Ahmedabad School News: બાળકોમાં સતત વધી રહેલી જંકફૂડની આદત અને તેના કારણે ઉદભવતી સ્વાસ્થ્ય સમસ્યાઓ પર અંકુશ મેળવવા માટે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી (DEO) દ્વારા ‘લંચબોક્સમાં નો જંકફૂડ’ કેમ્પેઇન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત શહેરની 1500થી વધુ શાળાઓના અંદાજે 2 લાખ વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવશે.
નિષ્ણાતોની મદદથી વાલીઓને અપાશે માર્ગદર્શન
માત્ર જંકફૂડ પર પ્રતિબંધ મૂકવો પૂરતો નથી, પરંતુ બાળકોને પૌષ્ટિક આહાર મળે તે પણ એટલું જ જરૂરી છે. આ માટે શહેરના જાણીતા ડાયટેશિયન અને બાળકોના ડોક્ટરોની મદદ લેવામાં આવશે. વાલીઓને બાળકો માટે કયો ખોરાક ફાયદાકારક છે અને કઈ રેસિપી બનાવી શકાય તે માટે ઓનલાઇન માર્ગદર્શન આપવાની ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવશે.
આ પણ વાંચો
અમદાવાદના 50ટકા બાળકો અઠવાડિયામાં 3-4 વાર જંકફૂડ ખાય છે
એક અભ્યાસ મુજબ અમદાવાદમાં ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. ઇન્ટરનેશનલ જર્નલ ઓફ સાયન્ટિફિક રિસર્ચના અહેવાલ મુજબ, 10-15 વર્ષના અંદાજે 50% બાળકો અઠવાડિયામાં 3 થી 4 વાર ચિપ્સ, સમોસા અને ફ્રેન્ચ ફ્રાઈસ જેવું જંકફૂડ આરોગે છે. આશરે ૨૫૬૨ વિદ્યાર્થીઓ પર કરાયેલા સર્વેમાં આવા બાળકોમાં મેદસ્વિતા (ઓબેસિટી)નું પ્રમાણ પણ ઊંચું જોવા મળ્યું છે.
સ્કૂલ સંચાલકોની સક્રિય ભાગીદારી અનિવાર્ય
હાલમાં ઘણી શાળાઓમાં માત્ર પેક્ડ ફૂડ પર જ પ્રતિબંધ છે, પરંતુ હવે જંકફૂડ પર પણ કડક કાર્યવાહી કરવી પડશે. અમદાવાદ શહેરના ડીઈઓ રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, "બાળકોના હેલ્થ સાથેનો મુદ્દો હોવાથી દરેક સ્કૂલોનો સાથ લેવાશે. જ્યાં સ્કૂલો મૂંઝવણ અનુભવશે ત્યાં અમે સાથે રહીશું અને એક્સપર્ટ ટીમ દ્વારા વાલીઓને પણ જાગૃત કરવામાં આવશે." આ અભિયાન દ્વારા બાળકોમાં ખાન-પાનની ટેવોમાં સુધારો લાવીને તેમને લાંબા ગાળે થતા શારીરિક નુકસાનથી બચાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે.

