Vishwash Kumar Story, Ahmedabad Plane Crash: ગયા વર્ષે જૂન મહિનામાં અમદાવાદમાં ઘટેલી ભારતીય ઉડ્ડયન ઇતિહાસની સૌથી દર્દનાક અને કમકમાટીભરી વિમાન દુર્ઘટનાને હવે ટૂંક સમયમાં એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે. 12 જૂન, 2025 ના રોજ બપોરે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી લંડનના ગેટવિક એરપોર્ટ માટે ઉડાન ભરેલી એર ઇન્ડિયાની ફ્લાઈટ AI-171 ટેકઓફ કર્યાની થોડી જ મિનિટોમાં ક્રેશ થઈ ગઈ હતી.
આ પણ વાંચો
આ કાળમુખા અકસ્માતમાં વિમાનમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સહિત કુલ 265 લોકોના કરુણ મોત નીપજ્યાં હતાં. આ ભયાનક અગ્નિકાંડ અને તબાહીની વચ્ચેથી માત્ર એક જ વ્યક્તિ કુદરતના કરિશ્મા સમાન ચમત્કારિક રીતે જીવતી બહાર આવી હતી. સીટ નંબર 11A પર બેઠેલા 40 વર્ષીય બ્રિટિશ નાગરિક વિશ્વાસ કુમાર રમેશ આ સમગ્ર દુર્ઘટનાના એકમાત્ર સાક્ષી અને 'લોન સર્વાઇવર' છે. દુર્ઘટનાની પ્રથમ વરસી નજીક આવી રહી છે ત્યારે, વિશ્વાસ કુમાર અને તેમના પરિવારે તે ભયાનક ક્ષણો અને ત્યારબાદના અવિરત સંઘર્ષની આપવીતી શેર કરી છે.
કેવી રીતે બન્યો એ ચમત્કાર?
બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાનમાં વિશ્વાસ કુમાર રમેશ વિમાનની ડાબી બાજુના ઇમરજન્સી દરવાજાની બરાબર બાજુમાં આવેલી સીટ 11A પર બેઠા હતા. અકસ્માત બાદ લાંબો સમય અમદાવાદની સિવિલ હોસ્પિટલના ટ્રોમા વોર્ડમાં સારવાર હેઠળ રહેલા વિશ્વાસ કુમારે ડોક્ટરો અને તપાસકર્તાઓ સમક્ષ પોતાના બચાવનો ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, તેઓ વિમાનમાંથી કૂદ્યા નહોતા. પરંતુ ટેકઓફ થયાની માત્ર 30 સેકન્ડની અંદર જ એક કાન ફાડી નાખે તેવો જોરદાર અવાજ આવ્યો અને વિમાન નીચે ખાબક્યું.
જ્યારે વિમાન જમીનદોસ્ત થયું અને તેના ટુકડે-ટુકડા થયા, ત્યારે પ્રચંડ વેગ સાથે વિશ્વાસ કુમારની સીટ ઉછળીને વિમાનના મુખ્ય માળખાની બહાર ફેંકાઈ ગઈ હતી. આ જ કારણે, જ્યારે આખું વિમાન જોતજોતામાં ભીષણ આગની જ્વાળાઓ અને કાળા ધુમાડાના ગોટેગોટામાં ફેરવાઈ ગયું, ત્યારે વિશ્વાસ કુમાર આગની પકડમાં આવતા બચી ગયા. તેમણે તે ક્ષણોને યાદ કરતા કહ્યું, "બધું એટલી ઝડપથી થયું કે કંઈ સમજાયું નહીં. જ્યારે મને હોશ આવ્યો ત્યારે મારી ચારેય તરફ માત્ર લાશોના ઢગલા અને પ્લેનના ટુકડા વિખરાયેલા હતા. હું અત્યંત ડરી ગયો હતો. ત્યારબાદ સ્થાનિક લોકો અને એમ્બ્યુલન્સે મને હોસ્પિટલ પહોંચાડ્યો હતો."
મેડિકલ કોલેજની હોસ્ટેલ પર ખાબક્યું હતું વિમાન
ગયા વર્ષે ગુરુવારે બપોરે 1:39 વાગ્યે એર ઇન્ડિયાની આ ફ્લાઈટે રનવે પરથી ટેકઓફ કર્યું હતું. એટીસી (ATC) ના આંકડા મુજબ, વિમાન હજુ માંડ 600 થી 800 ફૂટની ઊંચાઈ પર પહોંચ્યું હતું કે તરત જ પાઇલટે 'Mayday' (મેડે) ડિસ્ટ્રેસ કોલ જારી કરીને સંપૂર્ણ ઇમરજન્સીનો સંકેત આપ્યો હતો. ટ્વીન એન્જિનવાળું આ વિશાળ વિમાન ટેકઓફની મિનિટોમાં જ નિયંત્રણ ગુમાવી નીચે તરફ આવવા લાગ્યું અને નજીકમાં આવેલી બી.જે. મેડિકલ કોલેજના ડોરમેટરી (હોસ્ટેલ) બ્લોક સાથે ધડાકાભેર અથડાયું. આ અકસ્માત એટલો ભયાનક હતો કે વિમાનમાં સવાર 230 મુસાફરો અને 12 ક્રૂ મેમ્બર્સ તો કાળનો કોળિયો બન્યા જ, પરંતુ જમીન પર રહેલા હોસ્ટેલના અન્ય 19 લોકોના પણ આ દુર્ઘટનામાં મોત નીપજ્યાં હતાં.
મૃતકોમાં 169 ભારતીય, 53 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ અને એક કેનેડિયન નાગરિક સામેલ હતા. આ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા વિજય રૂપાણી પણ તે જ ફ્લાઈટમાં મુસાફરી કરી રહ્યા હોવાથી તેમનું પણ કમકમાટીભર્યું નિધન થયું હતું. હાલ આ ઘટનાના બ્લેક બોક્સ - ફ્લાઇટ ડેટા રેકોર્ડર અને કોકપીટ વોઇસ રેકોર્ડરના વિશ્લેષણ સાથેની ઔપચારિક તપાસ અંતિમ તબક્કામાં છે.
એક વર્ષ પછી પણ શારીરિક-માનસિક આઘાત છે
વિશ્વાસ કુમાર રમેશ છેલ્લા 20 વર્ષથી લંડનમાં પોતાના પરિવાર, પત્ની અને બાળકો સાથે રહે છે. તેઓ ભારતમાં પોતાના પરિવારને મળીને પોતાના 45 વર્ષીય ભાઈ અજય કુમાર રમેશ સાથે બ્રિટન પરત ફરી રહ્યા હતા, પરંતુ આ અકસ્માતે તેમના ભાઈને હંમેશ માટે છીનવી લીધા. વિશ્વાસ કુમાર રમેશ પ્લેન દુર્ધટનાની વાત કરતા જ રડી પડે છે. તે ભારે માનસિક આઘાતમાં છે. તે રૂમમાં એકલા રહેવાનું પસંદ કરે છે. કોઈને પણ મળવાનું ટાળે છે.
એક વર્ષ વીતી જવા છતાં વિશ્વાસ કુમાર અને તેમનો પરિવાર આ ગંભીર શારીરિક અને માનસિક આઘાત માંથી બહાર આવી શક્યો નથી. યુકેના નિવૃત્ત વકીલ અને ઇમરજન્સી મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ રૈડ સીગર, જેઓ હાલ રમેશ કુમારના સત્તાવાર પ્રવક્તા તરીકે સેવા આપી રહ્યા છે, તેમણે સ્થિતિનો ચિતાર આપ્યો છે. તેમણે એર ઇન્ડિયાના સીઈઓ (CEO) કેમ્પબેલ વિલ્સનને સીધી અપીલ કરી છે કે તેઓ વ્યક્તિગત રીતે પરિવારને મળે અને તેમના પુનર્વસન માટે મોટું વેલફેર પેકેજ તૈયાર કરે.
A new video shows Air India crash survivor Vishwash Kumar Ramesh walking away from the wreckage, smoke billowing behind him, after Flight AI-171 crashed in Ahmedabad on June 12.#vishwashkumarramesh pic.twitter.com/2YJqGo9oEx
— Herald Goa (@oheraldogoa) June 16, 2025
પ્રવક્તાના જણાવ્યા મુજબ, એરલાઇન દ્વારા આપવામાં આવેલું 21,500 પાઉન્ડનું વચગાળાનું વળતર પરિવારની દૈનિક જરૂરિયાતો અને મોંઘી તબીબી સારવાર માટે તદ્દન અપૂરતું છે. અકસ્માત પહેલાં આ પરિવાર દીવમાં માછીમારીનો વ્યવસાય ચલાવતો હતો, જે ગયા જૂનમાં બનેલી આ ઘટના બાદ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે, જેના કારણે પરિવાર ભારે આર્થિક તંગીનો સામનો કરી રહ્યો છે. રૈડ સીગર આગામી સપ્તાહે વધુ માહિતી એકત્ર કરવા દીવની મુલાકાત પણ લેવાના છે. 265 લોકોના મોતના મુખમાંથી બચેલી આ એકમાત્ર જિંદગી આજે પણ પોતાના અસ્તિત્વ અને ન્યાય માટે સંઘર્ષ કરી રહી છે.
