Diwali Chhath Puja Train Update: ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ તથા પશ્ચિમ બંગાળના સૌથી મોટા તહેવાર છઠ્ઠ પૂજા અને દિવાળી મનાવવા વતન જતા મુસાફરો માટે રેલવે મોટું માધ્યમ છે. જોકે, રેલવેમાં 60 દિવસ પહેલા એડવાન્સ રીઝર્વેશનની સુવિધા ખુલતી હોવાથી, બુકિંગ શરૂ થતાંની સાથે જ ગણતરીના કલાકોમાં 6 થી 10 નવેમ્બર સુધીની મોટાભાગની મુખ્ય ટ્રેનો હાઉસફુલ થઈ ગઈ છે.
મુખ્ય ટ્રેનોમાં એડવાન્સ બુકિંગ બંધ
આ પણ વાંચો
ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ તરફ જતી મુખ્ય ટ્રેનોમાં બુકિંગ ખુલતા જ સ્લીપર, થર્ડ ઈકોનોમી, 3rd AC અને 2nd AC વર્ગમાં વેટિંગ લિસ્ટ 150 થી 200 પાર પહોંચી ગયું છે. આગામી 6 થી 10 નવેમ્બરની મુખ્ય ટ્રેનોમાં એડવાન્સ બુકિંગ બંધ થઈ ગયું છે અને ટિકિટોમાં 'રિગ્રેટ' (ટિકિટ બુકિંગ બંધ) દર્શાવી રહ્યું છે.
મુખ્યત્વે 09465 દરભંગા સ્પેશિયલ, 19165 સાબરમતી એક્સપ્રેસ, 12833 હાવડા એક્સપ્રેસ, 19483 સહરસા એક્સપ્રેસ, 15635 ગુવાહાટી એક્સપ્રેસ, 19489 ગોરખપુર એક્સપ્રેસ, 22548 ગ્વાલિયર સુપરફાસ્ટ એક્સપ્રેસ, 19421 પટના એક્સપ્રેસ, 15667 કામખ્યા એક્સપ્રેસ, 19409 સાબરમતી-છપરા એક્સપ્રેસ અને 12947 અજીમાબાદ એક્સપ્રેસ જેવી ટ્રેનોમાં તમામ રિઝર્વ વર્ગનું બુકિંગ બંધ થઈ ગયું છે.
ઊંચા ભાડા ચૂકવવા મુસાફરો મજબૂર
દિવાળીને બે મહિના બાકી છે ત્યારે રાજ્યમાં વસવાટ કરતા અન્ય રાજ્યના લોકોએ વતન જવા માટે એડવાન્સ રિઝર્વેશન કરવાનું શરૂ કરી દીધું હતું. પરંતુ ટ્રેનોમાં કન્ફર્મ ટિકિટ ન મળવાના કારણે હવે મુસાફરોને અતિશય ગરદી વચ્ચે જનરલ કોચમાં મુસાફરી કરવા અથવા તો ખાનગી બસ સંચાલકોના ઊંચા ભાડા ચૂકવીને વતન જવા મજબૂર બનવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
