Ahmedabad News: અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના ફેઝ-2 અને ફેઝ-3 ની કામગીરીને વેગ આપવા રાજ્ય સરકાર દ્વારા સમીક્ષા હાથ ધરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રિવરફ્રન્ટના વિવિધ સ્થળોની રૂબરૂ મુલાકાત લઈને ચાલી રહેલા પ્રકલ્પોની પ્રગતિનું નિરીક્ષણ કર્યું હતું. બંને ફેઝ પૂર્ણ થતા સાબરમતી રિવરફ્રન્ટની કુલ લંબાઈ નદીના બંને કાંઠે મળીને 40 કિલોમીટર જેટલી થશે.
મુખ્યમંત્રીએ રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટની સમીક્ષા કરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પશ્ચિમ કાંઠે અચેરથી પૂર્વ કાંઠે કેમ્પ સદર બજાર વચ્ચે નિર્માણ પામનાર 6 લેનના બેરેજ કમ બ્રિજની કામગીરીની વિગતો મેળવી હતી. આ ઉપરાંત સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-2 અંતર્ગત સરદાર પટેલ એન્ક્લેવના કેનોપી સ્ટ્રક્ચર, કોટેશ્વર મહાદેવ મંદિર પાછળ અને ઈન્દિરા બ્રિજ નીચે ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
ફેઝ-3 અંતર્ગત સાબરમતીના પશ્ચિમ છેડા તરફ કોતરપુર સામે તેમજ પૂર્વ તરફ કરાઈ નજીક નર્મદા કેનાલ એસ્કેપ પાસે ચાલી રહેલી કામગીરીની પ્રગતિની પણ સમીક્ષા કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચ અધિકારીઓ પાસેથી કામની પ્રગતિનો તાગ મેળવીને કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
ફેઝ-2 અને ફેઝ-3 પૂર્ણ થતા રિવરફ્રન્ટ 40 કિમી લાંબો થશે
સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટના ફેઝ-2 અંતર્ગત નદીના બંને કાંઠે ડફનાળાથી ઈન્દિરા બ્રિજ સુધીના 5.50 કિમીના નદી વિસ્તારને વિકસાવવાનું આયોજન છે. આ પ્રમાણે બંને કાંઠે મળીને કુલ 11 કિમી વિસ્તારમાં રિવરફ્રન્ટનો વિકાસ કરવામાં આવશે.
જ્યારે ફેઝ-3 અંતર્ગત ઇન્દિરા બ્રિજથી નર્મદા મેઇન કેનાલ સુધી નદીના બંને કાંઠે 5 કિમીના વિસ્તારનો વિકાસ કરવાનું આયોજન છે. આ રીતે બંને કાંઠે મળીને કુલ 10 કિમી વિસ્તારમાં રિવરફ્રન્ટની સુવિધા ઊભી કરવામાં આવશે. ફેઝ-2 અને ફેઝ-3 ની કામગીરી પૂર્ણ થયા બાદ સાબરમતી રિવરફ્રન્ટની કુલ લંબાઈ બંને કાંઠે મળીને 40 કિમી સુધી પહોંચશે.
ઓટોમેટિક કન્ટ્રોલ સિસ્ટમથી ચાલશે 6 લેનનો બેરેજ કમ બ્રિજ
આ પ્રોજેક્ટનો મહત્ત્વનો ભાગ 6 લેનનો બેરેજ કમ બ્રિજ છે, જે ઓટોમેટિક કન્ટ્રોલ સિસ્ટમથી સંચાલિત થશે. આ બેરેજમાં 3.5 મીટર ઊંચાઈના એરફિલ્ડ રબર ટાઈપ સ્પેશ્યલાઇઝ્ડ બેરેજ ઉપયોગ કરવામાં આવશે. તેના કારણે ગાંધીનગર તરફના રિવરફ્રન્ટ વિસ્તારમાં પાણી ભરાયેલું રહેશે. ગુજરાતમાં આ પ્રકારનો પ્રથમ બેરેજ કમ બ્રિજ બનશે. આ પ્રોજેક્ટથી નદીના પાણીના સ્તરને નિયંત્રિત કરવાની સાથે રિવરફ્રન્ટના વિસ્તરણને પણ મહત્ત્વપૂર્ણ આધાર મળશે.
નવા ફેઝમાં ગ્રીન ઝોન, ચિલ્ડ્રન પ્લે એરિયા, ફૂડ પ્લાઝા બનશે
રિવરફ્રન્ટના નવા ફેઝમાં નદીના બંને કાંઠે વિવિધ નાગરિક સુવિધાઓ વિકસાવવામાં આવશે. તેમાં ગ્રીન ઝોન, અલગ-અલગ લેવલ પર વૃક્ષોનું વાવેતર, ચિલ્ડ્રન પ્લે એરિયા અને ફૂડ પ્લાઝાનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત આર્ટ અને કલ્ચર માટેની જગ્યાઓ, સ્વાસ્થ્ય સંબંધિત સુવિધાઓ તેમજ નાગરિકો માટે જુદા-જુદા લેવલ પર બેઠક વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. આ સુવિધાઓથી રિવરફ્રન્ટ માત્ર ફરવા માટેનું સ્થળ નહીં, પરંતુ મનોરંજન, આરોગ્ય અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર બને તેવું આયોજન છે.
AMC અને રિવરફ્રન્ટ ઓથોરિટીના અધિકારીઓ હાજર રહ્યા
મુખ્યમંત્રીની સ્થળ મુલાકાત અને સમીક્ષા બેઠકમાં અમદાવાદ શહેરના મેયર હિતેશ બારોટ, સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ ઓથોરિટીના ચેરમેન આઈ.પી. ગૌતમ, કમિશનર બંછાનિધિ પાની, શાસક પક્ષના નેતા જશુભાઈ ઠાકોર અને દંડક અતુલ મિશ્રા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત અમદાવાદ કોર્પોરેશનના અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર જે.એસ. પ્રજાપતિ સહિતના અધિકારીઓ પણ સહભાગી થયા હતા.
સાબરમતી રિવરફ્રન્ટનો પ્રોજેક્ટ ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ તેમજ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કંપની લિમિટેડ દ્વારા હાથ ધરવામાં આવ્યો છે. ફેઝ-2 અને ફેઝ-3 પૂર્ણ થતાં અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં રિવરફ્રન્ટનો વ્યાપ વધવાની સાથે નાગરિકો માટે નવી હરિયાળી, મનોરંજન અને જાહેર સુવિધાઓ ઉપલબ્ધ થશે.
