અમદાવાદમાં દિલજીત દોસાંજનો ક્રેઝ: 90 હજાર લોકોની ભીડ વચ્ચે ક્યારે ખુલશે ગેટ અને ક્યાં થશે પાર્કિંગ? વાંચો સંપૂર્ણ ગાઈડલાઈન

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે દિલજીત દોસાંજનો 'AURA ઈન્ડિયા ટૂર' કોન્સર્ટ યોજાવા જઈ રહ્યો છે. સ્ટેડિયમ પહોંચતા પહેલા જાણો ગેટ ઓપનિંગ ટાઈમ, મેટ્રો ટ્રેનનો ખાસ સમય, ₹50ની સ્પેશિયલ ટિકિટ, પાર્કિંગ ફી અને પોલીસ સુરક્ષાના તમામ નિયમો.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 21 Nov 2026 01:22 PM (IST)Updated: Sat, 21 Nov 2026 01:22 PM (IST)
diljit-dosanjh-ahmedabad-concert-narendra-modi-stadium-entry-timing-metro-schedule-parking-rules

Diljit Dosanjh Ahmedabad Concert: ગ્લોબલ પંજાબી સિંગર દિલજીત દોસાંજની AURA ઈન્ડિયા ટુર અંતર્ગત આજે 21 નવેમ્બરના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભવ્ય કોન્સર્ટનું આયોજન થવા જઈ રહ્યું છે. આ મેગા ઈવેન્ટમાં અંદાજે 85 હજારથી 90 હજાર લોકો ઉમટે તેવી શક્યતા છે. જો તમે પણ આ કોન્સર્ટમાં હાજરી આપવાના છો તો સ્ટેડયમ પહોંચતા પહેલા એન્ટ્રી ટાઈમિંગ, મેટ્રો ટ્રેનના બદલાયેલા નિયમો, પાર્કિંગ ફી અને પોલીસ ગાઈડલાઈન વિશે સંપૂર્ણ માહિતી જાણી લેવી અત્યંત જરુરી છે.

દિલજીતે મોદી સ્ટેડિયમમાં કર્યું ખાસ રિહર્સલ

પોતાના કોન્સર્ટની શરુઆત પહેલા દિલજીત દોસાંજ ખૂબ જ ઉત્સાહિત હતાં. તેમણે કોન્સર્ટને લગતી તમામ તૈયારઓને નજરે નિહાળીને સમીક્ષા કરી હતી. તે દરમિયાન તેમનો સફેદ પાઘડી અને બ્લેક આઉટફિટમાં ડેશિંગ લુક આકર્ષણનો કેન્દ્ર્ બન્યો હતો. સિંગરે જાતે જ કોન્સર્ટમાં એન્ટ્રી, સ્ટેજ પર ઉભા રહેવાનું સઘળું સંચાલન નિહાળ્યું હતું.

એન્ટ્રી અને કોન્સર્ટનો સમય

ગાયક દિલજીત દોસાંજનો કોન્સર્ટ બપોરના સમયે શરુ થશે, તે દરમિયાન દર્શકો માટે સ્ટેડિયમના ગેટ બપોરે 3 વાગ્યે ખોલી દેવામાં આવશે., ભીડથી બચવા વહેલાં પહોંચવું હિતવાહ છે. આ કોન્સર્ટ રાત્રે 9.55 વાગ્યે પૂરો થશે. આ કોન્સર્ટની ખાસિયત જણાવીએ તો, સ્ટેડિયમ ખાતે દર્શકો માટે ફ્રી ટર્બન એટલે પાઘડીનો કેમ્પ રાખવામાં આવ્યો છે. જ્યાં નિશુલ્ક પણે પાઘડી બાંધી આપવામાં આવશે. આ ઉપરાંત દર્શકો પોતાની સાથે મોબાઈલ ઉપરાંત પાવર બેન્ક લઈ જઈ શકશે.

કોન્સર્ટ દરમિયાન મેટ્રો ટ્રેન શિડ્યુલ

ટ્રાફિક જામથી બચવા માટે અમદાવાદ પોલીસે મુસાફરોને મેટ્રોનો ઉપયોગ કરવા અપીલ કરી છે. જીએમઆરસી દ્વારા કોન્સર્ટ માટે ખાસ વ્યવસ્થા કરી છે. દિલજીત દોસાંજના કોન્સર્ટ પૂરો થયા બાદ અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મોટેરા સ્ટેડિયમથી રાત્રે 11.30 કલાકે છેલ્લી ટ્રેન ઉપડશે.

આ સિવાય, ગાંધીનગર રુટ પર રાત્રે 10.30 વાગ્યા, 11.00 વાગ્યા અને 11.30 વાગ્યે એકસ્ટ્રા ટ્રીપ રહેશે. રાત્રે 11 વાગ્યા સુધી નિયમિત સ્માર્ટ કાર્ડ, ટોકન કે મોબાઈલ ક્યુઆર ટિકિટ માન્ય ગણાશે. રાત્રે 11:00 વાગ્યા પછી મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશનથી મુસાફરી કરવા માટે માત્ર 50ની સ્પેશિયલ પેપર ટિકિટ જ માન્ય ગણાશે. અગાઉથી ખરીદેલી રિટર્ન QR કે ટોકન ટિકિટ 11 વાગ્યા પછી ચાલશે નહીં.

વાહન પાર્કિંગ વ્યવસ્થા અને પોલીસ સુરક્ષા

જો તમે પોતાના વાહન પર સ્ટેડિયમ આવી રહ્યા છો તો તંત્ર દ્વારા કુલ 16 પાર્કિંગ પ્લોટની ફાળવણી કરી છે. જેમાં ટુ વ્હીલર પાર્કિંગ ચાર્જ રુ.120 અને ફોર વ્હીલર માટે પાર્કિગ ચાર્જ રુ.500 ચૂકવવાનો રહેશે . જ્યારે કોન્સર્ટમાં સુરક્ષાની વાત કરીએ તો, દિલજીત દોસાંજના કોન્સર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓને પગલે અમદાવાદ પોલીસ દ્વારા અભેદ્ય સુરક્ષા કવચ ગોઠવ્યું છે. JCP, DCP સહિત 1,300થી વધુ પોલીસકર્મીઓ, 1,500 પ્રાઈવેટ સિક્યોરિટી ગાર્ડ્સ અને SRPની 3 ટુકડીઓ તૈનાત રહેશે. સ્ટેડિયમમાં 300 CCTV કેમેરા, બોમ્બ સ્કવોડ, ડોગ સ્કવોડ અને ક્વિક એક્શન ટીમ દ્વારા સતત મોનિટરિંગ થશે.