Torrent Power દ્વારા અમદાવાદ અને સુરતમાં ફ્યુઅલ સરચાર્જ વધારાયો; વીજળીના બિલમાં થશે વધારો

ટોરેન્ટ પાવર દ્વારા ફ્યુઅલ સરચાર્જમાં 8% થી 14% સુધીનો વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે વીજળીના બિલમાં થશે વધારો થશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Wed, 25 Nov 2026 03:47 PM (IST)Updated: Wed, 25 Nov 2026 03:54 PM (IST)
electricity-bills-to-rise-in-ahmedabad-and-surat-as-torrent-power-hikes-fuel-surcharge

Torrent Power Fuel Surcharge Hike: ટોરેન્ટ પાવરના ગ્રાહકોને હવે વીજળીના બિલમાં વધુ રકમ ચૂકવવી પડશે. ટોરેન્ટ પાવરે વર્ષ 2026 ના ત્રીજા ત્રિમાસિક ગાળા માટે ફ્યુઅલ એન્ડ પાવર પરચેઝ પ્રાઈસ એડજસ્ટમેન્ટ (FPPPA), એટલે કે ફ્યુઅલ સરચાર્જમાં વધારો કર્યો છે. અમદાવાદ-ગાંધીનગરમાં પ્રતિ યુનિટ 29 પૈસા અને સુરતમાં 34 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.

ફ્યુઅલ સરચાર્જ ₹4.01 પ્રતિ યુનિટ

Torrent Power દ્વારા અમદાવાદ અને ગાંધીનગરમાં વીજળીના ફ્યુઅલ સરચાર્જમાં પ્રતિ યુનિટ 29 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ આ સરચાર્જ ₹3.72 પ્રતિ યુનિટ હતો, જે વધારીને હવે ₹4.01 કરવામાં આવ્યો છે. આ રીતે સરચાર્જમાં આશરે 8 ટકાનો વધારો થયો છે. આ ફેરફારની અસર બંને શહેરોના આશરે 43 લાખ વીજ ગ્રાહકો પર પડશે.

સુરતમાં પ્રતિ યુનિટ 34 પૈસા વધાર્યા

સુરતના વીજ ગ્રાહકો માટે પણ ફ્યુઅલ સરચાર્જ વધારવામાં આવ્યો છે. અગાઉ સુરતમાં પ્રતિ યુનિટ ₹2.44 ફ્યુઅલ સરચાર્જ લેવામાં આવતો હતો. હવે તેમાં 34 પૈસાનો વધારો કરીને નવો દર ₹2.78 પ્રતિ યુનિટ કરવામાં આવ્યો છે. સુરતમાં આ વધારો આશરે 14% છે.

આ નવા દર ઓક્ટોબરથી ડિસેમ્બર 2026 ના ત્રીજા ત્રિમાસિક ગાળા માટે લાગુ પડશે. પરિણામે અમદાવાદ-ગાંધીનગર અને સુરતના આશરે 43 લાખ વીજ ગ્રાહકોના વીજળી બિલમાં વધારો થવાની શક્યતા છે.

મળતી માહિતી મુજબ, ટોરેન્ટ પાવરે વીજળી કાયદાની જોગવાઈઓ અનુસાર ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન (GERC)ને સુધારેલા ફ્યુઅલ સરચાર્જ અંગે જાણ કરી છે. ત્યારબાદ કંપનીએ ગ્રાહકો પાસેથી નવા દર મુજબ સરચાર્જની વસુલાત શરૂ કરી દીધી છે.

સરકારી વીજ કંપનીઓએ દર વધાર્યા?

બીજી તરફ, ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL) હેઠળ કાર્યરત રાજ્યની 4 સરકારી વીજ વિતરણ કંપનીઓએ હજુ સુધી આ ત્રિમાસિક ગાળા માટે ફ્યુઅલ સરચાર્જના દરમાં ફેરફાર કર્યો નથી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કંપનીઓએ હજી GERC સમક્ષ દર સુધારવા માટેની દરખાસ્ત રજૂ કરી નથી. આગામી 1 અઠવાડિયાથી 10 દિવસમાં દરખાસ્ત રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. દરખાસ્ત રજૂ થયા બાદ ગ્રાહકો માટે સુધારેલા સરચાર્જનો અમલ કરવામાં આવશે.

ફ્યુઅલ સરચાર્જમાં વધારાનું કારણ શું?

રિપોર્ટ અનુસાર, ફ્યુઅલ સરચાર્જમાં વધારા પાછળ વીજળીની વધતી માંગ મુખ્ય કારણોમાંનું એક છે. ખાસ કરીને અલ નીનોની અસર વચ્ચે કૃષિ ક્ષેત્રમાં વીજળીની માંગ વધી હોવાનું જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત ગેસ, ડીઝલ અને કોલસા સહિતનાં ઇંધણના ઊંચા ભાવને કારણે વીજળી ખરીદવાનો ખર્ચ વધ્યો છે. આ પરિબળોને ધ્યાનમાં રાખીને ટોરન્ટ પાવરે ઓક્ટોબરથી ડિસેમ્બર 2026 ના ત્રિમાસિક ગાળા માટે ફ્યુઅલ સરચાર્જમાં વધારો કર્યો છે.

નોંધ: ફ્યુઅલ સરચાર્જમાં થયેલા વધારાની અસર વીજળીના વપરાશ પ્રમાણે બિલમાં જોવા મળશે.