ધંધુકા હાઈવે પર મોટી દુર્ઘટના: બેકાબૂ મિનિબસ રેસ્ટોરન્ટમાં ઘૂસી, ડ્રાઈવરનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત

અમદાવાદ જિલ્લાના ધંધુકા નજીક સાળંગપુરથી પરત ફરતી મિનિબસ બેકાબૂ બની રેસ્ટોરેન્ટમાં ઘૂસી ગઈ. ડ્રાઈવરને ચાલુ બસે હાર્ટ એટેક આવતા ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 13 Nov 2026 09:56 AM (IST)Updated: Fri, 13 Nov 2026 09:56 AM (IST)
dhandhuka-highway-accident-minibus-crashes-into-restaurant-driver-dies

Ahmedabad News: અમદાવાદ જિલ્લામાં અકસ્માતોનો સિલસિલો યથાવત્ત હોય તેમ જણાઈ રહ્યું છે. થોડા સમયથી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં અકસ્માતોની સંખ્યા વધી છે. ત્યારે વધુ એક અકસ્માતનો આ શ્રૃખંલામાં સમાવેશ થયો છે, ધંધુકા ખાતે એક કરુણ અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનામાં એક બેકાબૂ બની ગયેલી મિનિબસ હાઈવે નજીક આવેલા એક રેસ્ટોરેન્ટમાં ઘૂસી ગઈ હતી. આ દુર્ઘટનામાં ડ્રાઈવરનું ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હોવાનો અહેવાલ મળ્યો છે.

કેવી રીતે સર્જાયો ગમખ્વાર અકસ્માત

મળતી માહિતી મુજબ, અમદાવાદ શહેરમાં એક પરિવાર સૌરાષ્ટ્રના દર્શનીય સ્થળોની ધાર્મિક યાત્રાએ મિનિબસમાં ગયો હતો. આ મિનિબસમાં તેઓ સાળંગપુર મંદિરે દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. ત્યારે આ કાળમુખો અકસ્માત નડ્યો હતો. ડ્રાઈવરે ઓચિંતો જ સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. જેથી બસ એકાએક કાબૂ બહાર જતી રહી હતી. અને હાઈવે પાસે આવેલ ખોડિયાર રેસ્ટોરન્ટમાં ધમાકાભેર ઘૂસાડી દીધી હતી.

મિનિબસ ચાલકનું મોત નિપજ્યું

મિનિબસ એકાએક રેસ્ટોરેન્ટના આગળના ભાગે ઘૂસી જતાં પરિવારના સભ્યોમાં ભારે ચીસાચીસ મચી ગઈ હતી. પરંતુ આ દુર્ઘટનામાં ચાલકનું કમકમાટીભર્યુ અને કરુણ મોત નિપજ્યું હતું. પ્રાથમિક આશંકા પ્રમાણે, ડ્રાયવિંગ દરમિયાન ચાલકને હાર્ટ એટેક આવ્યો હોય તેવી પ્રબળ આશંકા છે. આ દુર્ઘટનામાં પરિવારના 10 સભ્યોનો આબાદ બચાવ થયો છે, અને રેસ્ટોરન્ટમાં હાજર લોકો પર બચી ગયા હતા.

પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો

આ દુર્ઘટના અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. જ્યારે સ્થાનિક પોલીસને આ કમકમાટીભર્યા અકસ્માતની જાણ થઈ તો તાત્કાલિક પળનો વિલંબ કર્યા વિના પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. એમ્બ્યુલન્સમાં ચાલકના મૃતદેહને પીએમ હેતુથી ખસેડવામાં આવ્યો હતો. જ્યારે પોલીસે આ અંગે વધુ ત્વરિત કાર્યવાહી કરવાની શરુ કરી હતી.