ગુજરાત સ્થાનિક ચૂંટણીમાં લોકશાહીના અનોખા રંગઃ ક્યાંય વરરાજાની જાન રોકાઈ, તો ક્યાંક પીઠીના રંગે રંગાયેલી કન્યા મતદાન મથકે પહોંચી

લગ્નની શુભ ઘડીઓ નજીક હોવા છતાં જિગરભાઈએ જીદ પકડી કે તેઓ પહેલા વોટ આપશે અને પછી જ પરણવા જશે. સજીધજીને તૈયાર થયેલા જાનૈયાઓને લઈને તેઓ પહેલા મતદાન મથકે પહોંચ્યા હતા

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 26 Apr 2026 06:14 PM (IST)Updated: Sun, 26 Apr 2026 06:14 PM (IST)
brides-and-grooms-lead-by-example-in-gujarat-local-body-polls-2026
HIGHLIGHTS
  • ફતેગંજમાં પાર્થ સપ્તપદીના ફેરા બાદ મતદાન મથકે પહોંચ્યા, પરંતુ નામ ના હોવાથી વોટ ના આપી શક્યા

Gujarat Local Body Polls: કહેવાય છે કે લગ્ન એ જીવનનો સૌથી મોટો પ્રસંગ છે, પણ જ્યારે વાત દેશ પ્રત્યેની ફરજની આવે ત્યારે આજના જાગૃત નાગરિકો માટે ‘લગ્ન’ કરતા ‘લોકશાહી’ મોટી સાબિત થઈ છે. ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજ્યના વિવિધ ખૂણેથી એવા દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં લગ્નના મંડપ કરતા મતદાન મથકો પર વર-કન્યાની હાજરીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

સુરતમાં પહેલા મતદાન, પછી લગ્નની જાન

સુરતના સચિન પાસે આવેલા વાંઝ ગામના વરરાજા જિગરભાઈ વાંઝવાલાએ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. લગ્નની શુભ ઘડીઓ નજીક હોવા છતાં જિગરભાઈએ જીદ પકડી કે તેઓ પહેલા વોટ આપશે અને પછી જ પરણવા જશે.

સજીધજીને તૈયાર થયેલા જાનૈયાઓને લઈને તેઓ પહેલા મતદાન મથકે પહોંચ્યા હતા. જિગરભાઈના મતે, "નાગરિક ધર્મ પહેલા, બીજું બધું પછી." આ નિર્ણયથી સમગ્ર વાંઝ ગામમાં લોકશાહીનો ઉત્સાહ બેવડાયો હતો.

વડોદરામાં લગ્નના ફેરા બાદ સીધા મતદાન મથકે

વડોદરામાં જાગૃતિના બે વિભિન્ન કિસ્સાઓ જોવા મળ્યા. ફતેગંજ વિસ્તારમાં રહેતા પાર્થ આનંદરાવ હરાલે લગ્ન મંડપમાં સાત ફેરા પૂર્ણ કર્યા બાદ આશીર્વાદ લેવાને બદલે સીધા નવયુગ વિદ્યાલય ખાતે મતદાન કરવા પહોંચ્યા હતા. જો કે કમનસીબે મતદાર યાદીમાં નામ ન હોવાને કારણે તેઓ વોટ આપી શક્યા નહોતા, પણ તેમની નિષ્ઠાએ અનેક લોકોના દિલ જીતી લીધા હતા.

બીજી તરફ, પાદરાના તેજસ વાઘેલાએ જાન પ્રસ્થાન કરે તે પહેલાં મતદાન કરી "ફરજ પહેલા, ઉજવણી પછી"નો સંદેશ આપ્યો હતો. લગ્નના શાહી પોશાકમાં સજ્જ આ યુવાનોએ સાબિત કર્યું કે નવી પેઢી માટે મતાધિકારની કિંમત કેટલી અનન્ય છે.

વેલણપુર: પીઠીના રંગે રંગાયેલી કન્યાની અનોખી ફરજ

માત્ર વરરાજાઓ જ નહીં, પણ કન્યાઓએ પણ આ લોકશાહીના પર્વમાં સિંહફાળો આપ્યો છે. અંબિકા તાલુકાના વેલણપુર ગામમાં રહેતી સુહાનીબેન નટુભાઈ પટેલે પોતાના લગ્નના આગલા દિવસે, જ્યારે પીઠીની વિધિ ચાલી રહી હતી, ત્યારે મતદાન કરવાનું નક્કી કર્યું.

પીઠીના પોશાકમાં સજ્જ સુહાનીબેન જ્યારે મતદાન મથકે પહોંચ્યા ત્યારે ત્યાં હાજર સૌ કોઈએ તેમને તાળીઓથી વધાવી લીધા હતા. સોમવારે તેમના લગ્ન હોવા છતાં, રવિવારે તેમણે મતદાનને પ્રથમ સ્થાન આપ્યું હતું.