Ahmedabad Cyber Fraud: ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી બોસ સ્કેમના નામે સાયબર ગઠિયાઓએ તરખાટ મચાવી નાખ્યો છે. ત્યારે અમદાવાદના સાણંદમાં એક રાઈસ મિલના માલિક સાથે સાયબર ગઠિયાઓએ રુ.80 લાખનો સાયબર ફ્રોડ આચર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સાયબર ઠગે રાઇસ મિલના એકાઉન્ટન્ટનો ફોન હેક કરીને આ સમગ્ર કારસ્તાન પાર પાડ્યું હતું.
એકાઉન્ટન્ટનો મોબાઇલ ઠગોએ હેક કર્યો
મળતી માહિતી મુજબ, રાઇસ મિલના એકાઉન્ટન્ટનો મોબાઈલ સાયબર ગઠિયાઓએ હેક કરી લીધો હતો. જે બાદ એકાઉન્ટન્ટના ફોનમાં ગઠિયાઓએ તેમનો નંબર શેઠના નામે સેવ કરી નાખ્યો હતો. તેમજ રાઇસ મિલના માલિકનો ફોટો ડીપીમાં સેવ કરી નાખ્યો હતો. ત્યારબાદ ગઠિયાઓએ પોતાનો ખેલ શરુ કર્યો હતો. શેઠના નામે સેવ કરેલા નંબરથી ઠગોએ એકાઉન્ટન્ટને 80 લાખ રુપિયા ટ્રાન્સફર કરવાનો મેસેજ કર્યો હતો.
મિલ માલિકે તપાસ કરતાં ભાંડો ફુટ્યો
ગઠિયાઓના કાવતરાથી અજાણ એકાઉન્ટન્ટે ગઠિયાઓએ આપેલા બેન્ક એકાઉન્ટમાં 80 લાખની માતબર રકમ ટ્રાન્સફર કરી નાખી હતી. પરંતુ આટલેથી ન અટકતાં ઠગે બીજા 30 લાખની માંગ કરતો મેસેજ કર્યો. પરંતુ આ અંગે એકાઉન્ટન્ટે રુબરુ જઈને રાઇસ મિલના માલિક સાથે મુલાકાત કરીને પૂછ્યું કે હવે બાકીના 30 લાખની વ્યવસ્થા ક્યાંથી કરીશું. ત્યારે સમગ્ર કાવતરાનો પર્દાફાશ થયો હતો.
ફરિયાદીએ આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી
રાઇસ મિલના માલિકે જણાવ્યું કે, તેઓએ આવા કોઈ મેસેજ નથી કર્યા. પરંતુ એકાઉન્ટન્ટે શેઠને તેમના નામે સેવ કરેલા નંબરના મેસેજ બતાવ્યા. જોકે, આ નંબર અંગે તપાસ કરતાં તે રાઇસ મિલ માલિકનો નંબર ન હોવાનું ખુલ્યું હતું. સાયબર ઠગોએ આચરેલી 80 લાખની છેતરપિડી અંગે રાઇસ મિલ માલિકે અમદાવાદ સાયબર સેલમાં ફરિયાદ દાખલ કરી હતી.
