Gujarat Election Results 2026: સ્થાનિક સ્વરાજની ચૂંટણી પરિણામો બાદ અમિત ચાવડાનું નિવેદન, જાણો શું કહ્યું…

અમિત ચાવડાએ પોતાના ટ્વિટમાં નોંધ્યું છે કે, ભાજપ દ્વારા સામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવીને નાના કાર્યકરો અને જનતાના અવાજને દબાવવામાં આવ્યો છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Wed, 29 Apr 2026 11:28 AM (IST)Updated: Wed, 29 Apr 2026 11:28 AM (IST)
congress-leader-amit-chavda-statement-gujarat-election-results-2026

Gujarat Local Body Election Results 2026: સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય અમિત ચાવડાએ ગુજરાતની જનતાનો આભાર વ્યક્ત કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપતા વિજયી થયેલા કોંગ્રેસના કાર્યકરોને અભિનંદન પાઠવ્યા છે અને આગામી સમયમાં એક સજાગ વિરોધ પક્ષ તરીકેની ભૂમિકા ભજવવાની કટિબદ્ધતા દર્શાવી છે. અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, "ગુજરાતની જનતાએ જે વિશ્વાસ મૂક્યો છે તે બદલ હું તેમનો આભાર માનું છું. કુશાસન અને ભ્રષ્ટાચાર સામે લડીને વિજયી બનેલા તમામ કર્મઠ કાર્યકર્તાઓને હાર્દિક અભિનંદન પાઠવું છું."

સત્તા પક્ષ પર આકરા પ્રહાર

અમિત ચાવડાએ પોતાના ટ્વિટમાં નોંધ્યું છે કે, ભાજપ દ્વારા સામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવીને નાના કાર્યકરો અને જનતાના અવાજને દબાવવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યું કે, ખાસ કરીને શહેરી વિસ્તારોમાં જ્યાં મતદાન ઓછું થયું છે, ત્યાં ભાજપે જે રીતે જીત મેળવી છે તે અનેક શંકાઓ પેદા કરે છે. ચાવડાએ કોંગ્રેસના કાર્યકરોની પ્રશંસા કરતા કહ્યું કે, "ભલે બેઠકો ઓછી મળી હોય, પણ કોંગ્રેસનો કાર્યકર જનતાના પ્રશ્નો માટે લડતો રહેશે."

કોંગ્રેસના દેખાવ પર પ્રતિક્રિયા

અમદાવાદ અને અન્ય મનપાઓમાં કોંગ્રેસની બેઠકોમાં થયેલા આંશિક સુધારા અંગે તેમણે જણાવ્યું કે, જનતા હવે પરિવર્તન ઈચ્છી રહી છે અને કોંગ્રેસ ફરી એકવાર લોકોનો વિશ્વાસ જીતવા તરફ આગળ વધી રહી છે. જિગ્નેશ મેવાણીના ગઢ વડગામમાં પડેલા ગાબડા અને અન્ય બેઠકો પર હાર અંગે તેમણે પક્ષ દ્વારા આત્મમંથન કરવાની પણ વાત કરી છે.

અમદાવાદ મનપામાં કોંગ્રેસે ગત વખત કરતા 8 બેઠકો વધુ મેળવીને 32 બેઠકો પર કબ્જો કર્યો છે, જેને અમિત ચાવડા પક્ષની વધતી મજબૂતી અને ભાજપ સામેના વધતા અસંતોષ તરીકે જોઈ રહ્યા છે.

ચૂંટણી પરિણામ

સ્થાનિક સ્વરાજની 10,005 સીટની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. જેમાં 15 મહાનગર પાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે. આ પરિણામોમાં ભાજપની શાનદાર જીત થઇ છે. ભાજપે તમામ 15 મનપા પર કબ્જો મેળવ્યો છે. 84 નગરપાલિકામાંથી 78 પર ભાજપ અને 6 કોંગ્રેસને મળી છે. 34માંથી 33 જિલ્લા પંચાયત પર સત્તા આવી છે. 260 તાલુકા પંચાયતમાંથી ભાજપને ફાળે 253 અને 7માં કોંગ્રેસ તથા આપને મળી છે.