Ahmedabad Plane Crash: અમદાવાદ વિમાન દુર્ઘટનાની આજે પ્રથમ વરસી છે, ત્યારે આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર 260 લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. આ માટે સિવિલ હોસ્પિટલના પરિસરમાં આયોજિત પ્રાર્થનાસભામાં મૃતકોની યાદમાં 260 વૃક્ષો વાવવાની સાથે તેની કાળજી લેવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે.
સિવિલ હોસ્પિટલ સ્થિત બીજે મેડિકલ કોલેજના ઑડિટોરિયમમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ અંગે સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપરિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું કે, અમે 260 લોકોને શ્રદ્ધાંજલિ આપવાના ભાગરૂપે 260 વૃક્ષો વાવવાનો સંકલ્પ લીધો છે.
આ ગોઝારી દુર્ઘટનામાં બીજે મેડિકલ કૉલેજના 4 વિદ્યાર્થીઓ પણ મોતને ભેટ્યા હતા. જેમને શ્રદ્ધાંજલિ આપવા માટે બીજે મેડિકલ કોલેજમાં બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતુ.
પ્લેન ક્રેશ સાઈટ સ્થળે સુંદર કાંડ અને હનુમાન ચાલીસાના પાઠ
વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પુત્રી રાધિકા રુપાણીએ પણ વૃક્ષા રોપણ કરીને પિતા સહિત તમામ મૃતકોને શ્રદ્ધાંજલી આપી હતી. આ સિવાય દુર્ઘટનામાં મોતને ભેટેલા 14 વર્ષીય આકાશ પટણીના પરિવારે પણ સાંજના સમયે વિમાન દુર્ઘટના સ્થળે સુંદરકાંડ અને હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતુ. મૃતક આકાશ પોતાની માતાને ટિફિન આપવા માટે ગયો હતો, ત્યારે જ પ્લેન ક્રેશ થતાં તેનું મૃત્યુ થયુ હતુ.
આકાશની માતા સીતાબેને જણાવ્યું કે, મેં મારા દીકરાને બચાવવા માટે પ્રયત્ન કર્યો હતો, પરંતુ તે ગંભીર રીતે દાઝી ગયો હતો. આજે એક વર્ષ બાદ પણ અમારો પરિવાર તેની અણધારી વિદાયના આઘાતમાંથી બહાર નથી આવી રહ્યો.
એરપોર્ટ પરથી ટેક ઑફ થયાની ગણતરીની મિનિટોમાં પ્લેન આગના ગોળામાં ફેરવાયું
જણાવી દઈએ કે, ગત 12 જૂનના રોજ અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર AI-171 ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ટેક ઑફ થયાની ગણતરીની મિનિટોમાં જ બીજે મેડિકલ કૉલેજની હોસ્ટેલ બિલ્ડિંગ સાથે અથડાઈને આગના ગોળામાં ફેરવાઈ ગયું હતુ. આ દુર્ઘટનામાં પ્લેનમાં સવાર 241 લોકો ઉપરાંત ત્યાં ઉપસ્થિત 19 લોકો મળીને 260 લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે પ્લેનમાં સવાર એક મુસાફરનો ચમત્કારિક બચાવ થયો હતો.
