Ahmedabad: ગાંધીનગરના ક્લાસ-1 અધિકારી જીવનથી કંટાળી અમદાવાદમાં કરી આત્મહત્યા, સુસાઈડ નોટમાં દીકરા માટે લખી ખાસ વાત

વારંવાર ફોન કરવા છતાં કોઈ જવાબ ન મળતા ડ્રાઇવરે જોયું તો મનોજકુમારે પોતાના ડ્રોઈંગ રૂમમાં હિંચકાના લોખંડના કડા સાથે દોરી બાંધીને આત્મહત્યા કરી લીધી હતી.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Fri 05 Sep 2025 09:39 AM (IST)Updated: Fri 05 Sep 2025 09:39 AM (IST)
gandhinagar-class-1-officer-found-dead-in-ahmedabad-suicide-note-for-son-597653
HIGHLIGHTS
  • પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, મનોજકુમાર પૂજારાના પત્નીનું અવસાન થઈ ચૂક્યું હતું.
  • તેમનો પુત્ર અને પુત્રવધૂ મુંબઈમાં રહેતા હોવાથી છેલ્લા 11 વર્ષથી તેઓ એકાકી જીવન જીવી રહ્યા હતા.

Ahmedabad News: ગાંધીનગર જૂના સચિવાલયના લોકલ ઓડિટ વિભાગના ડાયરેક્ટર અને ક્લાસ-1 અધિકારી મનોજકુમાર પૂજારાએ વસ્ત્રાપુર સરકારી વસાહતના તેમના ફ્લેટમાં ગળાફાંસો ખાઈને જીવનનો અંત આણ્યો છે. ડ્રાઇવર રામાભાઈ ઠાકોર જ્યારે સવારે તેમને લેવા ઘરે પહોંચ્યા ત્યારે આ ઘટના પ્રકાશમાં આવી હતી. વારંવાર ફોન કરવા છતાં કોઈ જવાબ ન મળતા ડ્રાઇવરે જોયું તો મનોજકુમારે પોતાના ડ્રોઈંગ રૂમમાં હિંચકાના લોખંડના કડા સાથે દોરી બાંધીને આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે પોલીસને જાણ થતાં વસ્ત્રાપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, મનોજકુમાર પૂજારાના પત્નીનું અવસાન થઈ ચૂક્યું હતું. તેમનો પુત્ર અને પુત્રવધૂ મુંબઈમાં રહેતા હોવાથી છેલ્લા 11 વર્ષથી તેઓ એકાકી જીવન જીવી રહ્યા હતા. એવું માનવામાં આવે છે કે આ એકલતા અને એકાકી જીવનથી કંટાળીને તેમણે આ આત્યંતિક પગલું ભર્યું છે. આ ઉપરાંત, ડ્રાઇવરના જણાવ્યા મુજબ, મનોજકુમાર છેલ્લા છ મહિનાથી ગેસની તકલીફથી પણ પીડાઈ રહ્યા હતા અને તેમની સારવાર ચાલી રહી હતી. જોકે, પોલીસે આ અંગે ડોક્ટર પાસેથી વધુ માહિતી મેળવવાની તજવીજ હાથ ધરી છે.

સુસાઈડ નોટ અને અંતિમ ઇચ્છા

પોલીસને ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે, જેમાં મનોજકુમારે સ્પષ્ટ લખ્યું છે કે તેઓ પોતાની મરજીથી આત્મહત્યા કરી રહ્યા છે અને આ માટે કોઈને જવાબદાર ગણવા નહીં. તેમણે પોતાના પુત્ર અને પુત્રવધૂને સંબોધીને ઘરની કીમતી ચીજવસ્તુઓ અને લોકરની ચાવી લઈ લેવા જણાવ્યું છે. આ સાથે જ તેમણે LICની પોલિસીનો પણ ઉલ્લેખ કર્યો છે. આ સુસાઈડ નોટથી સ્પષ્ટ થાય છે કે મનોજકુમારે આ પગલું ભરતા પહેલા બધી વ્યવસ્થા કરી લીધી હતી. હાલ પોલીસ આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.