અમદાવાદની બેંકો સુધી પહોંચી ''ચિલ્ડ્રન બેંક''ની નોટ, RBI સહિત 17 બેંકમાંથી મળી રૂ. 5 લાખની ફેક કરન્સી

RBI સહિત શહેરની 17 જેટલી ખાનગી અને સરકારી બેંકોમાં રૂ. 5 લાખથી વધુની કિંમતની નકલી નોટો જમા થઈ હતી, જેની તપાસ અમદાવાદ SOG ક્રાઈમ બ્રાંચ કરી રહી છે.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Mon 29 Dec 2025 12:29 PM (IST)Updated: Mon 29 Dec 2025 12:33 PM (IST)
fake-currency-worth-over-rs-5-lakh-found-in-17-banks-in-ahmedabad-664021
HIGHLIGHTS
  • તપાસ અમદાવાદ SOG ક્રાઈમ બ્રાંચ કરી રહી છે
  • 17 બેંકમાંથી મળી રૂ. 5 લાખની ફેક કરન્સી

Ahmedabad Fake Currency Note: અમદાવાદની 17 જેટલી બેંકોમાં કોઈ ભેજાબાજોએ ભારતીય ચલણની નકલી નોટો (Fake Currency note) જમા કરાવી હોવાનો ઘટસ્ફોટ અમદાવાદ SOG ક્રાઈમ બ્રાંચે કર્યો છે. પોલીસ ટીમે આપેલી માહિતી અનુસાર રૂ. 5 લાખથી વધુની કિંમતની નકલી નોટો અમદાવાદની રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) સહિતની 17 જેટલી ખાનગી અને સરકારી બેંકમાં જમા થઈ છે.

બેંક સુધી પહોંચી ગઈ નકલી ચલણી નોટો

અમદાવાદ એસઓજી ક્રાઈમ બ્રાંચ (SOG Crime branch) ને માહિતી મળી હતી કે શહેરની વિવિધ બેંકોમાં ભારતીય ચલણની શંકાસ્પદ નોટો જમા થઈ છે. પંચોની હાજરીમાં પોલીસ ટીમે શંકાસ્પદ નોટોના સીલબંધ કવર ખોલવામાં આવતા બેંક સ્ટાફ અને પોલીસ ટીમો ચોંકી ઊઠી હતી. અસલ જેવી જ દેખાતી નકલી નોટો બેન્ક ટ્રાન્ઝેક્શન દરમિયાન સિસ્ટમમાં ઘૂસાડી દેવાઈ હતી. SOG ક્રાઈમ બ્રાંચની ટીમે આ અંગે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

રૂ. 5.33 લાખથી વધુની નકલી નોટો 

અમદાવાદ શહેરની રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) સહિતની 17 જેટલી ખાનગી અને સરકારી બેંકમાંથી આવી 1627 નકલી નોટો મળી આવી હતી, જેની બજાર કિંમત રૂપિયા 5,33,850 જેટલી થાય છે. જેમાં 500ના ચલણની 794 નોટ, 200 ના ચલણની 377 નોટ, 100 ના ચલણની 268 નોટ, 50 ના ચલણની 172 નોટ, 2000 ના ચલણની 13 નોટ તથા 20ની બે અને 10ની એક નોટ સામેલ છે.

ફાટેલી-ખરાબ અને ''ચિલ્ડ્રન બેંક''ની નોટ સામેલ

સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે, આ નકલી નોટોમાં 'ચિલ્ડ્રન બેંક' ની નોટો પણ સામેલ છે, જેનો ઉપયોગ બાળકો રમવા માટે કરતા હોય છે. આ ઉપરાંત કેટલીક નોટો હાઈ-ક્વોલિટી કલર ઝેરોક્ષ કરાયેલી નોટો અને સેલોટેપ કે ગુંદરપટ્ટીથી સાંધેલી ફાટેલી અને ખરાબ થયેલી નોટો પણ મળી આવી છે.

પોલીસ તપાસ અને કાર્યવાહી

અમદાવાદ SOG ક્રાઈમ બ્રાંચની ટીમે આ મામલે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સાથે જ આ કેસમાં પુરાવા એકત્ર કરવા માટે આધુનિક ટેકનોલોજીની મદદ લીધી છે. કોર્ટમાં મજબૂત પુરાવા રજૂ કરવા માટે પોલીસ ટીમ દ્વારા ઈ-સાક્ષ્ય એપથી તમામ નકલી નોટોની ઓનલાઈન વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી કરવામાં આવી છે. સાથે જ CCTV ફૂટેજ અને ડિપોઝિટ સ્લિપની તપાસ પણ શરુ કરવામાં આવી છે, જેના આધારે આ નકલી નોટો જમા કરનાર વ્યક્તિ સુધી પહોંચી શકાશે.