબિનેટ મંત્રી અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાએ પણ જામનગરના વોર્ડ નંબર 5માં મતદાન કર્યું હતુ. જ્યાં તેમણે લોકોને પણ મતદાન કરવા માટે અપીલ કરતા જણાવ્યું કે, લોકશાહીના પર્વમાં મેં મતદાન કરીને મારી ફરજ બજાવી છે, હવે તમારો વારો છે. લોકશાહી માટે આજનો દિવસ આપણા સૌ કોઈ માટે ખાસ છે, આથી વધુમાં વધુ મતદાન કરો. આ સાથે જ તેમણે જામનગર મનપામાં ફરીથી ભાજપનું શાસન આવશે, તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
સુરેન્દ્રનગર જિલ્લાની મૂળી પંચાયત બેઠક પરથી ભાજપના ઉમેદવાર રાજુ કરપડાએ પણ આજે દૂધઈ સ્થિત મતદાન મથક પર મતદાન કર્યું હતુ. મતદાન કર્યાં બાદ રાજુ કરપડાએ જણાવ્યું કે, આજે વધુમાં વધુ મતદાન કરીને લોકશાહીના આ પર્વની ઉજવણી સૌ કોઈએ સાથે મળવીને કરવી જોઈએ.
વડોદરાના મહારાણી રાધિકારાજે ગાયકવાડે કર્યું મતદાન
વડોદરાની સાંસ્કૃતિક ઓળખ અને ગૌરવશાળી પરંપરાના પ્રતીક એવા રાજવી પરિવારના મહારાણી રાધિકારાજે ગાયકવાડે આજે લોકશાહીના મહાપર્વમાં ઉત્સાહભેર ભાગ લઈ અન્ય નાગરિકો માટે પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં મહારાણીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી નૈતિક ફરજ નિભાવી હતી.
મતદાન કર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં મહારાણી રાધિકારાજે ગાયકવાડે જણાવ્યું કે, વડોદરા માત્ર એક શહેર નથી, પણ એક ભવ્ય ઐતિહાસિક વિરાસત છે. આ વિરાસતને જાળવી રાખવી અને તેને આવનારી પેઢી સુધી સુરક્ષિત પહોંચાડવી એ આપણા સૌની નૈતિક જવાબદારી છે. મહારાણીએ શહેરના હેરિટેજ અને ગૌરવશાળી અસ્તિત્વને વધુ મજબૂત કરવાના આશયથી મતદાન કર્યું છે.
