Dholera SIR Development Project: ધોલેરા સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજન (Dholera SIR) ના વિકાસ અને શહેરી સુવિધાઓની કડીમાં હવે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, ઈન્ટિગ્રેટેડ સ્કૂલ, ફાયર સ્ટેશન અને રેસિડેન્શિયલ-કોમર્શિયલ પ્રોજેક્ટ ઉમેરાયા છે. અહીં 200 બેડની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તૈયાર કરવાનું આયોજન છે.
600 લોકોની ક્ષમતા ધરાવતું ફૂડ કોર્ટ બનશે
ધોલેરામાં રોકાણકારો અને ઔદ્યોગિક ક્ષેત્રના પ્રતિનિધિઓની વધતી અવરજવરને ધ્યાનમાં રાખીને હોસ્પિટાલિટી ક્ષેત્રમાં પણ નવી સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. અહીં 42 રૂમનું ગેસ્ટ હાઉસ તૈયાર થઈ રહ્યું છે, જેમાં સ્યુટ અને કોન્ફરન્સની સુવિધા પણ ઉપલબ્ધ હશે.
આ ઉપરાંત એક સાથે આશરે 600 લોકો ભોજન લઈ શકે તેવું વિશાળ ફૂડ કોર્ટ નિર્માણ કરવામાં આવશે. વધુમાં, 50 ટેન્ટની ક્ષમતાવાળું ટેન્ટ સિટી પણ વિકસાવવામાં આવી રહ્યું છે. આ સુવિધાઓના નિર્માણથી ધોલેરામાં આવતા રોકાણકારો, બિઝનેસ ડેલિગેશન અને અન્ય મુલાકાતીઓને રહેવા તથા ભોજનની વ્યવસ્થા મળી શકશે.
200 બેડની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ
ધોલેરાના એક્ટિવેશન એરિયામાં 200 બેડની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને ઈન્ટિગ્રેટેડ સ્કૂલ સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. આ ઉપરાંત ફાયર સ્ટેશન, હોટલ, ગેસ્ટ હાઉસ અને રહેણાંક-કોમર્શિયલ પ્રોજેક્ટ પણ શહેરી માળખાના વિકાસનો ભાગ છે
આગામી સમયમાં થનારા આ વિકાસ કાર્યોનો મુખ્ય હેતુ ધોલેરામાં કામ કરતા કર્મચારીઓ, ઉદ્યોગસાહસિકો, રોકાણકારો અને સ્થાનિક રહેવાસીઓને આરોગ્ય, શિક્ષણ, સુરક્ષા અને રહેઠાણ જેવી સુવિધાઓ એક જ વિસ્તારમાં ઉપલબ્ધ કરાવવાનો છે.
તમામ સુવિધાવાળા કેન્દ્ર તરીકે વિકાસનો હેતુ
ધોલેરાના વિકાસમાં રોજગારની નવી તકો ઊભી થવાની અપેક્ષા છે. જેથી ઔદ્યોગિક પ્રવૃત્તિમાં વધારો થતા હોસ્પિટલ, હોટલ, સ્કૂલ, રહેણાંક અને શહેરી સુવિધાઓની માંગ પણ વધવાની શક્યતા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હેલ્થકેર અને હોસ્પિટાલિટી ક્ષેત્રની અગ્રણી કંપનીઓ માટે ધોલેરામાં રોકાણની નવી તકો ઊભી થઈ રહી છે.
CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા ધોલેરાના એક્ટિવેશન એરિયામાં ચાલી રહેલા ઔદ્યોગિક, સામાજિક અને શહેરી માળખાકીય પ્રોજેક્ટોની સમીક્ષા કરી અને તેમી પ્રગતિ અંગે માહિતી મેળવવામાં આવી હતી. ગુજરાત સરકારનો હેતુ ધોલેરાને ઉદ્યોગો, રોકાણકારો, કર્મચારીઓ અને સ્થાનિક રહેવાસીઓ માટે જરૂરી સુવિધાઓ ધરાવતા શહેરી કેન્દ્ર તરીકે વિકસાવવાનો છે.
