Dhandhuka-Ranpur highway accident: ધંધુકા-રાણપુર રોડ પર અત્યંત ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે આવી રહેલી ટ્રક અને કાર વચ્ચે કિશાન જીન પાસે સામસામે ભીષણ ટક્કર થઈ હતી. આ ગોઝારા અકસ્માતમાં કારમાં સવાર એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે એક બાળક સહિત કુલ ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
પોરબંદરથી લીમખેડા જઈ રહ્યો હતો પરિવાર
પ્રાથમિક માહિતી અનુસાર, અકસ્માતગ્રસ્ત કારમાં સવાર આ કમનસીબ પરિવાર પોતાના વતન પોરબંદરથી દાહોદ જિલ્લાના લીમખેડા તરફ જઈ રહ્યો હતો, ત્યારે જ રસ્તામાં તેઓ આ ગંભીર અકસ્માતનો ભોગ બન્યા હતા. ટ્રક સાથેની ટક્કર એટલી પ્રચંડ હતી કે કારનો સંપૂર્ણપણે કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
મળતી વિગત અનુસાર, અકસ્માતગ્રસ્ત કારમાં મૂળ પોરબંદર જિલ્લાના અમીપુરા ગામના વતની મોહન વાસણ અને તેમના પત્ની, પુત્ર અને મામાનો દીકરો સવાર હતા. તેઓ દાહોદ જિલ્લામાં લીમખેડાના એક ગામમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. વેકેશન પૂરું થતા મોહનભાઈ પોતાના પરિવાર સાથે ઘરવખરીનો સામાન લઈને લીમખેડા જવા નીકળ્યા હતા.
પરિવારના મોભીનું મોત, ત્રણ લોકો ઈજાગ્રસ્ત
આ બનાવમાં 35 વર્ષીય મોહનઈ પરબતભાઈ વાસણનું મોત થયું છે. જ્યારે તેમના 30 વર્ષીય પત્ની લક્ષ્મીબેન વાસણ, 4 વર્ષીય પુત્ર જાસ્મિન વાસણ તથા મૃતકના મામાનો દીકરો ધનંજય ઈજાગ્રસ્ત થયો છે.
કારના પતરા કાપીને ઘાયલોને બહાર કાઢ્યા
આ અકસ્માતની ભયાનકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે અકસ્માત બાદ ઈજાગ્રસ્તો કારની અંદર જ ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ધંધુકા 108 એમ્બ્યુલન્સની ટીમ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે સ્થાનિક લોકોની મદદ લઈને ભારે જહેમત બાદ કારના પતરા કાપીને ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા.
આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશમાં બચેલા વિશ્વાસ કુમાર એક વર્ષ પછી પણ આઘાતમાં, રૂંવાડા ઉભા કરી દે તેવી આપવીતી
ઈજાગ્રસ્તોની હાલત ગંભીર, પોલીસ તપાસ શરૂ
પતરા કાપીને બહાર કઢાયેલા તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ધંધુકાની RMC હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની સ્થિતિ ગંભીર હોવાથી તમામને બોટાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ, પોલીસે મૃતદેહને કબ્જે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને અકસ્માતનો ગુનો નોંધી વધુ કાયદેસરની તપાસ હાથ ધરી છે.
