Dholera Water Reservoir: ગુજરાતના મહત્વકાંક્ષી ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજનના ઝડપી વિકાસને વેગ આપવા માટે એક વિશાળ જળ સંગ્રહ યોજનાની જાહેરાત કરવામાં આવી છે. ધોલેરાના ઔદ્યોગિક વિસ્તારમાં સર્જનારી પાણીની જરુરિયાતોને પહોંચી વળવા રૂ.438.74 કરોડના કુલ ખર્ચે 220 કરોડ લિટર ક્ષમતા ધરાવતું વિશાળ રો-વોટર સ્ટોરેડ રિઝર્વોયર તૈયાર કરવામાં આવશે.
આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ હેઠળ સરોવર જ નહીં પરંતુ રો વોટર પમ્પિંગ સ્ટેશન, રાઈઝિંગ મેઇન, પાઈપલાઈન નેટવર્ક, અત્યાધુનિક ઓટોમેશન-કંટ્રોલ સિસ્ટમ, સાઈટ ડેવલપમેન્ટ તેમજ ટેસ્ટિંગ અને કમિશનિંગ જેવી વિવિધ કામગીરીઓ પણ પૂર્ણ કરવામાં આવશે. નિર્ધારિત સમયપત્રક અનુસાર, એજન્સીએ આ સમગ્ર પ્રોજેક્ટનું બાંધકામ 18 મહિનાની સમયમર્યાદામાં પૂર્ણ કરવાનું રહેશે.
મોટો હિસ્સો રિઝર્વોયરના બાંધકામમાં ખર્ચાશે
રુ.438.74 કરોડના આ પ્રોજેક્ટમાં કુલ ખર્ચમાં સૌથી મોટો હિસ્સો રિઝર્વોયરના બાંધકામ પાછળ ખર્ચાશે. કોન્ટ્રાક્ટ પ્રાઈસ પ્રમાણે, નક્કી કરાયેલા વેઇટેજ અનુસાર, કુલ ખર્ચના 70.95 ટકા હિસ્સો રિઝર્વોયરના બાંધકામ પાછળ ફાળવવામાં આવ્યો છે. તે સિવાય સાઈટ ડેવલપમેન્ટ માટે 11.20 ટકા પમ્પિંગ સ્ટેશનના નિર્માણ માટે 7.35%, તેમજ રાઇઝિંગ મેઇન, પાઇપલાઇન નેટવર્ક અને ઓટોમેશન કંટ્રોલ સિસ્ટમ માટે 4.50% રકમનું વેઇટેજ નક્કી કરાયું છે. બાકીનો હિસ્સો અન્ય જરૂરી કામગીરીઓ જેવી કે ટેસ્ટિંગ, કમિશનિંગ અને દસ્તાવેજીકરણ પાછળ ઉપયોગમાં લેવાશે.
ભવિષ્ય અને ઔદ્યોગિક વિકાસ માટે જળ-આયોજન
ધોલેરા SIR ઝડપથી દેશના અગ્રણી ટેકનોલોજીકલ હબ તરીકે ઉભરી રહ્યું છે, જ્યાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સેન્ટર્સ અને વિશાળ ડેટા સેન્ટર્સ આકાર લઈ રહ્યા છે. આ ઉચ્ચ તકનીકી પ્લાન્ટ્સ અને સર્વર કૂલિંગ માટે સતત તથા મોટા પ્રમાણમાં પાણીનો પુરવઠો અત્યંત આવશ્યક છે.
220 કરોડ લિટરની વિશાળ સંગ્રહ ક્ષમતા ધરાવતું આ રિઝર્વોયર ધોલેરાને ભવિષ્યમાં સર્જાઈ શકતી કોઈપણ પ્રકારની 'વોટર ક્રાઇસિસ' કે સપ્લાયની અછત સામે સંપૂર્ણ સુરક્ષા આપશે. પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ તેના સંચાલન અને સમારકામની જવાબદારી સતત 5 વર્ષ સુધી કોન્ટ્રાક્ટર એજન્સીની રહેશે, અને કામગીરીમાં કોઈ ક્ષતિ જણાશે તો નિયમ મુજબ તેમની ચૂકવણીમાંથી કપાત કરવામાં આવશે.
